સંસારમાં સ્નેહ અને મોહ વચ્ચેનો તફાવત સમજીએ

પ્રભુ પ્રત્યે મોહના બદલે સ્નેહનું શુધ્ધ સ્વરૂપ રાખી મોક્ષની મંજિલ મેળવીએ સ્નેહ અને મોહ વચ્ચે એક પાતળી ભેદરેખા છે. બે વ્યકિતઓને જે જોડી રાખે છે. તેને એક કરે છે. વ્યકિત જો પરસ્પર સ્નેહના તાંતણે બંધાયેલી હોય તો જ સંબંધ ટકે છે. જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાગ છે કાળજી છે.... સેવા છે.... અપેક્ષા વગરનો એક સૌ માટે આનંદ અને સંતોષનું સાધન બને છે. આ જ નિયમ પતિપત્ની, ભાઇબહેન, મિત્રો વિ. જેવા સંબંધોને લાગુ પડે છે. જીવમાત્રને સ્નેહની આવશ્યકતા છે. જે સંબંધમાં સ્નેહ નથી એ વખત જતા યાંત્રિક અથવા તો ઔપચારિક સંબંધ બની જતો હોય છે અને બોજરૂપ લાગવા માંડે છે.
સ્નેહનું વિકૃત સ્વરૂપ મોહ છે. અન્ય વ્યકિતને જ્યારે ભોગનું સાધન માનવામાં આવે ત્યાં મોહનો જન્મ થાય છે. ત્યાં વ્યકિત સાથે સંબંધ ન રહેતા તેના રૂપ, સંપતિ કે સત્તા જેવી વિશિષ્ટતા સાથે સંબંધ બાંધવામાં આવે છે. આવો સંબંધ સ્વાર્થમાં રચાયેલો હોય છે. જેમાં લાગણી ઓછી અને માંગણી વધુ રહેલી હોય છે.
સ્નેહમાં સ્વાર્થ ઉમેરાય એટલે તે મોહ કે આસકતનું સ્વરૂપ ધારણ કરે છે. આવો એક મોહમાં પરિણમીને આવેગનું સ્વરૂપ લે છે અને અન્ય પર અધિકાર જમાવવામાં અને કોઇકને કોઇક રીતે તેનું નિયંત્રણ કરવામાં જ પરિણમતો હોય છે. આવો એક અન્યને તેમજ પોતાને રૂંધનારો બની જાય છે. આવો સંબંધ વિકસિત થઇ શકતો નથી અને સામાન્ય રીતે તે સંઘર્ષમાં વિરામ પામે છે.
મોહમાં માનવી વિષયોને વશ બને છે. આ સંબંધ સ્વાર્થને સગવડતો હોય છે. આવો મોહ મિત્રો વચ્ચે, ભાઇઓ વચ્ચે ને કયારેક તો દંપતિ વચ્ચે પણ વેર ઉત્પન્ન કરાવે છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ આખુ જગત ત્રણ ગુણમય પદાર્થો વડે મોહ પામેલું છે અને એટલે જ સર્વગુણોથી પર અને અવિનાશી એવા મને જાણતું નથી.
આ ત્રણ ગુણમય પદાર્થ એટલે સત્વ રજસ અને તામસનું મુળ કારણ એટલે અજ્ઞાન અને તેનાથી જન્મનો વિવેક. જગતના પદાર્થોનો વિષયની દિપ્તીનું સાધન બનાવવામાં આવે ત્યારે મોહ પરાકાષ્ઠાએ પહોચે છે. આ જ તો છે સ્નેહ અને મોહનો પુણ્ય તફાવત સ્નેહમાં નિ:સ્વાર્થતા છે, સમર્પણ છે, સ્વતંત્રતા છે અને સંવાદિતા છે.
મોહમાં સ્વાર્થ છે અપેક્ષા છે પરતંત્રતા છે કે નિયંત્રણ છે સંઘર્ષ છે.
મોહનો ત્યાગ જરૂરી છે તો જ સંબંધે આશિર્વાદ પૂર્ણ બની શકે.
પ્રભુ પ્રત્યે નિસ્વાર્થ સ્નેહ હોવો જોઈએ. કોઈ અપેક્ષા લાલચ કે પછી ફળ મેળવવાની આશાએ પ્રભુ ભક્તિ કરવી એ મોહ છે.
કોઈ જ અપેક્ષા વગર નિસ્વાર્થભાવે જે ભક્તિ કરવામાં આવે છે તેનું અનોખુ ફળ મળે જ છે પરંતુ ફળની આશાએ ભક્તિ કરવી એ યોગ્ય નથી. ભગવાન અને ભક્તના અનેક ઉદાહરણ આપણે શાસ્ત્રમાં જોયા જ છે તેથી હૃદયના ઊંડા ભાવ અને શ્રદ્ધાપૂર્વક પ્રભુને સ્નેહ કરવો તેની ભક્તિ કરવી તેજ જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ.
- સંકલન: અમી ભટ્ટ