રાજકોટમાં ટૂંક સમયમાં એન્જિ.ના વિદ્યાર્થીઓ માટે યોજાશે ભરતી મેળો

આઠમા સેમેસ્ટરમાં 15 સપ્તાહની ઇન્ટર્નશીપ કે ફૂલ ટાઈમ પ્રોજેકટની પણ છૂટ અપાશે
રાજકોટ તા,13
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ હવે ફાર્મસીની જેમ જ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે પણ સેન્ટ્રલાઈઝ પ્લેસમેન્ટ ફેર યોજવા ઘોષણા કરી છે. આથી ટુંક સમયમાં જ રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા સહિત પાંચેય ઝોનમાં નોકરી ભરતીમેળા યોજાશે. સાથોસાથ વિદ્યાર્થીઓને રોજગારી સક્ષમ બનાવવા નવા કોર્સ અમલમાં મુકવા અને 15 સપ્તાહની ઇન્ટર્નશીપ કે ફૂલ ટાઈમ પ્રોજેકટ અંગે નિર્ણય થશે.
જીટીયુના ઈન્ટીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ તરફથી નવમી જૂનના રોજ ચાંદખેડા કેમ્પસમાં આયોજીત એચઆર પરિષદમાં આ જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે ફાર્મસીના ક્ષેત્રમાં કેન્દ્રીય નોકરી ભરતી મેળાની સફળતાને પગલે એન્જીનિયરીંગ માટે પણ જીટીયુ સેન્ટ્રલાઈઝ પ્લેસમેન્ટ ફેર યોજશે. પરિષદમાં 50થી વધુ કંપનીઓના એચઆર મેનેજરો અને જીટીયુ સંલગ્ન કોલેજોના પ્લેસમેન્ટ ઑફિસરો સહિત 120થી વધુ પ્રતિનિધિઓએ સક્રિય રસ લઈને વિવિધ ભલામણો કરી હતી. તેના આધારે નક્કર પ્લાન ઘડી કાઢીને તેનો અમલ કેવી રીતે કરવો તેના વિશે વિચારણા કરવા 12મી જૂનથી શ્રેણી બદ્ધ આયોજન શરૂ કરાનાર છે. આ પ્રસંગે જીટીયુના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને ડિરેક્ટર ડો. રાજેશ પરીખે જણાવ્યું હતું કે ફાર્મસી માટે સાત સેન્ટ્રલાઈઝ પ્લેસમેન્ટ ફેર સફળતાપૂર્વક યોજવામાં આવ્યા બાદ હવે એન્જીનિયરીંગના નોકરી ભરતી મેળા ઝોનલ સેન્ટરોમાં યોજવાનો મૂળ વિચાર વાઈસ ચાન્સેલર પ્રો.(ડો) નવીન શેઠનો છે. વિદ્યાર્થીઓમાં સોફ્ટ સ્કીલ સહિતના કૌશલ્યો પણ ટેકનિકલ જ્ઞાન સાથે મળે એવો વ્યૂહ ઘડવામાં આવશે. તેના માટે ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમોની મદદ લેવામાં આવશે. એઆઈસીટીઈ તરફથી નક્કી થયા મુજબનો નવો અભ્યાસક્રમ પણ અમલમાં મૂકવામાં આવશે. જીટીયુના ઈન્ટીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના ઈન્ચાર્જ અને કાર્યક્રમના કો-ઓર્ડિનેટર હિતેશ ગુજરાતીએ આભારવિધિ કરી હતી.