ઇદ: ખુદાની નેઅમતો અદા કરવાની ક્ષણ

વૈશ્વિક ભાઈચારાની આજે આપણને બધાંને છે ખૂબ જ જરૂરત. પવિત્ર રમજાન ઇદનો આજ તો છે સંદેશ. ખુદાના આશિર્વાદ તમામ પર ઉતરતા રહે સદા એ જ હોય છે બધાં બિરાદરોની સહૃદય દુઆ ને પ્રાર્થના ! રમઝાન ઇદ ઇસ્લામ ધર્મનો મોટો અને પવિત્ર તહેવાર છે જે સમગ્ર વિશ્ર્વમાં ધામધુમપૂર્વક ઉજવાય છે. રમઝાન મહિનામાં આખા મહિના દરમિયાન રોજા રાખવામાં આવ્યા હોય છે. જેમાં મનુષ્ય પોતાનું સર્વસ્વ ખુદાને સમર્પિત કરી દે છે. આ માસ આત્મ અવલોકનનો સુંદર અવસર છે જેમાં મનુષ્ય પોતાની જ બુરાઇ, અવગુણ વગેરે જોઇએ તેના પર વિજય મેળવવાનો પ્રયત્ન કરે છે.
રોજાનું સમાપન પવિત્ર તહેવાર ઇદથી થાય છે. ઇદ શબ્દ મુળ ‘અવદ’ શબ્દ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘પુનરાવર્તન’ દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઇદ. જેમાં ફકત ખાવા, પીવાનું, સારા કપડા પહેરવાનું વગેરે બાહ્ય ખુશીનું મહત્વ નથી પરંતુ આ ખુશી સાથે ખુદાની નેઅમતોનો શુક્ર અદા કરવાનો છે. એકબીજા સાથે ભાઇચારો, એકતા શાંતિ અને પ્રેમથી રહેવા માટે સુચવે છે. ઇદ-ઉલ-ફિત્રમાં ફિત્રનો અર્થ થાય છે ‘ઉપવાસ તોડવો’ આખા મહિના દરમિયાન કરેલા રોજા એટલે કે ઉપવાસ આ દિવસે તોડીને અલ્લાહ પ્રત્યે આભાર વ્યકત કરવામાં આવે છે અને જીવનમાં તેણે જે કંઇ આપ્યું છે તે બદલ તેનો ઉપકાર માનવામાં આવે છે અને ઈદના દિવસે સવારે ઈદની નમાઝ પઢી દુઆ માગવામાં આવે છે.
એવું કહેવાય છે કે આજથી હજારો વર્ષ પહેલા ઇસ્લામના અનુયાયીઓએ ઇદ ઉલ ફિત્રની ઉજવણી કરવાનો પ્રારંભ થયો હતો. હીજરી સન બીજી ઇ.સ. 6ર3ના રમજાનથી અલ્લાહે દરેક પુખ્ત વયના મુસ્લિમ બિરાદરો પર રોજા ફર્જ કર્યા અને રમજાનના રોજા પૂરા થવાને બે દિવસની વાર હતી ત્યારે હજરત મહંમદ પયંગબર સાહેબને અલ્લાહે ઇદ-ઉલ-ફિત્ર માટે આયાત દ્વારા ફરમાવ્યું હતું. હજરત દુલ આલિયહ અને હજરત ઉમર બિન અબ્દુલ અઝીઝ દ્વારા આ આયાતનું અર્થઘટન કરતા જણાવ્યું હતું કે જે વ્યકિતએ તેના જીવનમાં સફળ થઇ છે તેણે ઇદ ઉલ ફિત્રની નમાજ પઢી, ઇદનો ચાંદ દેખાય તે રાત્રીના લૈલતુલ(રાત્રી) જાયઝી કહેવાય છે એટલે કે ઇનામ ઇકરામ મેળવવાની રાત્રી. અલ્લાહને ઇબાદત કરવાનો આ સોનેરી મોકો છે. આ મુબારક રાતની બરકતથી અલ્લાહને રાજી કરી લો હૃદયના ભાવથી આંખોમાં પાણી સાથે તેની રહેમત રહે તે માટે બંદગી કરવાની છે. સમગ્ર મહિના દરમિયાન રોજા રાખવાને કારણે જે કરૂણા જન્મે છે તેની ઉજવણીનું પ્રતીક પણ છે રમજાન ઇદનો આ તહેવાર હૃદયના સાચા ભાવથી પાઠવીએ ઇદની શુભકામના
ઇદ ખુશીનો તહેવાર છે જેમાં એકબીજાને મો મીઠું કરાવવામાં આવે છે તેમજ ખુલ્લાદિલથી ઘરે આવનાર મહેમાનોનો સત્કાર કરવામાં આવે છે. મનમાં રહેલી કડવાશ દૂર કરી એકબીજાને ઇદની શુભકામના પાઠવવામાં આવે છે ઇદના આ પાક તહેવારમાં આંતર બાહ્ય મનના મેલને દૂર કરીએ પ્રેમ, એકતા, ભાઇચારો અને હૃદયની નિખાલસ લાગણીથી સૌને ઇદની મુબારકબાદ પાઠવીએ.