વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થવું ખુબ કઠીન


1930માં યોજાયેલા પ્રથમ વર્લ્ડ કપમાં 13 દેશોએ ભાગ લીધો હતો પરંતુ હવે પરિસ્થિતિ એ છે કે, વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાંની બાધા પાર કરી ફાઇનલમાં પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે. આ વખતે ક્વોલિફિકેશન રાઉન્ડના મુકાબલામાં અંદાજે 200 જેટલા દેશોએ ભાગ લીધો હતો. જેમાંથી 31 દેશોએ વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવ્યો છે જ્યારે રશિયાને યજમાન દેશ હોવાના કારણે સીધો પ્રવેશ મળ્યો છે. વર્લ્ડ કપનો ક્વોલિફાઇંગ રાઉન્ડ કેટલો કઠિન હતો તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે, ચાર વખતની ચેમ્પિયન ઇટાલી, ત્રણ વખતની રનર્સ અપ નેધરલેન્ડ્સ અને ચાર વર્તમાન મહાદ્વીપ ચેમ્પિયન ટીમો કેમરુન, ચિલી, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા જેવા દેશો વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરી શકી નથી. જે અન્ય મહત્ત્વપૂર્ણ ટીમો રશિયામાં જોવા નહીં મળે તેમાં ઘાના અને આઇવરી કોસ્ટ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વાર વર્લ્ડ કપમાં ભાગ લેશે.
ફૂટબોલ વર્લ્ડકપમાં યુરોપનો દબદબો
ફૂટબોલ વર્લ્ડ કપમાં સૌથી વધુ 14 ક્વોટા સ્થાન યુરોપ પાસે છે. યજમાન રશિયા ઉપરાંત ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, પોર્ટુગલ, ક્રોએશિયા, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ, ડેન્માર્ક, આઇસલેન્ડ, પોલેન્ડ, ર્સિબયા, સ્પેન અને સ્વિડન આ વર્લ્ડ કપમાં રમી રહી છે. સાઉથ અમેરિકાથી બ્રાઝિલ, આર્જેન્ટિના, કોલંબિયા, પેરું અને ઉરુગ્વે દાવેદારી રજૂ કરી રહી છે. આફ્રિકામાંથી ઇજિપ્ત, નાઇજીરિયા, મોરક્કો, સેનેગલ અને ટયૂનિશિયાની ટીમ વર્લ્ડ કપમાં પહોંચી છે. એશિયામાંથી જાપાન, સાઉથ કોરિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયા રમી રહ્યા છે. કોન્કાકાફ એટલે કે ઉત્તર મધ્ય અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રોમાંથી મેક્સિકો, કોસ્ટારિકા અને પનામાની ટીમો સામેલ છે.
એક દિવસ અગાઉ સ્પેનના કોચની હકાલપટ્ટી
ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ થવાના એક દિવસ અગાઉ સ્પેનની ટીમે પોતાના કોચ જુલેન લોપેટગુઇની હકાલપટ્ટી કરી દીધી છે. ફૂટબોલ વર્લ્ડ કપમાં સ્પેન પોતાના અભિયાનની શરૂઆત 15મી જૂને પોર્ટુગલ સામે કરનાર છે. સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે મંગળવારે લોપેટેગુઇને પોતાની ટીમના મુખ્ય કોચ નિયુક્ત કર્યાની જાહેરાત કરી હતી. તે ફિફા વર્લ્ડ કપમાં ઝિનેદિન ઝિદાનના સ્થાને રિયલ મેડ્રિડ ટીમના કોચપદની જવાબદારી સંભાળનાર છે. આ જાહેરાતના એક દિવસ બાદ સ્પેન ફૂટબોલ ફેડરેશને લોપેટગુઇને હાંકી કાઢયા હતા કારણ કે, રિયલ મેડ્રિડ ક્લબ સાથે તેના કરારની જાણકારી ફેડરેશનની નહોતી. એસોસિયેશનના અધ્યક્ષ લુઇસ રૂબિએલેસે કહ્યું કે, અમને કરારની જાણકારી અગાઉ મળી હોત તો સ્થિતિ અલગ હોત. 2016માં યૂરો કપમાં સ્પેનના ખરાબ દેખાવ બાદ વિન્સેન્ટે ડેલ બાસ્કના સ્થાને લેપેટેગુઇને કોચ બનાવાયા હતા. તેમનો કાર્યકાળ 2020 સુધી વધાર્યો પણ હતો પરંતુ રિયલ મેડ્રિડ સાથે જોડાતાં હકાલપટ્ટી કરાઈ હતી. વર્લ્ડકપ: આંકડાકીય ઝલક
5.4ની એવરેજથી 1954માં સ્વિટ્ઝરલેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં ગોલ નોંધાયા હતા.
68,991 લોકો સરેરાશ અમેરિકામાં 1994માં યોજાયેલા વર્લ્ડ કપમાં નોંધાયા હતા.
08 વખત જર્મનીની ટીમ ફાઇનલમાં પહોંચી છે જે પૈકી ચાર વખત ચેમ્પિયન બની છે અને ચાર વખત રનરઅપ રહી છે.
04 દેશે વર્લ્ડ કપમાં ભાગ લીધો પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ ટીમોમાં કેનેડા, ચીન, ઇન્ડોનેશિયા-કોંગો ડીઆર સામેલ છે.
09 મેચ હોન્ડુરાસે વર્લ્ડકપમાં રમી છે, એકેય મેચ જીતી નથી. રેકોર્ડ છે.
21 મેચ ઇટાલીએ વર્લ્ડ કપમાં ડ્રો કરી છે જે એક રેકોર્ડ છે.
10 ખેલાડીઓ બ્રાઝિલના છે જેમને વર્લ્ડ કપમાં રેડકાર્ડ મળી ચૂક્યા છે.
111 યલો કાર્ડ આર્જેન્ટિનાના ખેલાડીઓને મળી ચૂક્યા છે.
25 મેચ વર્લ્ડ કપમાં લોથાર મેથાએયુસે રમી છે અને તે આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ખેલાડી છે.
17 વર્ષ, એક મહિનો અને 10 દિવસની વયે નોરમાન વઇટસાઇડે નોર્ધન આયરલેન્ડ તરફથી 1982ના વર્લ્ડકપમાં યુગોસ્લાવિયા સામે રમ્યો હતો જે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ છે.
05 ગોલ 1994માં રશિયા તરફથી રમતાં ઓલેગ સાલેન્કોએ કેમરૂન સામેની 6-1થી મળેલી જીતવાળી મેચમાં નોંધાવ્યા હતા જે એક મેચમાં ખેલાડી તરફથી સૌથી વધુ ગોલનો રેકોર્ડ છે.
02 ખેલાડી ઝિનેદિન ઝિદાન અને કેમરૂનના રિગોબર્ટ સોંગને વર્લ્ડ કપમાં બે વખત રેડકાર્ડ દર્શાવી મેદાનની બહાર મોકલાયા છે.
03 વખત પેલેએ વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે અને તે આ સિદ્ધિ મેળવનાર વિશ્ર્વનો એક માત્ર ખેલાડી છે.
2,217 મિનિટ ઇટાલીના ફૂટબોલ ખેલાડી પાઓલો માલ્દિનીએ વર્લ્ડ કપમાં રમી છે જે સૌથી વધુ છે.