માનસ-એક્ટિવા! રાજકોટમાં મોરારિબાપુની સાદી-સવારી

નવો ‘અધ્યાય’: ‘રામાયણ’ને રામચરિત માનસ સ્વરૂપે સર્વકાલિન લોકભોગ્ય બનાવનાર પ્રકાંડ કથાકાર મોરારિબાપુ રાજકોટમાં આ રીતે એક્ટિવા સ્કૂટરની પાછલી સીટ પર બેસી મુસાફરી કરતા જોવા મળ્યા હતા. તસવીર તા.11ને સોમવારની છે. મોરારિબાપુ રાજકોટના કાલાવડ રોડ સ્થિત અ.પૂ.સ્વામિનારાયણ મંદિરના પ્રમુખસ્વામી હોલમાં એક પ્રસંગમાં હાજરી આપી જનકલ્યાણ સોસાયટી સ્થિત જેન્તીભાઈ ચન્દ્રાના નિવાસે આ રીતે એક્ટિવાની પાછલી સીટ પર બેસી રવાના થયા હતા. રામચરિત માનસમાં વર્ણવાયુ છે કે સાદુ - સરળ જીવી જાણે એ સંત. મોરારિબાપુએ તેનો રાજકોટવાસીઓને આ રીતે સાક્ષાત્કાર કરાવ્યો હતો. જેન્તીભાઈ ચન્દ્રાનો ભત્રીજો પણ લેશમાત્ર અચરજ કે અસહજ થયા વિના રામકથાના વાહકને પોતાના દ્વિચક્રી વાહનમાં બેસાડી ઘર સુધી લાવ્યો હતો. અકલપ્ય એવી આ ‘માનસ-યાત્રા’ની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા થ્રુ પળભરમાં અત્રતત્ર સર્વત્ર વાઈરલ થતાં પૂ.બાપુના કોટિ-કોટિ ભકતો અને સેવકોએ ધન્યતા અનુભવી હતી જ્યારે ઈત્તર જન સમૂહે પૂ.બાપુની સાદગીના પણ દર્શન કરી રામાયણનીએ ચોપાઈ યાદ કરી હતી જેમાં કહેવાયું છે કે કામ, ક્રોધ, મદ માન ન મોહા, લોભ ન ક્ષોભ ન રાગ ન દોહા... અર્થાત જે કામ, ક્રોધ, મદ, માન, મોહ, લોભ તેમજ નીપક્ષ રહિત છે અને જેને કોઈ કપટ કે દેખાડો કરવો નથી તેવા મોહ-માયા મુક્ત આત્મા એટલે જ પરમાત્મા!