આ વિશ્ર્વમાં સંપૂર્ણ કોણ છે?

ભૂમિકાની પાંચમી વર્ષગાંઠ પર એના મામાએ ભેટમાં કૃષ્ણની નાની સુંદર મૂર્તિ આપી. શ્યામ કૃષ્ણ, હાથમાં બંસી અને માથે નાનું મોરનું પીછું. જોતા સાથે જ ભૂમિકાને આ કૃષ્ણ સાથે પ્રેમ થઇ ગયો. જ્યાં જતી, એના કાન્હાને સાથે લઇ જતી. કૃષ્ણનો શ્યામ રંગ જાણે એનું મન તેજથી ભરી દેતું. એની બેનપણીઓ બાર્બીથી રમતી, ત્યારે એ પોતાના સખા સાથે વાતો કરતી. મૂર્તિ નહિ, એના માટે કૃષ્ણ એનું સર્વસ્વ હતું.
ભૂમિકા મોટી થઇ સાસરે ગઈ. એના કૃષ્ણ પણ એની સાથે ગયા. સાસરામાં બધું ખુબ સરસ. પતિ પ્રેમાળ હતો, એનું ખુબ ધ્યાન રાખતો. બાકી બધું સંપૂર્ણ હતું. એને માત્ર એક જ વસ્તુ ના ગમતી - એના સાસુની સતત ટકોર. "ભૂમિકા, શાક આમ સમાર... અરે આ વસ્તુ અહીંયા મુકીશ તો તારા પતિને નહિ ગમે... આમ ના કરાય ભૂમિકા, લાવ તને બતાઉં!" ભૂમિકા કોઈક વાર કંટાળી જતી. એક દિવસ, એની મા એને મળવા આવી. બંને જણા વાતોએ ચડ્યા. ભૂમિકાએ એના સાસુની વાત કરી. ફરિયાદ કરી. મા ચુપચાપ સાંભળી રહી. એક અક્ષર બોલી નહિ. થોડી વાર રહીને ઉભી થઇ. કૃષ્ણની મૂર્તિ હાથમાં લીધી.
"ભૂમિકા, આ મૂર્તિ તો ખંડિત થઇ ગઈ છે. જો, સેજ અહીંયા પગથી પથ્થર તૂટી ગયો છે."
"હા, એ એક વાર મારાથી પડી ગયેલા સખા."
"તો ખંડિત મૂર્તિ કેમની રખાય બેટા? નદીમાં પધરાવી દે."
"અરે મા, આ મારા સખા છે. મૂર્તિ નથી. ગમે તેવા ખંડિત હોય, તૂટેલા હોય, છતાંયે મને પ્રેમ છે. મને વહાલા છે. મારા શ્યામને કેમના પધરાવું? મારો જીવ પધરાવી દઉં એ પહેલા!"
"ભૂમિકા, આ પથ્થરની મૂર્તિ જેવી છે એવી તને ગમે છે?"
"હા મા, પ્રેમ છે મને."
"તો શું તારા પરિવાર માટે પ્રેમ નથી? તારા સાસુ માટે પ્રેમ નથી? તું ખંડિત મૂર્તિ સ્વીકારી શકે તો કોઈ પરિવારજનની નાની અમથી ખામી તને કેમ સઅસ્વીકાર્ય છે? આપણે ઈશ્વરની ક્ષતિને પ્રેમ કરી શકીએ છીએ, તો મનુષ્યની અપૂર્ણતા કેમ નથી સમજી શકતા?"
ભૂમિકા કોઈ જવાબ ના આપી શકી. એને ભૂલ સમજાઈ. મા એ કેટલી સુંદર રીતે એને પ્રેમનો અર્થ સમજાવી દીધો!
આપણને દરેક મનુષ્ય આપણા પ્રમાણે ચાલે એમ જોઈએ છે. કોઈની એક ભૂલ, એના અસ્તિત્વની ઓળખાણ બની જાય છે. એ એક અશક્તિ આખે-આખા માણસની પરિભાષા કેમ બની જાય છે?
શું એ ગુસ્સાવાળો માણસ માત્ર ગુસ્સો જ કર્યા કરે છે? શું એ ટકોર કરતી મા વહાલ કરતી જ નથી? શું એ ઈર્ષાળ મિત્રએ ક્યારેય મિત્રતા નિભાવી જ નથી? એ એક કમી શું એના સંપૂર્ણ અસ્તિત્વનું પર્યાયવચન છે?
પોતાના સ્નેહીજનોની કમીથી વધારે શક્તિને ધ્યાનમાં રાખીએ તો જીવન સરળ બની જાય. માણસને એક ભૂલથી ના તોલાય. એ અશક્તિ, એ એનું પૂર્ણ સ્વરૂપ નથી. અને કોઈ પણ માણસની પૂર્ણતા કે અપૂર્ણતા નક્કી કરતા પહેલા, આપણે આપણી જાતમાં કેટલા પૂર્ણ છીએ, એ જાણવું જરૂરી છે.
દરેક મનુષ્યમાં ઉણપ છે. પણ સાથે એ પણ યાદ રાખવા જેવું છે, કે દરેક મનુષ્યમાં ઈશ્વર પણ છે!
- સૃષ્ટિ શાહ