દામોદર કુંડ ખાતે સીસીટીવી કેમેરા પુન: કાર્યરત કરો

યાત્રિકોના માલ-સામાનની ચોરીના બનાવો વધતા મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલા કેમેરા કાર્યરત કરવા માંગ તાલુકા સેવા સદન ખાતે 5 વાગ્યા સુધી આવકના દાખલા કઢાશે આંગણવાડીમાં નળ કનેકશનની કામગીરી તાકીદે કરવા ના.કમિશનરની તાકીદ જૂનાગઢ તા,14
જૂનાગઢના પુરાણ પ્રસિધ્ધ દામોદર કુંડ ખાતે યાત્રીકોના માલ-સામાનની ચોરીના વધેલા ઉપદ્રવ સામે મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલા સીસીટીવી કેમેરા પુન: કાર્યરત કરાવવા માટે માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢના દામોદર કુંડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કેમેરાની જાળવણી કરવાની જેની જવાબદારી છે તે મનપા તંત્ર દ્વારા તેમની જાળવણી અને રીપેરીંગની કામગીરી કરવામાં ન આવતા ઘણા સમયથી આ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે જેના કારણે અહીં આવતા ભાવીક શ્રધ્ધાળુઓના માલ સામાનની ચોરી થવાના બનાવો બનતા રહે છે. તો વન્ય પ્રાણીઓના પણ આંટા ફેરા રહે છે અને કયારેક તો નવજાત શિશુઓના મૃતદેહો પણ અહીં મુકી જવાના બનાવો બનવા પામ્યા છે. ત્યારે લોકોની સલામતી અને સુરક્ષા માટે દામોદર કુંડ ખાતે લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા કાર્યરત કરવા જરૂરી હોય તેથી દામોદર કુંડ તિર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે કમિશ્નરને પત્ર પાઠવી તાત્કાલીક ધોરણે સીસીટીવી કેમેરા કાર્યરત કરવા માંગણી કરી છે.
5 વાગ્યા સુધી આવકના દાખલા કાઢી અપાશે
જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે હવે 5 વાગ્યા સુધી આવકના દાખલા કાઢી આપવામાં આવશે. અરજદારોની ફરીયાદ બાદ મામલતદારે સત્વરે આ પગલું ભરતા અરજદારોને હવે રાહત થશે.
આંગણીવાડીમાં પાણી પહોંચાડવા તાકીદ
જૂનાગઢ મનપા વિસ્તારમાં ચાલતી 47 આંગણવાડીમાં પાણી ન હોવાની રજૂઆત બાદ મનપાના નાયબ કમિશ્નરને તુરત જ વોટર વર્કસ ઈજનેરને બોલાવી આંગણવાડીમાં નળ કનેકશનની કામગીરી યુધ્ધના ધોરણે કરી પાણી પુરૂં પાડવા તાકીદ કરી છે.
તળાવ ઊંડા ઉતારવા માંગ
જૂનાગઢના ધારાસભ્યે રૂા.1 લાખ ગ્રાન્ટ આપવા તૈયારી બતાવી છે. તથા અન્ય સંસ્થાઓ, વ્યક્તિઓ લોક ફાળો આપવા તૈયાર હોવા છતા તંત્રને રસ ન હોવા સામે મુખ્યમંત્રી, કૃષિમંત્રીને પત્ર લખી ઝાંઝરડા વિસ્તારમાં આવેલ તળાવ ઉંડા ઉતારવાની માંગણી ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે.