ભારત-અફઘાન ક્રિકેટ મેચ: મૈત્રીની મેરેથોન ઈનિંગ્સ । તંત્રી લેખ

સમગ્ર વિશ્ર્વ જ્યારે આજથી ફૂટબોલ ફિવરમાં જકડાઈ જવાનું છે ત્યારે ભારતમાં આજે એક નવી શરૂઆત થવાની છે અને તે પણ ક્રિકેટની રમતમાં. આમ તો ક્રિકેટની રમતનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો અને 1877માં ઈંગ્લેન્ડ તેમ જ ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. એ બાદમાં 1932માં ભારત ટેસ્ટ મેચ રમનાર છઠ્ઠો દેશ બન્યો હતો. ભારતે તેની પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે રમી હતી. 1932 પછી ટેસ્ટ ક્રિકેટમાં બીજી ટીમો ઉમેરાઈ છે. આ છ ટીમમાંથી ચોથી ટીમ તરીકે અફઘાનિસ્તાન આજથી ભારત સામે રમશે. સૌથી વધુ દેશની ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ ઈંગ્લેન્ડ સામે થયું છે. કુલ છ રાષ્ટ્રોએ પોતાની પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે રમી છે, પરંતુ છેલ્લાં 85 વર્ષમાં નવી આવેલી બીજી છ ટીમમાંથી ચાર ટીમ ભારત સામે રમીને પોતાની પ્રથમ ટેસ્ટની શરૂઆત કરી છે, માત્ર શ્રીલંકા અને આયર્લેન્ડ બે ટીમો બીજા દેશ સામે પોતાની પ્રથમ ટેસ્ટ રમી છે.
આમ જોવા જઈએ તો દક્ષિણ આફ્રિકાએ પણ ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમન 1992માં ભારત સામેની મેચથી જ કર્યું હતું. આ અગાઉ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે જેવી ટીમોએ પોતાના ટેસ્ટ જીવનની શરૂઆત ભારત સામે કરી હતી.આમ નવા દેશોને ક્રિકેટની રમત ભણી વાળવામાં ભારતનો ફાળો મોટો રહ્યો છે. આજથી ભારત જે દેશ સામે ક્રિકેટ રમવા જઈ રહ્યું છે તે અફઘાનિસ્તાનની ટીમ ખૂબ જ લડાકુ છે. તમે વિચારો જે દેશ સતત તાલિબાન જેવા જુલમી શાસકોની ચુંગાલમાં હોય એ દેશમાં ક્રિકેટની રમતનો વિચાર પણ ક્યાંથી આવી શકે? જેમ ભારતમાં જમ્મુ અને કાશ્મીરની ટીમ સતત ત્રાસવાદના ઓછાયા હેઠળ હોવા છતાં રણજી કે બીજી ભારતીય સ્પર્ધાઓમાં સારો દેખાવ કરી રહી છે તે જ રીતે અફઘાનિસ્તાનની ટીમ પણ પોતાના દેશના વિપરીત સંજોગોમાં પણ ઉજળો દેખાવ કરી રહી છે. તાજેતરમાં પૂરી થયેલી આઈપીએલની મેચોમાં પણ કેટલાક અફઘાની ખેલાડીઓએ ખૂબ જ ઉજળો દેખાવ કર્યો હતો. આજથી જ્યારે ભારત અને અફઘાનિસ્તાન એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે ભારતની સાથે સાથે અફઘાનિસ્તાનને પણ વધામણાં આપવાં જોઈએ. કેટલાક અફઘાની ખેલાડીઓ જેવા કે રાશિદ ખાન, મુજજિબ ઉ રહેામ, મોહમ્મદ નાબી, અને કેપ્ટન અસગર સ્તાનિકઝાઈએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી લીધી છે. હમણાં જ રમાયેલી ટી-20 સિરીઝમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 3-0થી હરાવીને લોકોને ચોંકાવી દીધા હતા. આમ તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એમ ત્રણેય દેશની ટીમમાં મોટા ભાગના ખેલાડી મુસ્લિમ છે, તેમ છતાં જે રીતે ભારત પાકિસ્તાન સામે કટ્ટરતાથી રમતું હોય છે તેવો જ રવૈયો અફઘાન સામે નથી રાખતું. અફઘાનિસ્તાનના ખેલાડીઓ લડાયક છે, પરંતુ બીજી કેટલીક ઈસ્લામી ટીમોની જેમ કટ્ટર નથી. અફઘાનિસ્તાન આમ તો વન ડે અને ટી-20 જેવી મેચ અનેક દેશ સામે રમી ચૂક્યું છે તેમ છતાં ભારત સામેની આ પ્રથમ ટેસ્ટની અસર અફઘાનિસ્તાનની આંતરિક સમસ્યાઓ પર પણ જરૂર થશે. આ મેચને કારણે વધુને વધુ અફઘાની યુવાનો ક્રિકેટ કે બીજી રમતો અથવા વિકાસની વાટ તરફ વિચારતા થશે. ભારત અને અફઘાન વચ્ચે ક્રિકેટની રમતના સંબંધો વધુ મજબૂત થાય તો આનો ફાયદો સમગ્ર એશિયાને થાય તેમ છે. સમગ્ર એશિયાના દેશના સંબંધ વધુ ગાઢ બને તો એશિયા ખંડના વિકાસમાં ભારતની ભૂમિકા લોકોએ માનવી જ પડે. આજથી શરૂ થઈ રહેલી આ ટેસ્ટમાં વિજય ભારતનો થાય કે અફઘાનિસ્તાનનો ખરેખર તો ક્રિકેટનો જ વિજય હશે, વિકાસનો જ વિજય હશે.