અઢી વર્ષ, 51 બેઠક અને 1086 ઠરાવો પાસ !

સ્ટેન્ડિંગ ચેરમેન પદે અઢી વર્ષ પૂર્ણ કરતા પુષ્કર પટેલની કામગીરીના લેખાં-જોખાં શહેરને બે નવા ઓડિટોરિયમ, મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર, આજી રિવરફ્રન્ટ વગેરે ભેટ આપતા પુષ્કર પટેલ સુરક્ષિત રાજકોટ માટે ‘આઈવે’ પ્રોજેકટ અંતર્ગત તમામ માર્ગો - ચોકને સીસીટીવીથી સજ્જ કરાયા મને સોંપવામાં આવેલી જવાબદારી મે નિષ્ઠાથી નિભાવી સાથ - સહકાર આપનાર તમામનો આભાર પુષ્કર પટેલ રાજકોટ તા,13
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓની ગત નવેમ્બર-2015માં ચૂંટણી બાદ સૌ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની અવધિ અઢી વર્ષની કરવામાં આવેલ. ત્યારે પ્રથમ વખત અઢી વર્ષ માટે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયેલ યુવા, તરવરીયા અને ઉત્સાહી એવા પુષ્કરભાઈ પટેલ પોતાની તા.14/12/2015થી થયેલ નિયુક્તિને આગામી તા.14/06/2018ના રોજ અઢી વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલએ જણાવેલ છે કે, છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી શહેરના મતદારોએ ભાજપમાં વિશ્વાસ મૂકી, શાસનધૂરા સોંપેલ છે. કોર્પોરેટર તરીકેની પાંચ વર્ષની આ ટર્મના પ્રથમ અઢી વર્ષમાં ભાજપના મોવડી મંડળે મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપેલ. દેશના દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણી, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ આ અઢી વર્ષના સમયગાળા દરમ્યાન શહેરના વિવિધલક્ષી કામો, વિકાસ યોજનાઓ તથા ભવિષ્યના રાજકોટના સુનિયોજીત વિકાસને ધ્યાનમાં રાખી, સૌને સાથે રાખી, નિર્ણયો લેવામાં આવેલ છે.
અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન સમયાંતરે સ્ટેન્ડિંગ કમિટીની કુલ 51 મીટિંગ બોલાવવામાં આવેલ.
સ્ટેન્ડિંગ કમિટીની મળેલ મીટિંગમાં કુલ 1086 ઠરાવો પસાર કરવામાં આવેલ છે.કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી મિશનમાં સમાવિષ્ટ થઇ, દેશના અગ્રીમ હરોળના સ્માર્ટ સીટી બનવા તરફ આગેકુચ કરી રહેલ રાજકોટને નમુનેદાર વિકાસપથ પર આગળ ધપાવવાની અમારી નેમ હતી. જેને ચરિતાર્થ કરવા માટે સને 2018-19નું રૂ.1769.33 કરોડનું બજેટ મંજુર કરવામાં આવેલ.
સને 2018-19ના વર્ષમાં કાર્પેટ એરિયા બેઇઝ મિલકત વેરા આકારણી પદ્ધતિ કાર્યાન્વિત કરવામાં આવી. જેને કારણે, મિલકત વેરા આકારણીમાં પારદર્શિતા આવી. આમ, ચૂંટણી ઢંઢેરા દરમ્યાન આપેલ વચન પૂર્ણ કરેલ છે.
જેમાં, ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગો પરત્વે સંવેદના વ્યક્ત કરી, દિવ્યાંગોની સુવિધામાં વધારો કરી, દિવ્યાંગ મિલકત ધારકોને મિલકત વેરામાં 5% વિશેષ વળતર આપવાનું મંજુર કરવામાં આવેલ.
સ્કાડા સીસ્ટમ આધારિત રીયલ ટાઇમ બલ્ક વોટર ઓડિટ સીસ્ટમ:-
સ્કાડા સીસ્ટમ આધારિત રીયલ ટાઇમ બલ્ક વોટર ઓડિટ સીસ્ટમ ફેઝ-3ના સપ્લાય, ઇરેકશન, ટેસ્ટીંગ અને કમિશનીંગના કામ તથા પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી રૂ.3.89 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ છે. જેના કારણે પાણીના વેડફાટ અને પાણી ચોરી પર નિયંત્રણ આવી શકે.
