સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળેલા તમિલનાડુના વૃધ્ધને યાત્રા પૂરી થાય તે પહેલાં જ કાળનું તેડું


રાજકોટ તા.14
સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળેલા તમિલનાડુના વૃધ્ધને યાત્રા પુરી થાય તે પહેલા જ કાળનું તેડું આવી ગયું હતું. સોમનાથથી દ્વારકા જતી વેળાએ રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન નજીક ચાલુ ટ્રેને પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ તમિલનાડુના નામકલ જિલ્લાના વિઠ્ઠલપુરના વતની પરિમલ સ્વામી અર્થનારી સ્વામી (ઉ.73) નામના વૃધ્ધ અન્ય 32 લોકો સાથે સૌરાષ્ટ્રની યાત્રા કરવા નીકળ્યા હતા. દરમિયાન સોમનાથથી દ્વારકા જવા માટે સોમનાથ - ઓખા ટ્રેનમાં બેઠા હતા ત્યારે રાજકોટમાં ભક્તિનગર સ્ટેશનનું નજીક એસ્ટ્રોન ચોક નાલા પાસે ટ્રેન પહોંચતા પરિમલ સ્વામી ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ભક્તિનગર રેલવે પોલીસ મથકના હેડ કોન્સ હર્ષદભાઈએ પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.