પાલિકાઓમાં પ્રપંચ: અમરેલી, સાવરકુંડલાના કોંગી કાઉન્સિલરો સહેલગાહે

વિપક્ષ નેતા ધાનાણીના હોમ ટાઉનમાં સત્તા કબજે કરવા ભાજપના હવાતિયાં બગસરામાં કાઉન્સિલરોનો ભાવ આસમાને, દેવાના ડુંગરમાં દબાયેલા એકા’દ-બેને મળી સારી ઓફર! અમરેલી,તા.13
અમરેલી પાલિકાનાં કોંગ્રેસનાં 1પ નગરસેવકો આજે એકી સાથે સહેલગાહે ઉપડી જતાં ભારે ચકચાર મચી ગઈ છે અને તમામ નગરસેવકો કોંગ્રેસપક્ષમાં બળવો કરે તેવા એંધાણ જોવા મળી રહૃાા છે.
આગામી ગુરૂવારે પાલિકાનાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સર્વસમંતિ સધાતી નથી. 1પ જેટલા નગરસેવકો પ્રમુખપદે નગરસેવક જયંતિભાઈ રાણવાની પસંદગી કરી રહૃાા છે અને કોંગ્રેસપક્ષ તેમના નામ પર સમંત ન હોવાની આશંકાથી જયંતિભાઈ રાણવાનાં સમર્થક તમામ નગરસેવકો આજે સહેલગાહે રવાના થયા છે અને સીધા જ ચૂંટણીનાં સ્થળે હાજર થાય તેવું લાગી રહૃાું છે.
અમરેલી પાલિકામાં 44 બેઠકો છે અને બહુમતી માટે ર3 નગરસેવકોનું સમર્થન જરૂરી છે. 1પ બળવાખોર નગરસેવકો ભાજપનાં 6 અને અપક્ષ 3 મળી કુલ 9 નગરસેવકોનું સમર્થન મેળવીને પાલિકાનું સુકાન સંભાળી શકે તેમ લાગી રહૃાું છે.
વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં હોમ ટાઉનમાં જ બળવાની આગ ફુંફાડામારી રહી હોઇ રાજકીય ગરમાવો આવી ગયો છે. અને તેનાં ઘેરા પ્રત્યાઘાતો દુરોગામી પડી શકે તેમ છે.
જો કે કોંગી ધારાસભ્ય પરેશ ધાનાણી પણ મકકમ છે તેઓ પાલિકામાં શાસન જતું હોય તો ભલે જાય પરંતુ સિઘ્ધાંત અને શિસ્ત વિરૂઘ્ધ ઝુંકવા તૈયાર નથી અને કોઈ ગણતરી રાખીને જ તેઓ બળવાખોરોને મચક આપતાં નથી તે પણ હકીકત છે.
સાવરકુંડલા પાલિકામાં પણ ઘમાસાણ
સાવરકુંડલા નગર પાલિકામાં હાલ કોંગ્રેસની બહુમતી છે. ત્યારે આવનારા અઢી વર્ષ માટે કોની બોડી શાસન કરશે તે માટે નગરપાલિકા અને શહેરમાં વાયુવેગે ચર્ચા ચાલું થઈ છે. બન્ને પક્ષો દ્વારા તેમનાં સભ્યોનો બોલી લાગે તે પહેલા તેઓને અચોક્કસ મુદ્દત માટે શહેરથી બહાર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે બન્ને પક્ષોમાંથી કોંગી સભ્યોનાં નારાજ થયેલ ચાર સભ્યો ભાજપ તરફ વળે તેવી ચર્ચા ચાલી છે. જો આવું બનશે તો આવનારા સમયમાં સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપ શાસન કરશે તેવી ભાજપનાં કાર્યકર્તા અને સભ્યોની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત ભાજપ દ્વારા કોંગી સભ્યો અને બોડી દ્વારા જે કાર્યો થયા નથી તેવા વિકાસનાં કામો જો ભાજપની બોડી આપશે તો કરશે તેવી ખાત્રી આપવામાં આવી છે. ઉપરાંત ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ચૂંટીનેબેસાડનાર લોકોએ પણ ભાજપનું શાસન આવશે તો રાહતનો અનુભવ થશે તેવી લોકચર્ચા ચાલી છે.
