લાલપુરના ગજણામાં બીમાર પ્રૌઢનો ફાંસો ખાઇ આપઘાત । જામનગર જીલ્લાની ક્રાઇમ ડાયરી

દેડકદડમાં યુવકની આત્મહત્યા : ધાબા પરથી પડતા જામનગરના યુવકનું મોત : રીક્ષા-એકટીવાની ઉઠાંતરી : યુવક પર તલવારથી હુમલો : દંપતીને માર પડયો : યુવાનને તવીથો ફટકાર્યો : જમીનના ભાગના મામલે  વૃધ્ધ પિતાને ફટકારતો પુત્ર જામનગર તા.13
લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતા એક પ્રૌઢે પોતાની છેલ્લા એકાદ વર્ષની માનસિક બિમારી ઉપરાંત ડાયાબીટીશ અને બીપીની બિમારીથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતા અશ્ર્વીનભાઇ જેઠાભાઇ નંજાર નામના 50 વર્ષના પ્રૌઢે ગઇકાલે ગામના પાદરમાં આવેલી ગોરધનભાઇ કરશનભાઇની વાડીમાંથી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી આ બનાવ અંગે ખીમાભાઇ તેજાભાઇ નંજારે પોલીસને જાણ કરતા લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે મૃતક છેલ્લા એકાદ વર્ષથી માનસિક બિમારીથી પિડાતા હતા જેની જામનગરની જી જી હોસ્પિટલમાં દવા ચાલતી હતી ઉપરાંત ડાયાબીટીશ અને બીપીની પણ બિમારી હોવાથી તેનાથી તંગ આવી જઇ આ પગલુ ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયુ છે.
આત્મહત્યા
જાનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા વિનોદસિંહ કાયુભા જાડેજા નામના 35 વર્ષના રાજપુત યુવાને ગઇકાલે પોતાના ઘેર કોઇ અકળ કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.
ધાબા પરથી પટકાતા મોત
જામનગરમા પવનચક્કી વિસ્તારમાં રહેતો રાકેશ જયેન્દ્રકુમાર બુધ્ધભટ્ટી નામનો 24 વર્ષનો યુવાન પોતાના મકાનના ધાબા ઉપર સુતો હતો અને જાજરૂ જવા માટે ઉઠતાં એકાએક ધાબા ઉપરથી નીચે પટકાઇ પડતાં તેનુ મૃત્યુ નિપજયુ છે.
રીક્ષા અને એકટીવાની ઉઠાંતરી
જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતા ભરત જયંતિલાલ આશર નામના રીક્ષા ચાલકે પોતાની જીજે 01-એકસ એકસ- 6177 નંબરની ઓટો રીક્ષા ખંભાળીયા ગેઇટ નજીક પાર્ક કરી હતી જયાંથી કોઇ તસ્કરો ડુપ્લીકેટ ચાવીની મદદથી ચાલુ કરી લઇ હંકારી ગયાની ફરીયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જયારે પંચમુખી હનુમાન નજીક રવીપાર્ક વિસ્તારમાં રહેતા અને લાઇટ ફીટીંગનું કામ કરતા નિલેષ મહેશભાઇ કણઝારીયાએ પટેલ કોલોની વિસ્તારમાં પાર્ક કરેલુ પોતાનું જીજે-10 એ જે 3104 નંબરનું એકટીવા સ્કુટર તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમા નોંધાવી છે.
તલવાર વડે હુમલો
જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક બાવરી વાસ વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા શેરસીંગ કિશોરભાઇ કોળી નામના યુવાન પર જુની અદાવતના કારણે લાખા દલુભાઇ ગઢવી, બાલા દલુભાઇ ગઢવી અને વિપો દલુભાઇ ગઢવી નામના ત્રણ ભાઇઓએ તલ્વાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાની ફરીયાદ થઇ છે.
દંપતી પર હુમલો
જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહેતા મેરૂભાઇ રૂપાભાઇ પરમાર (ઉ.વ. 45) અને લીલાબેન મેરૂભાઇ પરમાર (ઉ.વ. 40) ગઇકાલે પોતાના ગામમાં જ આવેલા કુળદેવીના મંદિરે ધુપ-દિવો કરી રહ્યા હતા જે દરમિયાન પાડોશીઓએ આવી અને આ અમારા માતાજી છે તમારે અહી આવવુ નહી તેમ કહી તકરાર કરી હતી અને દંપતિ પર હિચકારો હુમલો કરી દીધો હતો.
આ બનાવ અંગે લીલાબેન પરમારે પોતાના ઉપર તેમજ પોતાના પતિ ઉપર હુમલો કરવા અંગે પાડોશીઓ જીવાભાઇ દેવીપુજક, સુખાભાઇ જીવાભાઇ, રાશીંગ જીવાભાઇ પુનાભાઇ જીવાભાઇ, કવીબેન વેરશીભાઇ, અને ટમુબેન જીવાભાઇ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ 6 આરોપીઓ સામે હુમલાની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તવીથા વડે માર માર્યો
જામનગરમાં રામેશ્ર્વરનગર નજીક નવજીવન સોસાયટી શેરી નં-2માં રહેતા હીરેન દિલીપભાઇ લાલવાણી નામના 21 વર્ષના સીંધી લોહાણા યુવાને પોતાના ઉપર તવીથા વડે હુમલો કરવા અંગે પટેલ કોલોની વિસ્તારમાં રહેતા લાદેન શબીર ભાઇ અને મોમાઇ નગરમાં રહેતા હિરેન વિજયસિંહ ઝાલા સામે ફરીયાદ નોંધાવી છે.
જમીનમાં ભાગના પ્રશ્ર્ને પિતા પર હીચકારો હુમલો
જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા કળીયુગી શ્રવણ એવા એક શખ્સે પોત પ્રકાશ્યુ છે ખેતીની જમીનના ભાગના પ્રશ્ર્ને પોતાના જ વૃધ્ધ પિતા ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા ચકચાર જાગી છે.
જામનગર નજીક સરમત ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ઉદેસિંહ હેમતસિંહ સોઢા નામના 70 વર્ષના બુઝુર્ગ પોતાના ઉપર હુમલો કરી ઢીકા-પાટુનો માર મારવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ પુત્ર ભરતસિંહ ઉદેસિંહ સોઢા (ઉ.વ. 46) સામે ફરીયાદ નોંધાવી છે