જામનગરનાં નાગાજરનાં પ્રૌઢની લાશ મળી

રહસ્યમય સંજોગોમાં મોત થતા અનેક તર્કવિતર્ક જામનગર તા.14
કાલાવડ તાલુકાના નાગાજર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા લક્ષ્મણભાઇ ઉર્ફે મંગાભાઇ ગોવિંદભાઇ પરમાર નામના 56 વર્ષના વણકાર પ્રૌઢ ગઇકાલે પોતાના ઘેર રહસ્યમ સંજોગોમાં બેશુધ્ધ થઇ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા આ બનાવ અંગે મૃતકના ભાઇ લાલજીભાઇએ પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃત્યુનુ ચોક્કસ કારણ જાણવા માટે પોષ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
રહેણાંકમાંથી દારૂ ઝડપાયો
જામનગરમાં દિગ્વીજ પ્લોટ શેરી નં-58માં રહેતા એક નામચીન બુટલેગરના રહેણાંક મકાન પર એલસીબીની ટીમે દરોડો પાડી ઇંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો પકડી પાડી બુટલેગરની ધરપકડ કરી છે જયારે દારૂના સપ્લાયરને ફરારી જાહેર કર્યો છે.
દિગ્વીજય પ્લોટ શેરી નં-58માં શ્રીજી રેસીડેન્સીના બ્લોક નં-301 માં રહેતા કિશોર ઉર્ફે બાડો મુળજીભાઇ દામા નામના શખ્સના રહેણાંક મકાન પર એલસીબીની ટીમે ગઇરાત્રે પુર્વ બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી 10 નંગર ઇંગ્લીશ દારૂની બાટલી અને 64 નંગ બીયરના ટીન કબ્જે કર્યા છે અને આરોપી કિશોર ઉર્ફે બાડાની ધરપકડ કરી લીધી છે. જયારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર જામનગરના પાગાભાઇ ભાનુશાળીને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
બાઇક ઠોકરે વૃધ્ધનું મોત
જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમા બે મોટર સાયકલો ટકરાઇ જતા એક બાઇક પર બેઠેલા 70 વર્ષના બુઝુર્ગને ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેમનું મૃત્યુ નિપજયુ છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમભાઇ દલ પોતાનું બાઇક લઇને બેડી ગેઇટ સુપર માર્કેટ પાસેથી પસાર થઇ રહ્યા હતા જે દરમિયાન સામેથી પુરપાટ વેગે આવી રહેલા અન્ય એક બાઇકના ચાલેક તેઓને ઠોકર મારી પછાડી દીધા હતા જેઓને ગંભીર ઇજા થઇ હોવાથી સૌપ્રથમ જામનગર અને ત્યાર પછી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું છે. પોલીસે અજ્ઞાત બાઇક ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.