19મીથી યુનિવર્સિટીમાં ટાટ-1 અને 2ના તાલીમ વર્ગો યોજાશે

રાજકોટ તા,13
પ્રવર્તમાન સમયમાં શિક્ષક થવા માટે બી.એડ.ની પદવી ઉપરાંત છાત્રોએ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ આપવાની થાય છે. આ પરીક્ષાઓને આધારે છેલ્લા પાંચ-સાત વર્ષમાં અસંખ્ય યુવાનોને શિક્ષક તરીકે રોજગાર પ્રાપ્ત થાય છે. બી.એડ.ના ગુણને બદલે વિદ્યાર્થીએ આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષા અત્યંત મહત્વની હોય છે. સોરાષ્ટ્ર યુનિ.ના સીસીડીસી સેન્ટર અને એજ્યુકેશન ફેકલ્ટીના સંયુકત પ્રયાસથી વિદ્યાર્થીઓને કોચીંગ આપવાનું આયોજન કરાયું છે.
જે વિદ્યાર્થીઓએ બી.એડ.નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તે તમામ વિદ્યાર્થીઓ આ કોચીંગમાં માર્ગદર્શન મેળવવા આવી શકશે. આ માર્ગદર્શન વખતે વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન, ભાષાકીય જ્ઞાન ઉપરાંત ટાટ-1 અને 2 ની પરીક્ષા માટે જરૂરી એવું શિક્ષક અભિયોગ્યતા માટેની તૈયારી કરાવવામાં આવનાર છે.
આ તાલીમ વર્ગો તા.16-06-2018 થી બપોરે 2 થી 6 ના સમય દરમ્યાન રેગ્યુલર બેચનું આયોજન કરવામાં આવનાર છે. જે વિદ્યાર્થીઓ જોડાવવા માંગતા હોય તેઓએ સીસીડીસી કાર્યાલય 12, એકેડેમિક સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સોરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે રૂબરૂ આવી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.13-06-2018 થી રજાના દિવસ સિવાય સવારે 11 થી 4 દરમિયાન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન સમયે સ્કૂલ લિવિંગની ઝેરોક્ષ, ટાટ-1 નું ઓજસમાં ભરેલ ઓનલાઇન એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ, બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે. રજિસ્ટ્રેશન ફી પેટે રૂ.1,000/- નિર્ધારીત કરવામાં આવેલ છે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આ તાલીમ વર્ગોને સફળ બનાવવા માટે એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો.નિદતભાઈ બારોટ, અધરધેન ડીન ડો.જનકભાઈ મકવાણા અને સીસીડીસીના કોર્ડીનેટર પ્રો.નિકેશ એ.શાહ તથા ‘ટીમ સીસીડીસી’ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.