રેકર્ડ રૂમમાં વિસ્ફોટથી નુકસાન: પોલીસ કર્મી ગંભીર

ધ્રોલના પોલીસ સ્ટેશનમાં રહસ્યમય બનાવમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી સામાન વેર વિખેર, દૂર સુધી ધડાકાની આગ; સદનસીબે રેકર્ડ રૂમ સહિતની જગ્યાએ આગ નહિ પહોચતા રાહત : એફએસએલના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા
જામનગર, તા. 14
જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં આવેલા રેકર્ડ રૂમમાં આજે બપોરે સાડા ત્રણેય વાગ્યાના અરસામાં એકા એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને ઘડાકા સાથે સંપૂર્ણ રેકર્ડ રૂમ ધ્વસ્ત થઇ ગયો હતો અને આગ પણ લાગી ગઇ હતી. જેના કારણે રેકર્ડરૂમ સંપૂર્ણ પણે નાસ પામ્યો હતો. આ સમયે ત્યાં હાજર રહેલા એક પોલીસ કર્મચારીને ગંભીર સ્વરૂપે ઇજા થઇ હોવાથી તેઓને તાબડતોડ સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે. આ પ્રચંડ ધડાકાને લઇને ભારેહડકંપ મચી ગયો હતો. જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્રોલ પોલીસ મથકે દોડી ગયા હતા. સૌ પ્રથમ આગ ઠારવા માટે ફાયર બ્રીગેડની મદદ લીધી હતી. ઉપરાંત પ્રચંડ ધડાકાનું કારણ જાણવા માટે ફોરેન્સીક નિષ્ણાંત, ડોગસ્કોવડ, બોમ્બ સ્કોવડ વગેરેની મદદ લેવાઇ રહી છે.
જામનગર જીલ્લાના પોલીસ બેડામાં અને ખાસ કરીને ધ્રોલ પોલીસ મથકમાં ભારે હડકંપ મચાવી દેનારા આ બનાવની હકિકત એવી છેે કે, જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં આવેલા રેકર્ડ રૂમમાં કે જેમાં છેલ્લા બે વર્ષનો ઇગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો તેમજ અન્ય કબ્જે કરેલી સામગ્રીઓને અને ધ્રોલ પોલીસ સ્ટેશનનું રેકર્ડ વગેરે રાખેલા હતા જે રેકર્ડ રૂમમાં બપોરે સાડા ત્રણેય વાગ્યાના અરસામાં સૌ પ્રથમ ધુમાડા નીકળવા લાગ્યા હતા અને ત્યાર પછી એકા એક પ્રચંડ બ્લાસ્ટ થઇ ગયો હતો. જે ધડાકાના કારણે રેકર્ડરૂમ સંપૂર્ણપણે નાશ થઇ ગયો હતો અને સાથો સાથ આગ પણ ભભુકી ઉઠી હતી.
આ ઘટના સમયે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી હરપાલસિંહ તખતસિંહ જાડેજા ઉ.વ. 30 ધુમાડા નિકળતા જોઇને રેકર્ડ રૂમ પાસે ગયા હતા દરમ્યાન બ્લાસ્ટ થતા ઇટોના ટુંકડાઓ તેમના શરીરના જુદા જુદા ભાગોમાં વાગ્યા હતા અને તેઓને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. આ ઘડાકાની ઘટના પછી ભારે નાશભાગ મચી ગઇ હતી અને અન્ય પોલીસ કર્મચારીઓ તથા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. સૌ પ્રથમ ઇજા ગ્રસ્ત પોલીસ કર્મચારીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં લઇ જવાયા હતા જયારે રેકર્ડ રૂમમાં રાખેલો દારૂનો જથ્થો વગેરેમાં આગ લાગી હતી. જેથી ફાયર બિગ્રેડની ટીમને બોલાવી આગને કાબુમાં લેવડાવી હતી. આ પ્રચંડ બ્લાસ્ટને લઇને જામનગરના પોલીસ બેડામાં ભારે હડકંપ મચી ગયો હતો અને જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્રોલ પોલીસ મથકે દોડી ગયા હતા અને આ ઘડાકો કઇ રીતે થયો તે જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. નજીકમાં જ પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આવેલું હોવાથી વિજ પ્રવાહને લઇને કોઇ ઘટના બની નથી તે જાણવા માટે વિજ ટુકડીને પણ બોલાવી લેવાઇ હતી અને તેટલા ભાગનો વિજ પુરવઠો બંધ કરી દેવાયો છે. ઘડાકાનું ચોકકસ કારણ જાણવા માટે ફોરેન્સીક નિષ્ણાંત, ડોગ સ્કોવડ અને બોમ્બ સ્કોવડ વિ. ટીમોને ઘટના સ્થળે બોલાવી લીધી છે જેના દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રેકર્ડ રૂમમાં કેટલો મુદદામાલ હતો ? તે જાણી શકાયું નથી. ઉપરાંત દારૂ અને બિયરના જથ્થાની સાથે અન્ય કઇ-કઇ સામગ્રી હતી તેનો રેકર્ડ ચકાસવામાં આવી રહ્યું છે. (તસવીર: સુનિલ ચુડાસમા)