ગોંડલ એસટી ડેપોનો કર્મચારી રાજકોટના સ્ટેન્ડમાંથી વિદેશી દારૂના 13 ચપલા સાથે ઝડપાયો


રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં દારૂ જુગારની બદી દૂર કરવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે રાજ્યભરમાં દોડતી એસટી બસોમાં ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી કરવી સરળ હોવાથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત વસ્તુઓની લોકો હેરાફેરી કરતા હોય છે ત્યારે ગોંડલ એસટી ડેપોમાં ફરજ બજાવતા રાજકોટના કર્મચારીને એસટી બસ સ્ટેન્ડમાંથી ખુદ વિભાગીય સુરક્ષા નિરીક્ષકે વિદેશી દારૂના 13 ચપલા સાથે ઝડપી લઇ પોલીસને સોંપ્યો છે.
રાજકોટના શાસ્ત્રી મેદાન સ્થિત નવા બસ સ્ટેન્ડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવા માટે વિભાગીય સુરક્ષા નિરીક્ષકો દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન ગત મોડી રાત્રે ફરજ ઉપર રહેલા અધિકારી અજયરાજસિંહ ચંદ્રસિંહ ચુડાસમાએ રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર સોમનાથ સોસાયટીમાં રહેતા અને ગોંડલ એસટી ડેપોમાં ફરજ બજાવતા રાજેશ શામજીભાઈ ડાભી નામના કર્મચારીને કે જે ગોંડલથી એસટી બસમાં રાજકોટ આવ્યો હતો તેને શંકાના આધારે અટકાવી જડતી લેતા તેની પાસેથી વિદેશી દારૂના 13 ચપલા મળી આવતા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઇ બી બી કોડિયાંતર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને એસટીના કર્મચારીની ધરપકડ કરી પ્રોહિબિશન અંગે ગુનો નોંધી મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના ઉપરથી દારૂની હેરાફેરી માટે એસટી સલામત હોવાનું ફલિત થઇ રહ્યું છે .