કાલાવડની 18 લાખની લૂંટમાં પોલીસ તપાસ ઠેરની ઠેર


સીસીટીવીમાં ત્રણેય લૂંટારૂ કેદ થયા બાદ પણ પોલીસને મહત્વની કડી મળતી નથી
જામનગર તા,14
કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામની સહકારી મંડળના મંત્રીને માર મારી રૂા. 18 લાખની લુંટ ચલાવવા અંગેના ચકચારી પ્રકરણમાં લુંટારૂઓને પકડવા માટે પોલીસ દ્વારા જુદી જુદી ટુકડીઓ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કોઇ લુંટારૂ ત્રિપુટી દ્વારા પૂર્વયોજીત કાવત્રું કરીને નંબર પ્લેટ વગરની બાઇકમાં પોતાના ચહેરા ઢાંકીને લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાય આવે છે. એક પેટ્રોલ પંપના સીસી ટીવી કેમેરામાં નંબર વગરનું બાઇક દેખાયું હતું. જે ફુટેજના આધારે અને લુંટારૂઓએ પહેરેલા કપડાના વર્ણના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આગળ ધપાવાયો છે.
કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામમાં રહેતા અને જયકિશન સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા હરસુખભાઇ ભીખાભાઇ રૂડકીયા પોતાના જ ગામના જુદા-જુદા ખેડૂતોની પાક ધીરાણની 18 લાખની રોકડ રકમ લઇને બેંકમાં જમા કરાવવા નવાગામ તરફ જઇ રહ્યા હતા જે દરમિયાન માર્ગમાં ત્રણ સવારી બાઇકમાં આવેલા લુંટારૂ શખ્સોએ તેને માર મારી ધરી બતાવી ત. 18 લાખના થેલાની લુંટ ચલાવી હતી. આ બનાવની કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાયા પછી જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા લુંટનો ભેદ ઉકેલી નાખવા માટે એલસીબી - એસઓજી જુદી જુદી ટીમો બનાવી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.
જામનગર જિલ્લામાં નાકા બંધી કરી ઉંડાણપૂર્વક તપાસ કર્યા પછી કાલાવડના નવાગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપના સીસી ટીવી કેમેરામાં ત્રણ સવારીમાં એક બાઇક જોવા મળ્યું હતું. જો કે તેમાં બેઠેલા ત્રણેય શખ્સોના ચહેરા ઢાંકેલા હતા અને બાઇકની બંને નંબર પ્લેટોમાં નંબરો ભૂસી નાંખેલા હતા. જેથી કોઇ લુંટારૂ ટોકળી દ્વારા પૂર્વયોજીત પ્લાન ઘડીને આ લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસે તારણ કાઢયું છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં બે લુંટારૂ શખ્સોએ સફેદ શર્ટ અને એક શખ્સે પીલા કલરનું ટી-શર્ટ પહેરેલું હતું અને તેઓની ઉંમર 30 થી 32 વર્ષની હોવાનું અનુમાન કરાયું છે. જે કપડાના વર્ણના આધારે લુુંટારૂઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે પોલીસને કોઇ ચોકકસ કડી હાથ લાગી નથી. જામનગર જિલ્લા બહાર પણ તપાસનો દોર આગળ ધપાવાયો છે.