જામનગર પોલીસની જીપ બેકાબુ ! રેલીંગ તોડી ડિવાઇડર પર ચડી ગઇ

ભારે અવરજવરવાળા માર્ગ પર ટ્રાફીક સિવાયના સમયે અકસ્માત : દુર્ઘટના ટળી

જિલ્લા પંચાયત સર્કલ પાસે મધરાતે અકસ્માત : રાહદારીઓએ ફોટા પાડીને વ્હોટસએપમાં શેર કર્યા !
જામનગર તા.14
જામનગર શહેરમાં ગઇરાત્રે એક પોલીસ જીપ બેકાબુ બની ગઇ હતી અને ડીવાઇડર ઉપર ચડી જઇ રેલીંગ સાથે ટકરાઇને થંભી હતી જેથી પોલીસ જીપ તેમજ રેલીંગને નુકશાન થયુ હતુ સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી.
આ અકસમાતના બનાવની વિગત એવી છે કે જામનગરના ગૌરવ પથ માર્ગ પર જીલ્લા પંચાયત સર્કલ પાસે ગઇરાત્રે 12 વાગ્યાના અરસામાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સરકારી બોલેરોજીપ પેટ્રોલીંગ દરમિયાન એકાએક બેકાબુ બની ગઇ હતી અને રોડની વચ્ચે આવેલી રેલીંગ તોડીને ડીવાઇડર પર ચડી ગઇ હતી રેલીંગનો કેટલોક હિસ્સો તોડીને થંભી જતા સરકારી જીપમા તેમજ રેલીંગમાં નુકશાન થયુ હતું.
સતત ધમધમતા અને વાહનોની અવર-જવર વાળા આ માર્ગ ઉપર સામેથી અન્ય કોઇ વાહન આવતુ ન હોવાથી અકસ્માત ટળ્યો હતો જયારે જીપ્ની અંદર પણ ડ્રાઇવર શિવાય અન્ય કોઇ બેઠુ ન હોવાથી કોઇને જાનહાની કે ઇજા પહોંચી ન હતી અકસ્માતના બનાવ પછી મોડી રાત્રે લોકો કૃતુહલવશ એકત્ર થયા હતા અને પોલીસની જીપ્ના અકસ્માતના સ્થળ ઉપરના પોતાના મોબાઇલ ફોનમાં ફોટા પાડીને પોતાના ગ્રુપ સર્કલમાં શેર કર્યા હતા જેથી આજે જામનગર શહેરના અનેક લોકોના મોબાઇલ ફોનમાં પોલીસ જીપ્ના અકસ્માતના ફોટોગ્રાફ ફરતા થયા હતા.
નામચીન વર્લીબાજની વધુ એક વખત ઘરપકડ
જામનગરમા ટીટોડીવાડીમાં રહેતો અને વર્લી મટકાનો જુગાર રમવા અંગે તેમજ અનેક લોકોને વર્લીના જુગારના રવાડે ચડાવનાર કુખ્યાત વર્લીબાજ મોઇઝ અલી પ્યારઅલી કરમાણી નામનો ખોજા જ્ઞાતિનો શખ્સ ગઇકાલે રાત્રે વધુ એક વખત વર્લીના આંકડા લખતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો પોલીસને તેની જુગારધારા ભંગ બદલ ધરપકડ કરી લઇ થોકબંધ વર્લીમટકાનું સાહિત્ય અને રોકડ રકમ વગેરે કબ્જે કર્યા છે અને પોલીસ લોકઅપમાં બેસાડી દીધો છે.