રાજકોટ યાર્ડમાં મગફળીની હરરાજી ઠપ

ખેડૂતોની બિયારણની સીઝન ટાણેજ મજુરી દર વધારવાનો વિવાદ તોલની મજુરી એક રૂપિયો વધારવા મજુરોની માંગણી, યાર્ડના સત્તાધીશોની ચોખ્ખી ના રાજકોટ તા.13
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે અને સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી હોવા છતાં હાલ ખેડૂનોને માંડ રૂા.620 આસપાસ ભાવ મળી રહ્યા છે તેવા સમયે જ રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની તોલાટણે મજુરીદર વધારવાની માંગ સાથે ગત શનિવારથી કમિશન એજન્ટોએ મગફળીનું વેંચાણ બંધ કરી દેતા ચોમાસુ બિયારણની સીજન સમયે જ ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે.
માર્કેટ યાર્ડમાં મગફળીની ગુણીદીઠ મગફળી રૂા. પાંચ આપવામાં આવે છે. બે વર્ષ પહેલા નક્કી કરાયેલ આ મજુરી દર વધારસ મજુરો દ્વારા રૂા.6ની માંગણી કરવામાં આવતા આ વધારાની મજુરી કોણ ભોગવે? તે પ્રશ્ર્ને વિવાદ સર્જાયો છે પરિણામે ગત શનિવારથી મગફળીની હરરાજી ઠપ્પ થઇ ગઇ છે.માર્કેટયાર્ડના સત્તાધિશો મજુરીદર વધારો આપવા તૈયાર નથી અને કમિશન એજન્ટોને પણ આવો વધારો આપવાની મનાઇ ફરમાવી નક્કી કરેલ મજુરીથી વધુ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જેના કારણે મડાગાંઠ સર્જાઇ છે. બીજીતરફ અત્યારે મગફળીના બિયારણની સીજન છે તેવા સમયે જ માર્કેટયાર્ડમાં મગફળીની હરરાજી બંધ થતા અને ખેડૂતોને યાર્ડમાં મગફળી લાવવાની મનાઇ ફરમાવતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. વારંવાર વધારાની માગણી યોગ્ય નથી: ડી.કે. સખીયા
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને યાર્ડના ચેરમેન કે.સખીયાએ જણાવ્યું હતું તે યાર્ડના મજૂરો દ્વારા મજુરીમાં ફરી ભાવવધારો માગ્યો છે તાજેતરમાં જ મજૂરીના દરમાં યાર્ડ દ્વારા વધારો કરવામાં આવ્યો છે મજૂરોની માંગણી વાજબી નથી જો કે અત્યારે યાર્ડમાં મગફળીની આવક નથી એટલે કોઇ મુશ્કેલી નથી. મજૂરો સિઝન ટાણે જ યાર્ડના સતાવાળાઓનું નાક દબાવે છે હડતાલ અંગે મજૂરો સાથે એકાદ-બે દિવસમાં બેઠક યોજી સમાધાન કરવામાં આવશે. (તસવીર: પ્રવીણ સેદાણી)