પોરબંદર નજીક દરિયામાં સાત માછીમારોને એરલિફટથી કોસ્ટગાર્ડે બચાવ્યા


પોરબંદર તા.13
પોરબંદરના મધદરિયામાં માછીમારીનું બોટમાં એન્જીન ફેઇલ થતા બોટ મધદરિયામાં ફસાઇ ગઇ હતી. આ અંગે માછીમારોએ ભારતીય કોસ્ટગાર્ડને જાણ કરતા હેલીકોપ્ટરથી એરલીફટ કરી સાત માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. દરિયામાં માછીમારી કરતી બોટોને પરત આવવાની ફીશરીઝ વિભાગ દ્વારા બે દિવસ પહેલા સુચના આપવામાં આવી છે તેથી બોટો માછીમારી કરી પરત આવી રહી છે ત્યારે પોરબંદર નજીકના દરીયામાં મધરાત્રે માછીમારી બોટનું એન્જીન ફેઇલ થઇ ગયું હતું.
બોટનું એન્જીન ફેઇલ થતા માછીમારો મધદરીયે બેસહારા બની ગયા હતા. આથી તેઓને બચાવવા માટે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવતા રાત્રે જ ઓપરેશન બચાવ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડે હેલીકોપ્ટરથી સાત જેટલા માછીમારોને એરલીફટ કરી બચાવી લેવામાં આવ્યા છે. તમામ માછીમારોને પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા. ગઇકાલે રાત્રે દરિયો ખેડીને પરત ફરતી માછીમારી બોટનું અચાનક એન્જીન બંધ થઇ જતા સાત જેટલા મુસાફરોે મધદરીયામાં ફસાઇ ગયા હતા. દરીયા વચ્ચોવચ્ચ બનાવ બનતા અને આજુબાજુમાં અન્ય બોટો કે સ્ટીમર ન હોવાના કારણે માછીમારો સંપર્કવિહોણા થઇ ગયા હતા. દરમ્યાન આ અંગેની જાણ કોસ્ટગાર્ડને કરવામાં આવતા યુધ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સાતેય માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા.