શાકભાજી વેચનારને લાગી 1.11 કરોડની લોટરી પણ...

મુંબઈ, તા.13
મુંબઈના એક શાકભાજીના વેપારીને જ્યારે એક કરોડ 11 લાખ રૂપિયાની લોટરી લાગી તો તે પોતાના ભવિષ્ય અંગે સપના જોવા લાગ્યો પણ તેના આ સપના ત્યારે તૂટી ગયા જ્યારે તેને કહેવામાં આવ્યું કે, તેની ટિકિટ નકલી છે. પીડિતે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પીડિતે શાકભાજીના વેપારી સુહાસ કદમ (44)એ કલ્યાણમાં મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે લોટરીમાં 1.11 કરોડ જીત્યા બાદ રકમનો દાવો કરવા માટે વાશી સ્થિત પ્રદેશ લોટરી વિભાગના મુખ્યાલયે પહોંચ્યો તો તેને કહેવામાં આવ્યું કે, આ બમ્પર પ્રાઈઝ માટે 3 લોકોએ દાવો
કર્યો છે. કદમ સહિત ત્રણ લોકો માટે એક જ સીરિયલ નંબર હતો અને અધિકારીઓએ અસલી ટિકિટ લઈને આવેલા દાવેદારને પૈસા આપી દીધા. તેમને કહેવામાં આવ્યું કે, ત્રણે ટિકિટ્સના બારકોડની તપાસ બાદ સાચી ટિકિટની ઓળખ કરવામાં
આવી છે.
કદમ સાથે બનેલી આ દુ:ખજનક ઘટના બાદ પ્રદેશમાં મોટાપાયે નકલી લોટરી ટિકિટનું કૌભાંડ ચાલતું હોવાના સંકેત મળ્યા છે. મુંબઈમાં આશરે 4 હજાર લોટરી સ્ટોલ છે, જ્યાં દરરોજ 15 કરોડની કિંમતની લોટરી ટિકિટ્સ વેચવામાં આવે છે. સ્ટેશનના ઈન્સ્પેક્ટર શ્રીકાંત ધરનેએ જણાવ્યું કે, ફરિયાદીનું નિવેદન નોંધી લેવાયું છે. લોટરી જીતનારા, અન્ય દાવેદાર અને ટિકિટ વેચનારા પણ નિવેદનો લેવામાં આવશે.
છેલ્લા 5 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદી રહેલા કદમે જણાવ્યું કે, મેં ક્યારેય 200 રૂપિયાથી વધુની રકમ જીતી નહોતી. લોટરીમાં 1 કરોડ 11 લાખ રૂપિયા જીત્યા બાદ પરિવારમાં ખુશીનો માહોલ હતો. મેં મારી પત્ની અને બે બાળકોને નવા ઘર, એક કાર અને દુકાનમાં રોકાણ કરવાનું વચન આપ્યું હતું. બધા મને શુભેચ્છાઓ આપી રહ્યાં હતા પણ મારા માટે એ જણાવવું ખૂબ અઘરું થઈ પડ્યું હતું કે, પૈસા આખરે મારા એકાઉન્ટમાં કેમ ન આવ્યા.
કદમે 16 માર્ચે કલ્યાણ રેલવે સ્ટેશન પાસેથી લોટરી સ્ટોલથી 100 રૂપિયાની પાંચ ટિકિટ ખરીદી. આમાંથી એક ટિકિટ પર જેકપોટ સીરિયલ નંબર નીકળ્યો, જેની જાહેરાત 20 માર્ચે થઈ. કદમ અધિકૃત લોટરી સેન્ટરથી નકલી ટિકિટ રજૂ થઈ હોવા અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, થાણે પોલીસ આયુક્ત અને પ્રદેશના લોટરી વિભાગને કાગળ લખી તપાસની માગણી કરી ચૂક્યો છે.
મહારાષ્ટ્ર પ્રદેશ લોટરી કમિશ્નર અમિત સૈનીએ પ્રકરણની તપાસનો વિશ્વાસ અપાવ્યો છે.