બેકાબૂ કાર ત્રણ વાહનોને હડફેટે લઈ પેટ્રોલપંપ સાથે અથડાઈ

રાજકોટ તા.13
શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે કારચાલકે કાબુ ગુમાવતા અકસ્માતની હારમાળા સર્જી હતી જેમાં બાઇકચાલક બે મિત્રો સહીત ત્રણ વાહનોને હડફેટે લીધા બાદ કાર લીધી પેટ્રોલ પમ્પમાં ઘુસી ગઈ હતી અને ફ્યુલ મીટરનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો આ ઘટનામાં બે મિત્રોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હોય પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
શહેરના કાલાવડ રોડ પર આત્મિય કોલેજ સામે આવેલા ગિરિરાજ પેટ્રેલ પંપમાં ઘટેલી એક ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સવારે અગ્યાર વાગ્યે જીજે 03 એચકે 2544 નંબરની બ્લુ કલરની કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કોઈ કારણોસર કાબુ ગુમાવતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી જેમાં પ્રથમ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ રિક્ષા, બાઈક અને એક કારને અડફેટે લીધા હતા અને 20 ફૂટ સુધી ઢસડાઈ સીધી કાર પેટ્રોલ પંપમા ઘૂસી ગઇ હતી. ત્યાં પેટ્રોલ પૂરવાના ફ્યુલ મીટર એટલે કે મશીનને ઉલાળ્યું હતું અને ત્યાં જ કાર અટકી ગઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી પેટ્રોલ પમ્પની આજુબાજુમાંથી પસાર થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી પેટ્રોલ પમ્પમાં પેટ્રોલ પુરાવવા આવેલા વાહનચાલકોના શ્વાશ અધ્ધર થઇ ગયા હતા કારના આગળના ભાગે નુકશાન થયું હોય કારચાલક કાર રેઢી મૂકી નાસી છૂટ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને કાર નંબરના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી છે
આ ઘટનામાં માર્કેટિંગ યાર્ડ પાછળ ભગીરથ સોસાયટીમાં રહેતા રાવજીભાઈ અરજનભાઇ રૂપાપરા અને લાલપરી કાંઠે રહેતા તેમના મિત્ર સુખાભાઈ તળશીભાઈ પરમાર બંને ચીભડાં ગામે કોઈ કામ માટે ગયા હતા ત્યાંથી બાઈક લઈને પરત આવી રહ્યા હતા ત્યારે કારચાલકે હડફેટે લેતા બંનેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. બેકાબુ બનેલી કાર, તૂટેલું ફ્યુલ મીટર અને લોકોના ટોળા તથા ઈજાગ્રસ્ત નજરે પડે છે.     (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)