હોકી-બાસ્કેટબોલ મેદાન:-
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ સંકુલમાં તમામ પ્રકારની આઉટડોર તથા ઇન્ડોર ગેમ રમવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેમાં, હોકી-બાસ્કેટબોલ મેદાનમાં સુધારા વધારા કરવામાં આવે છે. આ માટે રૂ.3.80 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.
સ્વિમિંગ પુલ:-
શહેરના ત્રણેય ઝોનમાં મહિલાઓ તથા પુરુષો માટે 04 સ્વિમિંગ પુલ કાર્યરત છે. પરંતુ, ફક્ત મહિલાઓ માટે સ્વિમિંગ પુલ હોય તેવી અવાર-નવાર માંગણી થતી જેને ધ્યાને લઇ, વોર્ડ નં.09માં પેરેડાઈઝ હોલ પાસે ફક્ત મહિલાઓ માટે જ આધુનિક પ્રકારના સ્વિમિંગ પુલ બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે. તે માટે લગભગ રૂ.2.36 કરોડ જેવો ખર્ચ થનાર છે.
ટેનિસ કોર્ટ:-
રાજકોટના શહેરીજનો રમત-ગમતના ક્ષેત્રે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી શકે, તેમજ ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું તથા શહેરનું નામ રોશન કરે તે માટે રેસકોર્ષ સંકુલમાં રૂ.2.01 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના 06 ટેનિસ કોર્ટ બનાવેલ છે.
એસ્ટ્રોટર્ફ હોકી તથા બાસ્કેટબોલ મેદાન:-
રેસકોર્ષ સંકુલમાં આવેલ એથલેટિકની બાજુમાં સિન્થેટીક બાસ્કેટ બોલ મેદાન તથા નેચરલ ગ્રાસ હોકી મેદાનની કામગીરી રૂ.2.49 કરોડના ખર્ચે કરવામાં આવેલ છે.
નવું જીમનેશિયમ:-
વોર્ડ નં.5માં આવેલ સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પુલના આગળના ભાગમાં જીમનેશિયમ બનાવવાની કામગીરી રૂ.83.80 લાખના ખર્ચે હાથ ધરવામાં આવેલી છે. ક્રિકેટ સ્ટેડિયમ પેવેલિયન બિલ્ડીંગ તથા હયાત જીમનેશિયમમાં રંગરોગાનની કામગીરી રૂ.46.85 લાખના ખર્ચે કરવામાં આવેલ છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોની સુવિધા માટે:-
પેડક રોડ પર અટલબિહારી વાજપેયી ઓડીટોરીયમ(પૂર્વ ઝોન)
રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ(પશ્ચિમ ઝોન)
750 વ્યક્તિની આરામદાયક બેઠક વ્યવસ્થા ધરાવતા, અદ્યતન એરક્ધડીશનિંગ સિસ્ટમ, સાઉન્ડ પ્રૂફ તથા આધુનિક લાઈટિંગ સુવિધાઓ, જનરેટર સેટ, વિશાળ પાર્કિંગ સાથેના આ બંને ઓડિટોરીયમ શહેરના પૂર્વ તથા પશ્ચિમ ઝોનના વિસ્તારોના રહેવાસીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થયા છે.
ગ્રીનવે ડેવલપમેન્ટ:-
શહેરમાં પ્રદુષણનું નિયંત્રણ થાય અને થોડે ઘણે અંશે ટ્રાફિક સમસ્યાના ઉકેલમાં કામગીરી કરી શકાય તે હેતુસર શહેરમાં સાઈકલ ટ્રેકને પદયાત્રીઓ માટે ગ્રીનવે ડેવલપમેન્ટની કામગીરી અંતર્ગત શહેરમાં સર્વેશ્વર ચોકથી સરદારનગર થઇ ટાગોર માર્ગ સુધી સાયકલ ટ્રેક રૂ.82.25 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે.
