ગેરકાયદે કબજાની ઉપાધિ: જા.મ્યુ.કો.એ આવાસના 10 ફ્લેટને માર્યા પોતાના તાળાંઅમૂક આવાસમાં તો અસામાજિક તત્વોનો પણ અડ્ડો હોવાની નારાજગી
જામનગર તા,13
જામનગરમાં મયુરનગર વિસ્તારમાં આવેલ મ્યુ.કોર્પો.ની 512 ફ્લેટોની આવાસ યોજનામાં નહીં વેચાયેલા ફ્લેટો પર માથાભારે શખ્સોએ પોતાના તાળા મારીને કબ્જો કર્યાની બાકીના રહીશોની ફરીયાદ બાદ જાગેલા તંત્રએ ગેરકાયદેસરના તાળા તોડીને પોતાના તાળા મારવા કાર્યવાહી કરી હતી.
જામનગરમાં દિગ્જામ રોડ પર વામ્બે આવાસ યોજના નજીક નવી બનેલી 512 આવાસોની યોજનાના 50 ફ્લેટોમાં લોકો રહેવા આવી ગયા છે. આ રહેવા આવી ગયેલા લોકોએ તાજેતરમાં મ્યુ.કમિશ્નર રણજીતસિંહ બારડને મળીને રજુઆત કરી હતી કે, આવાસ યોજનામાં જેમને ફ્લેટ લાગ્યા છે તેવા કુલ 430 થી વધુ ફ્લેટો છે.
પરંતુ તેમાંથી 100 જેટલા ફ્લેટોમાં ભાડુતો રહે છે. જે ગેરકાયદે છે. આ ઉપરાંત તંત્રના નહીં વેચાયેલા ફ્લેટોમાંથી અમુકમાં અસામાજીક તત્વોએ ઘુસણખોરી કરીને પોતાના તાળા મારી ફ્લેટનો ગેરકાયદેસરની પ્રવૃતિઓ માટે ઉપયોગ કરે છે.
આથી ચોંકી ઉઠેલા મ્યુ.કમિશ્નરે સીટી ઈજનેરને સુચના આપતાં આજે હાઉસીંગ સેલના ઈજનેર અશોક જોશીએ સીક્યુરીટી તેમજ પોલીસ સ્ટાફને સાથે રાખી કુલ 10 ફ્લેટોના કોઇક શખ્સોએ મારેલા તાળા તોડીને મ્યુ.કોર્પો.ના તાળા માર્યા હતા. સીટી ઈજનેર શૈલેષ જોશીએ જણાવ્યું હતું. કે. ગેરકાયદે કબ્જેદારોના તાળા દુર કર્યા બાદ હવે આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે ભાડુત તરીકે રહેતાં લોકોનો સર્વે કરાવી ફલેટ ભાડે આપનારાઓ સામે પણ નિયમ મુજબ પગલાં લેવાશે.