ગુપ્તદાનની લાલચે ગર્ભગૃહ ખોદી નાંખતા રોષ

મોરબીના જૂના સાદુળકા ગામે લાલચું શખ્સોએ શિવ મંદિરમાં મધરાત્રે ત્રાટકેલા અજાણ્યા શખ્સોના કારસ્તાનથી ગ્રામજનોમાં ભભૂકતો રોષ: સત્વરે પકડવા ઉઠી માંગ
મોરબી તા.14
મોરબી નજીક આવેલા જુના સાદુળકા ગામમા ગઈકાલે રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો ગુપ્ત ખજાનાની લાલચમાં શિવમંદિરનું ગર્ભગૃહ ખોદી નાખતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે, આ અગાઉ પણ બે વર્ષ પૂર્વે સાદુળકા ગામના આ શિવમંદિરમાં અજાણ્યા શખ્સોએ મંદિરમા ખોદકામ કરી મંદિરને ભારે નુકશાન પહોચાડ્યું હોવાનું બહાર આવ્યું છે.
ચોકાવનારી ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીનું જુના સાદુળકા ગામ વર્ષો જુના ટીમ્બા પર વસેલું છે અને અહીં બેશુમાર ખજાનો દટાયેલો હોવાની લોક વાયકા વચ્ચે જુના સાદુળકા ગામમા આવેલ શિવ મંદિર નીચે માયા છુપાયેલી હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે, એવામાં ગઈકાલે રાત્રીના સમયે અજાણ્યા શખ્સો ગામમાં ઘુસી આવ્યા હતા અને રાત્રી દરમિયાન ગુપ્ત ખજાનો ગોતવા મંદિરને તહસ નહસ કરી નાખ્યું હતું
આ ઘટના અંગે ગામના પૂર્વ સરપંચ કનુભા રઘુભા ઝાલાએ જણાવ્યું હતું કે આજે સવારે શિવ મંદિરે પૂજા અર્ચના કરવા ગયા ત્યારે મંદિરનું ગર્ભગૃહ ખોદી નખાયાનું જણાતા ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને તપાસ કરતા રાત્રીના સમયે કોઈ શખ્સો માયાના લોભમાં મંદિર ખોદી ગયા હોવાનું જણાય રહ્યું છે સરપંચ કનુભાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રીની ઘટનામાં લાલચુ શખ્સો જીપ જેવું વાહન લઈને આવ્યા હોવાના સગળ મળ્યા છે અને આ મામલે પોલીસે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. દરમિયાન જુના સાદુળકા ગામે રહેતા એડવોકેટ ધર્મેન્દ્રભાઈ બારેજીયાએ ગુપ્ત ખજાના અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમારું ગામ જૂનો ટિમ્બો છે, ભૂકંપ બાદ નવું ગામ વસ્યું છે અને હાલમાં અહીં 100 પરિવારો વસવાટ કરે છે, તેઓએ ઉમેર્યું કે વર્ષોથી અમારા ગામના ભૂતળમાં ખજાનો દટાયેલ હોવાની લોકવાયકા છે ભૂકંપ સમયે પણ કેટલાક લોકો ગામમાં આવ્યા હતા અને મંદિર નીચે મોટો ખજાનો હોવાનું જણાવી અહીં ખોદકામ કરવા દેવામાં આવેતો બદલામાં ગામની ફરતે વંડો બનાવી દેવાનું કહ્યું હતું પરંતુ ગ્રામજનોએ સ્પષ્ટ ના પાડી હતી
ગુપ્ત ખજાના પર વસેલા મોરબીના જુના સાદુળકા ગામમાં અગાઉ ખોદકામ દરમિયાન ખજાનો મળવાના કિસ્સાઓની ચર્ચાની વચ્ચે હજુ પણ અનેક લોકોના મકાનના પાયા કોઈ અજાણ્યા માણસો રાતો રાત ખોદી જતા હોવાની ઘટનાઓ બનતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે
આ સંજોગોમાં તો ખજાનાની લાલચમાં લાલચુઓ શિવમંદિર ખોદી જતા શિવલિંગ લટકી પડ્યું છે અને ગ્રામજનો દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરી આ કૃત્ય આચરનારને ઝડપી લેવા માંગ કરી રહ્યા છે. (તસ્વીર : અતુલ જોશી-મોરબી)