રાંદરડા ડેવલપમેન્ટ:-
રાજકોટ શહેરની જનતાને હરવાફરવા માટે એક નવું સ્થળ મળી રહે તે માટે રાંદરડા તળાવ તથા આજુબાજુના વિસ્તારને રીડેવલપ કરવા માટે રૂ.22.48 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવેલ છે.જે પૂર્ણ થતા શહેરીજનોને હરવા ફરવાનું એક નવું સ્થળ મળી રહેશે.
મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર:-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પ્રાથમિક શિક્ષણ તથા બચપણ રાજકોટમાં વીતેલ, તેઓએ જે હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષણ લીધેલ તે જૂની આલ્ફ્રેડ હાઈસ્કુલ અને હાલની મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાલય રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે. આ સ્થળે રાષ્ટ્રપિતાના જીવનકવન આધારિત મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર(મ્યુઝિયમ) ઉભું કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.22.55 કરોડના ખર્ચે કામગીરી શરુ કરવામાં આવેલ છે. જે નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે.
આજી રિવરફ્રન્ટ:-
શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી હાલ ગંદી અને સુકી નજરે પડે છે. તેના સ્થાને આ નદીની ગંદકી દુર કરી, નદીના કાંઠાઓ પર સુશોભન કરી, બગીચાનું નિર્માણ કરી, શહેરીજનોને હરવા-ફરવાનું એક નવું સ્થળ મળી રહે, તે હેતુથી આજી રિવરફ્રન્ટ માટે રૂ.18.41 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવેલ છે.
રેઈનવોટર હાર્વેસ્ટિંગ:-
શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહે છે. આ પાણીના કારણે મચ્છરો, જીવાત તેમજ ગંદકી થાય છે. વરસાદી પાણીના સુયોગ્ય નિકાલ માટે રેઈનવોટર હાર્વેસ્ટિંગ માટે રૂ.18.84 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવેલ છે.
સ્કલ્પચર વર્કશોપ:-
શહેરમાં બાળકો યુવાનો, યુવતીઓને ઇત્તર પ્રવૃતિનો એક નવો આયામ મળી રહે તે માટે, સ્કલ્પચર વર્કશોપ માટે રૂ.50 લાખની ફાળવણી કરવામાં આવેલ.જે પૈકી, રૂ.40 લાખના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્કલ્પચર મૂકવામાં આવેલ છે જ્યારે, રૂ.10 લાખના ખર્ચે સ્કલ્પચર તૈયાર કરવામાં આવી રહ્યા છે.
સી.સી.ટી.વી. કેમેરા:-
રાજ્ય સરકારના સેઈફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરમાં પણ શહેરીજનોમાં ટ્રાફિક પાલન, સ્વચ્છતા જેવી બાબતો પરત્વે સભાનતા અને શિસ્ત કેળવાય તથા શહેરમાં લુંટફાટ, ચોરી જેવા બનાવો પર નિયંત્રણ આવે અને શહેર ખરા અર્થમાં સલામત બની રહે તે માટે શહેરમાં જુદા જુદા વિસ્તારો તથા ટ્રાફિક સર્કલોમાં પ્રથમ તબક્કે રૂ.47 કરોડના ખર્ચે સી.સી.ટીવી. કેમેરા મુકવામાં આવેલ છે, બીજા તબક્કાની કામગીરી ગતિમાં છે.
થીમ બેઇઝ્ડ પાર્ક:-
મહાનગરપાલિકા દ્વારા લોકોને હરવા-ફરવાના સ્થળ તથા પર્યાવરણના જતન માટે જુદા જુદા વિસ્તારમાં બગીચાઓ બનાવવામાં આવે છે. પરંતુ લોકોને કઈક વિશિષ્ટ પ્રકારનો અને વનસ્પતી વિષયક જાણકારી મળી રહે તે રીતનો ચોક્કસ થીમ આધારિત બગીચો બનાવવાનું નક્કી કરવામાં આવેલ. જે અન્વયે, શહેરના વોર્ડ નં.02માં બજરંગવાડી વિસ્તારમાં રૂ.80.89 લાખના ખર્ચે હર્બલ-થીમ (આયુર્વેદિક-ઔષધિય વનસ્પતિઓ) પાર્કની કામગીરી ગતિમાં છે.