આજે સાંજે ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની

32 ટીમો વચ્ચે દિલધડક મુકાબલા: આજે પ્રથમ મેચ યજમાન રશિયા-સાઉદી અરેબિયા વચ્ચે ખેલાશે મોસ્કો તા.14
રશિયામાં આજે 21મા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો રોમાંચક આરંભ થઈ રહ્યો છે. રશિયાની ભૂમિ અડધી યુરોપમાં અને અડધી એશિયામાં છે. યુરોપમાં 2006ની સાલનો વર્લ્ડ કપ યોજાયો ત્યાર પછી ત્યાં પહેલી જ વખત ફૂટબોલની આ સર્વોચ્ચ સ્પર્ધા યોજાઈ રહી છે. 15મી જુલાઈ સુધી ચાલનારી આ સ્પર્ધામાં રમનારી કુલ 32 ટીમોમાંથી 31 ટીમે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સફળતા પ્રાપ્ત કરીને આ વિશ્ર્વસ્પર્ધામાં રમવા માટેનું ક્વોલિફિકેશન મેળવ્યું હતું અને 32મો દેશ રશિયા યજમાન હોવાથી એનો સીધો પ્રવેશ થયો હતો. ઇટલી, નેધરલેન્ડ્સ, અમેરિકા, ચિલી અને કેમેરુન જેવા રાષ્ટ્રોની ટીમ આ વખતે ક્વોલિફાય નથી થઈ શકી. આ વખતે ટ્રોફી જીતવા માટેની ફેવરિટ ટીમોમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની ઉપરાંત ફ્રાન્સ તેમ જ સ્પેન અને બ્રાઝિલના પણ નામ બોલાય છે. આર્જેન્ટિનાના પર્ફોર્મન્સનો સૌથી મોટો આધાર લિયોનેલ મેસી પર અને પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર રહેશે. ઇટલી, નેધરલેન્ડ્સ, અમેરિકા, કેમેરુન અને ચિલી જેવી મોટી ટીમો આ વખતના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય નથી થઈ શકી. દરમિયાન, મોસ્કોમાં બુધવારે ફિફાની મહાસભામાં થયેલા મતદાનને આધારે આવેલા પરિણામ મુજબ 2026ની સાલના વર્લ્ડ કપનું આયોજન અમેરિકા, મેક્સિકો અને કેનેડાને ફાળે ગયું છે. એ પહેલાં, 2022નો વિશ્ર્વકપ કતારમાં રમાવાનો છે. આવતી કાલે ત્રણ મેચ રમાશે જેમાંથી પ્રથમ મેચ ઇજિપ્ત-ઉરુગ્વે વચ્ચે (ભારતીય સમય મુજબ સાંજે 5.30થી), બીજી મેચ મોરોક્કો-ઇરાન વચ્ચે (રાત્રે 8.30થી) અને ત્રીજી મેચ પોર્ટુગલ-સ્પેન વચ્ચે (રાત્રે 11.30થી) રમાશે.