કેશોદમાં પ્રૌઢની કરપીણ હત્યા અંગે વ્યાજવટાવના જૂના ભાગીદારની શોધખોળ

જૂનાગઢ તા,14
કેશોદના ચાર ચોક પાસે બપોરના દોઢ વાગ્યાની આસપાસ વ્યાજ વટાવના ધંધામાં ભાગીદારી છુટી કર્યા બાદના મનદુ:ખના 5 શખ્સોએ પાઈપ લાકડી તથા તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી આધેડની હત્યા કરી દેતા કેશોદમાં સનસની મચી જવા પામી હતી.
ગઇકાલે બપોરના સમયે કેશોદના ત્રિલોકપરા ખાતે આવેલા સીતારામ મકાનમાં રહેતા ભીખારામ ભગવાનદાસ કરીયાણી (ઉ.વ.45) તેના સંબંધી સાથે કારમાં બેસી એચ.ડી.એફ.સી. બેન્કમાં રૂપિયા ઉપાડવા જતા હતા ત્યારે રામા ભીમા રબાર, રાજુ ભામા રબારી, દિવ્યેશ રામા, ભુપત રબારી તથા બોઘો રબારીએ કારને રોકાવી તેમાંથી ભીખારામને બહાર કાઢી પાંચેય શખ્સોએ એક સંપ કરી કુહાડી, લોખંડના પાઈપ, દાંતરડા તથા હોકીથી હુમલો કરી દઇ હાથ-પગ ભાંગી નાખી મરણતોલ માર મારી દેતા ભીખારામ લોહી લુહાણ થઇ ફસડાય પડ્યો હતો. બાદમાં તેને ગંભીર હાલતમાં કેશોદની હોસ્પીટલમાં સારવારમાં લઇ જવાતા ભીખારામની હાલત અતી ગંભીર હોવાથી તેમને જૂનાગઢ ખાતે સારવાર આપી રીફર કરવામાં આવ્યા હતા અને 197 દ્વારા ભીખારામને જૂનાગઢ હોસ્પીટલમાં પહોંચાડવામાં આવે તે પહેલા રસ્તામાં તેનું મોત નીપજવા પામ્યું હતું. બાદમાં જુનાગઢ હોસ્પીટલ ખાતે તેમનું પીએમ કરવામાં આવ્યું હતું. પરંતુ હત્યારાઓને પકડવા સહીતની માંગણી રાખી ભીખારામના પરીવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસ તંત્રના અધિકારી અને આગેવાનોની સમજાવટ બાદ કલાકો પછી મૃતદેહને સ્વીકારવામાં આવ્યો હતો.
કેશોદ શહેરમાં હાહાકાર મચાવી દેનાર આ ઘટના અંગે મરણજનાર ભીખારામ હરીયાણીના પુત્ર કરણે કેશોદ પોલીસમાં નોંધાવેલ ફરીયાદ મુજબ તેના પિતા ભીખારામ ભગવાનદાસ હરીયાણી તથા આરોપી રાજુ ભીખા રબારી છેલ્લા આઠેક વર્ષથી વ્યાજ વટાવનો ધીરધારનો ભાગીદારીમાં ધંધો કરતા હતા અને છએક માસ પહેલા વાંધો પડતાં ભીખારામ છુટા થઇ ગયેલ જેથી આરોપી રાજુ તથા તેના ભત્રીજા દિવ્યેશ રામાએ મરણ જનારને ઘરે અવાર નવાર જઇ ધાક ધમકીઓ આપી બે દુકાનો તથા એક ભાગીદારીનો પ્લોટ જબરજસ્તી પડાવી લઇ તેમજ રોકડા રૂપિયા લેવા બાબતે પૂર્વ આયોજીત કાવતરુ રચી ગઇકાલે બપોરના દોઢ પોણા બે વાગ્યાના સમયમાં ભીખા રામ તેના સંબંધની મોટરમાં બેસી બેંકે રૂપિયા ઉપાડવા જતા હતા. ત્યારે મોટ રોકી તીક્ષ્ણ હથીયારો વડે હીચકારો હુમલો કરી મરણતોલ માર મારતા તેનું મોત નિપજયું હતું.