રૂપાણીનું રાજીનામું લઇ લેવાયું છે: હાર્દિકનો ધડાકો

ટૂંક સમયમાં મુખ્યમંત્રી તરીકે પાટીદાર અથવા ક્ષત્રિય ચહેરો હશે ગઇકાલે કેબિનેટમાં રાજીનામું આપી દીધું છે: પાસના ક્ધવીનરના નિવેદનથી સનસનાટી રાજકોટ તા.14
રાજકોટ શહેરના નાના મૌવા સર્કલ ખાતે વિધાનસભા 2017ની ચૂંટણી પૂર્વે તારીખ 29 નવેમ્બરના રોજ મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલે સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા આ સભા સ્થળની અને સભાની પણ મંજૂરી લેવામાં આવી ન હતી જેથી આ અંગે જે તે વખતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હોય હાર્દિક પટેલ બપોરે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં રજૂ થયો હતો અને તેને નિવેદન નોંધી મુક્ત કરવામાં આવ્યો હતો આ સમયે તેની સાથે બહોળી સંખ્યામાં પટેલ સમાજના યુવાનો અને સમિતિના ક્ધવીનરો ઉપસ્થિત રહ્યા હતા આ ગુનામાં અગાઉ જેના નામે મંજૂરી લેવા માટે અરજી કરવામાં આવી હતી તેવા કોંગ્રેસના તુષાર નંદાણીની ધરપકડ થઇ ચુકી છે.
આ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે એવો ધડાકો કર્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજીનામુ ગઈકાલે જ કેબિનેટમાં લઇ લેવામાં આવ્યું છે અને આગામી 10 - 12 દિવસમાં જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાટીદાર અથવા ક્ષત્રિય ચહેરાને બેસાડવામાં આવશે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું દાવા સાથે કહું છું કે ગઇકાલે જ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. કેમ કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા સહિતના મોરચે રૂપાણી સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ હોવાથી ભાજપની નેતાગીરી આગામી દિવસોમાં રાજીનામાનો સ્વીકાર કરી નવા મુખ્યમંત્રીની નિમણૂક
કરશે. આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદેલી મગફળી બાબતે નાફેડના ચેરમેને કરેલા નિવેદન અંગે પણ તેણે જણાવ્યું હતું કે આ બાબત ખુબ જ ગંભીર છે અને સરકારે કુલડીમાં ગોડ ભાંગી કૌભાંડ
આચર્યું છે ત્યારે ખેડૂતોએ હવે જાગૃત બનવું જરૂરી છે.
રાજકોટમાં હાજરી આપ્યા બાદ હાર્દિક પટેલ કેશોદ અને વંથલીની મુલાકાતે રવાના થઇ ગયેલ છે. રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ આવતા મોટી સંખ્યામાં ટેકેદારો એકઠા થયા હતા. (તસ્વીર: દિવ્યરાજસિંહ સરવૈયા)