લિવિંગ સર્ટી. પકડાવનાર સ્કૂલોની માન્યતા થશે રદ

બાળ સંરક્ષણ આયોગ કાળઝાળ: ગંભીર નોંધ લીધી... તમામ ડીઈઓને આદેશ: જૂવેનાઇલ એકટ હેઠળ પગલા લો... શું પગલાં લીધા તેનો રિપોર્ટ પણ આપવા સૂચના
રાજકોટ તા,14
રાજયભરમાં એક યા બીજા કારણોસર વિદ્યાર્થીઓને લીવીંગ સર્ટીફીકેટ આપી દેવાની ઘટનાઓ સામે આવતા બાળ સંરક્ષણ આયોગે તેની ગંભીર નોંધ લીધી છે. આયોગે આવી શાળાઓની માન્યતા રદ કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓેને આદેશ કર્યા છે. સતાવાર ફરિયાદ બાદ હવે રાજયની 8 શાળાઓ પર મંજુરી રદ થવાની તલવાર લટકી રહી છે.
રાજ્યની કેટલીક પ્રાથમિક શાળાઓ દ્વારા જુદા જુદા કારણો આગળ ધરીને વિદ્યાર્થીઓને એલ.સી. આપી દેવાનું શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં આ અંગે કેટલાક વાલીઓએ નાયબ શિક્ષણ નિયામક સમક્ષ રજૂઆતો અને ફરિયાદો કરી હતી. જેના અનુસંધાનમાં આવી શાળાઓ સામે પોલીસ ફરિયાદ કરીને શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.
અંદાજે 8 શાળાઓએ જુદા જુદા કારણો આપીને વિદ્યાર્થીઓને એલ.સી. આપી દીધા હતા. આ મુદ્દે કેટલાક વાલીઓએ રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ ફરિયાદ કરી હતી. જેના અનુસંધાનમાં વિભાગે દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પરિપત્ર મોકલીને એવી સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના પત્ર અન્વયે આવી શાળાઓની માન્યતા રદ કરવા માટે કાર્યવાહી કરવાની રહેશે. ઉપરાંત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓેએ આ પ્રકારની કાર્યવાહી કરી છે તેની જાણ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગને કરવાની રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવતી કેટલીક શાળાઓએ જુદા જુદા કારણો આપીને વિદ્યાર્થીઓને એલ.સી. આપવાનું શરૂ કર્યું હતું. હવે આવી સંસ્થાઓ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે પોલીસ ફરિયાદ પણ કરવાનું નક્કી કરાયું છે.