ટીપરવાન હેઠળ કર્મચારી ચગદાઈ જતાં કામદારોનો હોબાળો

ગાર્બેજ સ્ટેશનમાં ટીપરવાનમાં ચાલકની ગંભીર ભૂલે એક યુવાનનો ભોગ લીધો ટીપરવાનમાં કલીનર ન હોવાથી સર્જાયો અકસ્માત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટ તા.13
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા કોર્પોરેશનના ગાર્બેજ સ્ટેશનમાં ટીપરવાનના ચાલકની ગંભીર ભૂલે એક યુવાનનો ભોગ લઈ લેતા કામદારોમાં હોબાળો મચી જવા પામ્યો છે. ટીપરવાનનો ચાલક રિવર્સમાં લેતો હતો ત્યારે પાછળ ઉભેલો કર્મચારી ટીપરવાન હેઠળ ચગદાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ ખાતે વાલ્મીકી સમાજના ટોળા ઉમટી પડ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં આવેલા ટીપરવાનના ગાર્બેજ સ્ટેશનમાં આજે સવારે ટીપરવાનના ચાલકો ગાડી ખાલી કરાવવા આવ્યા હોય ત્યારે એક ટીપરવાનના ચાલકે બેદરકારી દાખવી અચાનક ટીપરવાન રીવર્સ લેતાં પાછળ ઉભલો કર્મચારી ટીપરવાન હેઠળ ચગદાઈ જતાં તેનું ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યુ હતું.
પ્રાથમીક તપાસમાં મૃતક જામનગર રોડ પર સ્લમ કવાટરમાં રહેતો રણજીત રામજીભાઈ સાગઠિયા (ઉ.45) નામનો યુવાન હોવાનું જાણવા મળ્યુ છે. મૃતક રણજીત ત્રણ ભાઈ એક બહેનમાં મોટો હતો તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે તથા મુળ મુંબઈનો હતો.
બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો અને વાલ્મીકી સમાજના ટોળા એકઠા થઈ ગયા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માગ સાથે લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
વધુ તપાસમાં ટીપરવાનમાં કલીનર ન હોવાથી અકસ્માત સર્જાયાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. વાલ્મીકી સમાજની મ્યુનિ. કમિશનરને રજૂઆત
રૈયા ડમ્પીંગ યાર્ડ ખાતે ટીપરવાનમાં અકસ્માતે સફાઇ કામદારનું કરૂણ મૃત્યુ થતા ડમ્પ ખાતે વાલ્મીકી સમાજ એકઠો થયેલ અને મૃત્યુ પામેલ. સફાઇ કામદારને વળતર સહિતના લાભ મળે તે માટે વાલ્મીકી સમાજના આગેવાનોએ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરતા સમાજના આગેવાન અને કોંગ્રેસના અશોકસિંહ વાઘેલા સહિતના સાથે મીટીંગ યોજી વાલ્મીકી સમાજની રજૂઆત સાંભળી હતી. માગ ન સ્વીકારાય તો લાશ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર
મૃતક રણજીત સાગઠિયાનુ ટીપરવાનના ચાલકની ગંભીર બેદરકારીના કારણે મોત નીપજતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા તેઓ નોંધારા બની ગયા છે. જેથી મૃતકના પરિવારના સભ્યને કોર્પોરેશનમાં નોકરી અને પરિવારને કોન્ટ્રાકટર અને કોર્પોરેશન આર્થિક સહાય ચુકવે તેવી માગ કરવામાં આવી છે. જો માગ ન સ્વીકારાય તો લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
રણજીત જાણીતા લોક ગાયક કરશન સાગઠિયાનો ભત્રીજો હતો
રૈયાધારમાં બનેલા અકસ્માતમાં મરણ જનાર રણજીત સાગઠિયા જાણીતા લોક ગાયક કરશનભાઈ સાગઠિયાનો ભત્રીજો થાય છે તથા રણજીતના માતા-પિતાનું વર્ષો પહેલા અવસાન થતા તે કાકા કરશનભાઈ સાથે જ રહેતો હતો. બનાવની જાણ થતાં લોકગાયક કરશનભાઈ સાગઠિયા પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ન્યાયની માગ કરી હતી. (તસવીર: પ્રવીણ સેદાણી)