આવાસનો સર્વે : ગેરરીતિ ખૂલે તો કરાર રદ્દ

મયુરનગર આવાસ યોજનામાં અનધિકૃત કબજાવાળા 8 ફલેટને મનપાના તાળાં, 2ને તાકીદ


જેને આવાસ લાગ્યા હોય તે સિવાયની વ્યક્તિ રહેતી હશે તો ખાલી કરાવવા કડકાઈ
જામનગર તા,14
જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત મયૂરનગર આવાસના મકાનોમાં કેટલાક રહેવાસીઓ દ્વારા અસામાજિક તત્વોના દબાણ અંગેની ફરીયાદો કરાયા પછી જામનગર મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને પોલીસને સાથે રાખીને તપાસણી કરાવતા આવાસના દસ મકાનોમાં અસામાજિક તત્વોએ તાળા મારી દીધાનું ખુલ્યું હતું. જેથી જામ્યુકોની ટીમ તાળા તોડી નાંખી પુન: કબજો મેળવ્યો હતો. જે દસ મકાનોમાંથી બે મકાનોમાં પરિવાર વસવાટ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જયારે અન્ય ચારમાં માલસામાન પણ મળી આવ્યો છે. જે તમામ સામે કાયદાકીય પગલા ભરવા કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત સમગ્ર આવાસના મકાનોમાં ભાડુઆત અંગેની ખરાઇ પણ કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા મયૂરનગર વિસ્તારમાં આવાસ યોજના હેઠળના પ12 મકાનો તૈયાર કરીને તાજેતરમાં રહેવાસીઓને સુપ્રત કરી દેવાયા હતા. જે પૈકી 7પ મકાનો જામનગર મહાનગરપાલિકાના કબજામાં છે અને તેના પર જામ્યુકોના તાળા લટકી રહ્યા છે જયારે બાકીના આવાસના મકાનોમાં ડ્રો કરીને રહેણાંક હેતુ માટે આપી દેવાયા છે. જયાં કેટલાક અસામાજિક તત્વો અડીંગનો જમાવીને પડયા રહેતા હોવાનું અને સ્થાનિક રહેવાસીઓને કનડગત કરતા હોવાની ફરીયાદો ઉઠતાં ગઇકાલે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જે તપાસ દરમિયાન મહાનગરપાલિકા હસ્તકના 7પ મકાનો પૈકી 10 મકાનોમાં મહાનગરપાલિકાના બદલે અસામાજિક તત્વોએ પોતાના તાળા લગાવી દીધા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી મહાનગરપાલિકાની ટીમે સીટી સી ડીવી. પોલીસને સાથે રાખી ઉપરોકત દસેય આવાસના મકાનોના તાળા તોડી તેના પર ફરીથી જામ્યુકોના તાડા લગાવી દીધા હતા. જે 10 મકાનોનો કબજો લેવાનો પ્રયત્ન થયો હતો તે પૈકી ચાર મકાનો ખાલી હતા પરંતુ અન્ય ચાર મકાનોની અંદર કેટલાક લોકોએ પોતાનો સર સામાન પણ ખડકી દીધો હતો. જયારે બે આવાસના મકાનમાં રહેવાસીઓ બિનઅધિકૃત રીતે વસવાટ કરતા મળી આવ્યા હતા. જેથી જામ્યુકોની ટીમ આશ્ર્ચર્યમાં પડી ગઇ હતી.
મયૂરનગર આવાસના બ્લોક નં. ડી - 2/306 માં નિલેશ રઘુભાઇ બારોટ નામનો શખ્સ પોતાના પરિવાર સાથે વસવાટ કરતા મળી આવ્યો હતો. જયારે સી-2/201 નંબરના બ્લોકમાં દિલાવરસિંગ વાઘેર નામનો શખ્સ બિનઅધિકૃત રીતે વસવાટ કરી રહ્યો હતો. જેથી જામ્યુકોની ટીમ 48 કલાકનું અલ્ટીમેટમ આપી આવાસનું મકાન ખાલી કરી દેવા અને ચાવી સુપ્રત કરી દેવા જણાવ્યું હતું. ઉપરાંત બંને આસામીઓ સામે પોલીસ ફરીયાદ કરવા માટે પણ તજવીજ હાથ ધરાઇ છે.
જામ્યુકો દ્વારા તૈયાર કરાયેલા આવાસના એગ્રીમેન્ટમાં એવી શરત મૂકાઇ છે કે, જે મકાન માલિકને ડ્રોના માધ્યમથી મકાન અપાયું હોય તે જ વ્યકિત તેમાં વસવાટ કરી શકે છે. સાત વર્ષ સુધી પોતાના આવાસનું વેંચાણ કરી શકશે નહિ કે અન્ય કોઇને પેટા ભાડે આપી શકશે નહિ. તેમ છતાં પણ કેટલાક આસામીઓ દ્વારા પોતાના મકાન ભાડે આપી દેવાયાનું ચર્ચાઇ રહ્યું છે. જેથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજથી જ તમામ આવાસોનું સર્વે શરૂ કરી દેવાયું છે. જો તેમાં કોઇ ગેરરીતી માલુમ પડશે તો તેઓના મકાનનો કરાર રદ કરી ખાલી કરાવવામાં આવશે અને તેઓની ચાવી મહાનગરપાલિકામાં પરત જમા લઇ લેવામાં આવશે તેવી પણ ચેતવણી આપી દેવાઇ છે. આ કાર્યવાહીથી આવાસના રહેવાસીઓમાં ચકચાર મચી ગઇ છે.