વર્લ્ડકપના ઇતિહાસમાં યજમાન ટીમ કદી પ્રથમ મેચ હારી નથી


મોસ્કો તા,14
રશિયામાં આજથી 21મા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. યજમાન રશિયા અને સાઉદી અરેબિયા ઓપનિંગ મેચમાં ટકરાશે. તે અગાઉ મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં પ્રસિદ્ધ ગાયક રોબી વિલિયમ્સ રશિયાની એડા ગારીફુલિના સાથે પર્ફોર્મ કરશે. સાઉદી અરેબિયાની ટીમ વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં રમનાર એશિયાની પ્રથમ ટીમ બનશે. જોકે, પ્રથમ વાર એવું બન્યું છે કે, બે નબળી ટીમો વચ્ચેની મેચ દ્વારા વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. બંને ટીમોનો તાજેતરનો દેખાવ ઘણો નબળો રહ્યો છે. રશિયાની ટીમ ગત ઓક્ટોબરમાં સાઉથ કોરિયા સામે જીત મેળવ્યા બાદ રમાયેલી સાત મેચમાં જીત મેળવી શકી નથી જ્યારે સાઉદી અરેબિયાની ટીમ પણ પેરુ, ઇટાલી અને જર્મની સામે સતત ત્રણ ફ્રેન્ડલી મેચ હારી ગઈ છે. બંને ટીમની નજર વર્લ્ડ કપના મુકાબલામાં વિજય મેળવવા પર રહેશે. રશિયાની ટીમ 2002ના વર્લ્ડ કપ બાદ ક્યારેય મેચ જીતી નથી. તે જ રીતે સાઉદી અરેબિયાની ટીમે 1994માં યુએસએ સામે વિજય મેળવ્યા બાદ જીત મેળવી શકી નથી. વર્લ્ડ કપના ઇતિહાસમાં યજમાન ટીમ ઓપનિંગ મેચમાં હારી નથી. અગાઉ છ વખત યજમાન દેશે ઓપનિંગ મેચ જીતી છે જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે. રશિયાની નજર હવે આ રેકોર્ડને જાળવી રાખવા પર રહશે. આ પહેલાં રશિયા જે સોવિયત યુનિયન તરીકે વર્લ્ડ કપમાં સામેલ હતું તેણે 1970માં મેક્સિકો સામેની મેચ 0-0થી ડ્રો કરી હતી.
તો જર્મનીએ ઈતિહાસ રચવો પડે
ગત ચેમ્પિયન જર્મનીને આજથી શરૂ થઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં પોતાનું ટાઇટલ જાળવી રાખવું હોય તો તેમણે ઇતિહાસ રચવો પડશે.
વર્લ્ડ કપનો 1930થી અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે, માત્ર બે દેશ જ ઇટાલી અને બ્રાઝિલ ચેમ્પિયન બન્યા બાદ આગામી વર્લ્ડ કપમાં ટાઇટલ જીતવામાં સફળ રહ્યા છે. ઇટાલીએ 1934 અને 1938માં ટાઇટલ જાળવી રાખ્યું હતું. બ્રાઝિલે 1958માં ટાઇટલ જીત્યા બાદ 1962માં તેને જાળવી રાખ્યું હતું. જર્મનીએ પ્રથમ વાર 1954માં ટાઇટલ જીત્યું હતું પરંતુ 1958માં ચોથા સ્થાને રહી હતી. જર્મનીએ 1974માં બીજી વખત ટાઇટલ જીત્યું હતું પરંતુ 1978ના વર્લ્ડ કપમાં જર્મન ટીમ ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી. જર્મની 1990માં ત્રીજી વખત ચેમ્પિયન બની હતી પરંતુ 1994માં તેનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયો હતો. જર્મનીએ 2014માં ટાઇટલ જીત્યું હતું અને તેને જાળવી રાખવા ઇતિહાસ બદલવો પડશે.