જામનગરમાં યુવાનને મરવા મજબુર કરનાર પાંચ વ્યાજખોરોની ધરપકડ


ચાર લાખનાં 10 લાખ વસુલી વધુ 12 લાખ પડાવવા ધમકીઓ આપતા યુવાને ઝેરી પીધુ હતું
જામનગર તા,14
જામનગરમાં મહેરીનગર વિસ્તારમાં રહેતા અને ગેસ એજન્સી ચલાવતા મહેરી વણકર યુવાને કેટલાક વ્યાજ ખોરોના ત્રાંસના કારણે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી તેણે લખેલી ચીઠ્ઠીના આધારે પોલીસે છ જેટલા વ્યાજખોરો સામે મનીલેન્ડ એકટ તેમજ એસ્ટ્રોસીટી એકટ મુજબનો ગુનો નોંધ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે પાંચ શખ્સોને ધરપકડ કરી લીધી છે. જેઓ ભોગ બનનાર યુવાન પાસે 30 ટકા જેવું રાક્ષસી વ્યાજ વસુલતા હતા. ચાર લાખના દસ લાખ ચૂકવી દીધા છતાં વધુ બાર લાખની માંગણી કરતાં યુવાને વીશપાન કર્યું હોવાનું બહાર આવ્યું છે.
જામનગરમાં મહેરીનગર વિસ્તારમાં રહેતા અને ધણશેરીની ખાડમાં શકિત ગેસ એજન્સી ચલાવતા નિતેશ દેવજીભાઇ પરમાર નામના 24 વર્ષના વણકર યુવાને કેટલાક વ્યાજખોરાના ત્રાંસના કારણે ગત સપ્તાહે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી જેમાં કેટલાક શખ્સોના નામ લખ્યા હતા. જેઓ 30 ટકા જેવું રાક્ષસી વ્યાજ વસુલી ત્રાંસ આપતા હોવાથી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરવા માટેનું પગલું ભરી રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો. જે ચીઠ્ઠી પોલીસે કબજે કરી લઇ જામનગરના છ જેટલા વ્યાજ ખોરો સામે મનીલેન્ડ એકટ તેમજ એસ્ટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.
જે ફરીયાદના અનુસંધાને પોલીસે જામનગરના જ ત્રણ ખવાસ બંધુઓ રાકેશ મગનભાઇ પરમાર, મહેશ ઉર્ફે અમીત મગનભાઇ પરમાર અને કરશન મગનભાઇ પરમાર તેમજ તેના બે સાગરીતો હીરેન દિનેશભાઇ વાણંદ અને ભરત ઉર્ફે કારી દિપકભાઇ રાવળદેવની ધરપકડ કરી લીધી છે. જયારે કે. પી. શાહ હાઉસમાં ઓફીસ ધરાવતા ઝાલાભાઇ નામના અન્ય એક ફાઇનાન્સરની પોલીસ શોધી રહી છે. ઉપરોકત ત્રણેય બંધુઓએ આજથી ત્રણ વર્ષ પહેલા ભોગ બનનાર યુવાન નિતેશને ચાર લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. નિતેશના પિતાને બાયપાસ સર્જરી કરાવાની હોવાથી ચાર લાખની રકમ વ્યાજે લીધી હતી જેનું ઉપરોકત આરોપીઓ 30 ટકા લેખે વ્યાજ વસુલતા હતા.
ભોગ બનનાર યુવાને ચાર લાખના બદલામાં સૌ પ્રથમ ત્રણ લાખ સાંઇઠ હજાર ચૂકવી દીધા હતા અને ત્યાર પછી સમાધાનના ભાગ રૂપે સાત લાખ રૂપિયા ચૂકવી આપી હીસાબ પૂર્ણ કર્યો હતો. તેમ છતાં વ્યાજખોરો દ્વારા હજુ બાર લાખ રૂપિયાની માંગણી કરાતી હતી. એટલે કે ચાર લાખના બદલામાં બાવીસ લાખ રૂપિયા જેવી રકમ ચૂકવવી પડે તેમ હોવાથી આત્મહત્યા કરી લેવા માટે ઝેરી દવાનો આસરો લીધો હોવાનો જાહેર થયું છે. આ ઉપરાંત ઝાલાભાઇ નામની વ્યકિતએ ત્રણ વર્ષ પહેલા એક લાખ પંદર હજાર વ્યાજે આપેલ હતા. જેનું દર મહિને પાંચ હજાર રૂપિયા વ્યાજ ચૂકવવાનું થતું હતું. જેની અત્યાર સુધીમાં એક લાખ એંસી હજાર જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં મૂળ રકમ અને વધુ વ્યાજની માંગણી કરાતી હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. જેને પોલીસ શોધી રહી છે. ભોગ બનનાર યુવાનની તબીયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે.
નાશતો ફરતો આરોપી ઝડપાયો
લાલપુરમાં આજથી એક વર્ષ પહેલા ઇંગ્લીશ દારૂની હેરાફેરી અંગેનો ગુનો દાખલ થયો હતો અને દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. જે દારૂના પ્રકરણમાં છેલ્લા એક વર્ષથી મોટી ખાવડી ગામનો નરેન્દ્રસિંહ ઉર્ફે નયલો પ્રવિણસિંહ ચુડાસમા નાસતો ફરતો રહ્યો હતો. જે આરોપી મોડી રાત્રે જામનગરમાં શરૂ સેકશન રોડ વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી રાજકોટ આર.આર. સેલની ટીમને મળતા જે પોલીસ ટુકડી ગઇકાલે રાત્રે જામનગર દોડી આવી હતી અને શરૂ સેકશન રોડ પર એક હોટલ પાસેથી આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે નયલાને ઝડપી લીધો હતો. જેને લાલપુર પોલીસ મથકમાં સુપ્રરત કરી દીધો છે.