અમરેલી જિલ્લાની પ્રા. શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી


અમરેલી,તા.14
રાજય સરકાર ખોલી રહી છે ઉજળા ભાવિની દિશા... શિક્ષણમાં કેટલાક ક્રાંતિકારી પરિવર્તન અને રચનાત્મક પરિમાણો ઉમેરવામાં ગુજરાત રાજય એ એક દ્રષ્ટાંત પૂરૂં પાડ્યું છે. રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે. રાજયની તમામ સરકારી પ્રાથમિક અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક વિભાગમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને આવરી લેવામાં આવશે. બાળક શાળાએ અભ્યાસ માટે આવે તે તેના માટે જીવનભરનું સંભારણું બની રહે છે. રાજય સરકાર દ્વારા તા.14 તથા 15 જૂન ગ્રામ્ય 22 અને 23ના શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં થયેલ એક સર્વે મુજબ ચાલુ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં 6,405 કુમાર, 5,939 ક્ધયાઓ એમ કુલ 12,344 બાળકો અને શહેરી વિસ્તારમાં 967 કુમાર અને 933 ક્ધયાઓ એમ કુલ 1,900 બાળકો સહિત જિલ્લામાં કુલ 14,244 બાળકો પ્રવેશપાત્ર છે. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાની સાથોસાથ માધ્યમિક શાળાઓમાં ધો.9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સન્માનિત કરી ઉજ્જવળ ભાવિની શુભેચ્છા પાઠવવામાં આવશે. અમરેલી જિલ્લામાં માધ્યમિક શાળાના 36 અને પ્રાથમિક શાળાના 79 રૂટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કુલ 115 અને શહેરીક્ક્ષાના 11 રૂટ ગોઠવવામાં આવેલ છે. ગ્રામ્યકક્ષાએ 2,212 અને શહેરીકક્ષાએ 228 વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજય તથા જિલ્લા કક્ષાના પદાધિકારી, અધિકારી, સાંસદ, ધારાસભ્ય તથા અન્ય મહાનુભાવો જોડાઇને પ્રવેશોત્સવની સાથે શાળાનું શૈક્ષણિક મૂલ્યાંકન કરશે.