બગસરાનાં નગરસેવકોનો
ભાવ આસમાને
કોંગ્રેસ શાસિત બગસરા નગરપાલિકાની હાલમાં પ્રમુખ ટર્મ આગામી તા. 14નાં પુરી થઈ રહી છે. બન્ને (ભાજપ-કોંગ્રેસ) પક્ષે 14-14 સભ્યોનાં લીધે પ્રમુખ માટે કાંટે કી ટકકર જોવા મળી રહી છે. બન્ને પક્ષનાં આગેવાનો સદસ્યને પોતાના તરફ બનાવવા રીતસરની હોડ લાગી છે અને સમય પારખી સદસ્યોએ પણ પોતાનાં ભાવ વધારી દીધાનું ચર્ચાઈ રહૃાું છે.
વિગત અનુસાર ર8 સભ્ય સંખ્યાનું બળ ધરાવતી બગસરા નગરપાલિકામાં હાલમાં કોંગ્રેસ 13, અપક્ષ 1 તથા ભાજપનની 14 બેઠક છે. તેમ છતાં ભાજપને મહાત કરી એક અપક્ષનાં ટેકાથી છેલ્લા અઢી વર્ષથી કોંગ્રેસ રાજ કરી રહી છે. હવે જયારે તા. 14નાં પ્રમુખની ટર્મ પુરી થઈ રહી છે ત્યારે બન્ને પક્ષે પાસે 14-14 સભ્યો છે. જેથી બન્ને પક્ષનાં ધુરંધરો તોડ-જોડની વેતરણમાં લાગી ગયા છે. અમુક સદસ્યો દેવાનાં ડુંગર તળે દબાઈ ગયા હોય તેવા સભ્યોને પોતાના તરફ કરી લેવા કવાયત હાથ ધરી છે.
બે દિવસ પૂર્વે કોંગ્રેસનાં એક વરિષ્ઠ સદસ્ય સુરત મુકામે ભાજપનાં એક સભ્ય જેઓ લેણદારનાં દબાણથી સુરત ઉપડી ગયા છે તેમને તેમનું તમામ ઋણ ચુકવી દેવાની પ્રપોજલ કરેલ. પરંતુ હાલમાંતો આવા સદસ્ય તેલ જુઓ તેલની ધાર જુવો જેવો રૂખ અપનાવી રહૃાાં છે.
જયારે વોર્ડ નં. 1નાં સદસ્ય જે પણ લેણદારોનાં ડરથી અમદાવાદ ઉપડી ગયા છે. તેમણે પણ ચોગઠી દબાવી હોવાનું ચર્ચાઈ રહૃાું છે. આગામી પ્રમુખ મહિલા અનામત હેાઇ કોંગ્રેસ તરફથી પાંચ મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં મંજુલાબેન, મુકતાબેન નળીયાધરા, જયોતિબેન ઠુંમર, મુકતાબેન કરાણીયા તથા ફરજાનાબેન સરવૈયાનાં નામ રજુ કર્ય છે. જયારે ભાજપમાંથી ત્રણ મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં રેખાબેન પરમાર, ચંપાબેન બઢીયા તથા ફરજાનાબેન બીલખીયાએ પોતાના નામ રજુ કર્યા છે.
આમ હાલમાં બન્ને રાજકીય પક્ષો શામ-દામની ફોર્મ્યુલા કરી દોડી રહૃાા છે. હવે પ્રમુખનો તાજ કોના પર ઢોળાશે તે તો સમય જ કહેશે. અને જો બન્ને પક્ષોમાંથી કોઈપણ પશ તોડ-જોડ ન કરી શકે તો આખરે ચીઠી નાખીને પ્રમુખની વરણી કરવાની રહેશે.