પત્નીને જીવતી સળગાવી નાંખનાર પતિને આજીવન કેદ

ગોંડલ તાલુકાના લીલાખા ગામે બનેલ ચકચારી બનાવમાં ગોંડલ કોર્ટનો ચુકાદો જુગાર રમવા 50 રૂપિયા નહીં આપતા દશામાના વ્રતના દિવસે જ પત્નીને સળગાવી મારી હતી
રાજકોટ તા.14
ગોંડલ તાલુકાના લીલાખા ગામે જુગાર રમવાના પૈસા નહી આપતા પત્નીને જીવતી સળગાવી નાખી હત્યા નીપજાવવાતા ચકચારી બનાવમાં ગોંડલ કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ ગોંડલ તાલુકાના લીલાખા ગામે બે વર્ષ પહેલા તા 4/8/16ના રોજ દશામાના વ્રતના દિવસેજ ભારતીબેન દિનેશભાઇ સોલંકી પોતાના ઘરે હતા ત્યારે તેના પતિ દિનેશ નાનજી સોલંકીએ ઘરે આવી જુગાર રમવા માટે રૂા. 50 માંગેલા જેથી ભારતીબેને પૈસા દેવાની ના પાડતા પતિ દિનેશે મારકૂટ કરી ઉશ્કેરાઇ જઇ ભારતીબેન ઉપર કેરોસીન છાંટી વ્રતનો દિવો ચાલુ હોય તે દિવો અડાડી સળગાવી નાંખતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલા જ્યા ભારતીબેન તેમના પિત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલી અને મામલતદાર સમક્ષ પોતાનું મરણોતર નિવેદન લખાવેલું જેમાં પણ પતિ દિનેશ નાનજી સોલંકીએ કેરોસીન છાંટી સળગાવી દીધાનું જણાવેલું હતું. સારવાર દરમ્યાન ભારતીબેનનું મોત નિપજતા ગોંડલ તાલુકા પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી ગોંડલ કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું.
આ કેસ ગોંડલ સેસન્શ કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે કુલ 15 સાહેદો તપાસવામાં આવેલા દસ્તાવેજી પૂરાવાઓ રજૂ રાખેલા મૃતક ભારતીબેનનું મરણોન્મુખ નિવેદન અને સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઇ ગોંડલ કોર્ટના જજ જે.એન.વ્યાસે આરોપી પતિ દિનેશ નાનજી સોલંકીને આઇ પીસી કલમ 302 હેઠળ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા રોકાયા હતા.