શરમજનક! રોડ બનાવતી વખતે જીવતા કૂતરાને દાટી દીધો અને રોડ રોલર ફેરવી દીધું

આગ્રા, તા.14
સોમવારે રાત્રે સૈયદ ચાર રસ્તા પાસે નવો રોડ બની રહ્યો હતો તે દરમિયાન માનવતા નેવે મૂકાઈ ગઈ હતી. રોડનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક કૂતરાને જીવતો જ દાટી દેવામાં આવ્યો. જેમણે પણ આ ઘટના જોઈ તેમના મનમાં એક જ પ્રશ્ર્ન હતો કે કૂતરાની શું ભૂલ હતી કે તેને આ રીતે મારવામાં આવ્યો. પ્રાણીપ્રેમી સંગઠન દ્વારા આ ઘટનાનો વિરોધ કરી પોલીસ સ્ટેશનમાં કંપની સામે કેસ દાખલ કરવામાં આવ્યો.
ફૂલ સૈયદ ચાર રસ્તા અને તેની આજુબાજુના રોડના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર આરપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને મળ્યું હતું. સોમવારે રાત્રે ચાર રસ્તા નજીક રોડ નિર્માણના કામ દરમિયાન એક જીવીત કૂતરાને દાટી દેવામાં આવ્યો. રોડ બનાવતી વખતે તેને કોઈને બચાવ્યો પણ નહીં ઉપરાંત રોડ પર રોડ રોલર પણ ફેરવી દીધું. આ ઘટના બાદ એનજીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને રોડમાં દટાયેલા કૂતરાને બહાર કાઢી તેની અંતિમ ક્રિયા કરવામાં આવી. પોલીસે કંપની સામે પશુ ક્રૂરતા અધિનિયમની અલગ અલગ કલમોને આધારે કેસ દાખલ કર્યો છે.
આ અંગે એક્ઝિક્યૂટિવ એન્જિનયર નરેશ કુમારે જણાવ્યું હતું કે ફૂલ સૈયદ રોડના નિર્માણનું કામ મારી કંપની પાસે છે. રોડ નિર્માણ દરમિયાન શ્ર્વાન સાથે જે ઘટના બની તે નિંદનીય છે. ગુનો કરનારા લોકોને નોકરીમાંથી બહાર કરવામાં આવશે.