વાયરો ફૂંકાતા ખેડૂતોના શ્ર્વાસ અધ્ધર

વહેલા ચોમાસાની આગાહી વચ્ચે મેઘરાજા અદ્રશ્ય બફારાથી છૂટકારો મેળવવો કેમ? મુંજાતો માનવી: ચાતક નજરે આકાશ પર મીટ માંડી મેહ વરસાવવા ધરતીપુત્રોની પ્રાર્થના
રાજકોટ તા. 13
ચાલુ વર્ષે સતત કુદરતની અકળ કળામાં માનવીનું મન મુંજાયેલુ જોવા મળે છે. એક બાજુ હવામાન નિષ્ણાંતો અને ભારતીય હવામાન વિભાગ સારા વરસાદની અને વહેલા ચોમાસાની આગાહી કરી રહ્યા હતા તેવામાં અનુભવીઓની આંખોનું અનુમાન કાંઈક અલગ જ હોય વાયરો ફૂંકાતા ખેડુતોના શ્ર્વાસ અદ્ધર થઈ ગયેલા જોવા મળે છે તેવામાં બફારાથી છૂટકારો મેળવતા ત્રસ્તથી પ્રજા અને આકાશબાજુ ચાતક નજરે મીટ માંડી બેઠેલા ધરતીપુત્રો હવે કુદરત ઝડપથી મેહ રૂપી મહેર વરસાવે તેવી પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. ચાલુ સપ્તાહના પ્રારંભ પહેલા જ ચોમાસુ સૌરાષ્ટ્ર સુધી ખેંચી લાવતુ પ્રબળ વાતાવરણ બન્યુ હતું. પરંતુ કુદરતની કાંઈક રીત જ ન્યારી હોય તેમ એકાએક પરિસ્થિતિમાં બદલાવ આવી ગયો છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં જ દેશમાં ચોમાસુ કેરળના દરીયાકાંઠેથી પ્રવેશ કરી ગયુ હતુ અને નિશ્ર્ચિત ગતી સાથે દેશના અન્ય વિસ્તારમાં પણ આગળ વધવા લાગ્યુ હતું. સાનુકુળ સંજોગોને પગલે ગુજરાત રાજયમાં પણ ચોમાસુ નિયમીત જુન મહિનાના ત્રીજા સપ્તાહ પહેલા જ જુન મહિનાના બીજા અઠવાડીયામાં બેસી જવાનું અનુમાન લગાવાઈ રહ્યુ હતું.પરંતુ એકાએક વાતાવરણમાં બદલાવ આવ્યો અને કયા સપ્તાહના અંતિમ ભાગમાં મહારાષ્ટ્ર, ગોવા અને મુંબઈ સુધી પહોંચી ગયેલુ ચોમાસુ બીજી દિશામાં ફંટાઈ ગયુ હતું. સામાન્ય રીતે મુંબઈથી નવસારીના દરીયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશતુ ચોમાસુ અરબી સમુદ્રમાં કરંટ ઓછો થઈ જવાને કારણે ગુજરાત સુધી પહોંચી શકયુ નહતું. પરંતુ બંગાળની ખાડીમાં તિવ્ર સીસ્ટમ બનવાને કારણે વરસાદને લાવતા મૌસમી પવનો બંગાળ બાજુ ખેંચાઈ જતા સૌરાષ્ટ્ર-ગુજરાતને બદલે દેશના અન્ય વિસ્તારોમાં તરફ ચોમાસુ ખેંચાઈ ગયુ હતુ અને સૌરાષ્ટ્ર-ગુજરાતને વરસાદથી હાલમાં વંચીત રહેવાનો વારો આવ્યો છે. અહીંથી ફંટાઈ ગયેલુ ચોમાસુ દેશના અન્ય 16 રાજયોમાં ધામેધુમે શરૂ થઈ ગયુ છે જયારે ગુજરાતના પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા બાદ ખેંચાઈ ગયેલા વરસાદને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરીને ગરમી અને બફારાનું આક્રમણ વધી ગયુ છે. આકાશમાં વાદળાઓ અવર-જવર વચ્ચે પણ હજી સૌરાષ્ટ્ર-કચ્છના દરીયાકાંઠાને બાદ કરતા મોટાના શહેરોમાં પારો 35 થી 42 ડીગ્રી વચ્ચે રહેવા લાગ્યો છે તો વાદળછાંયા વાતાવરણને કારણે હવામાં રહેલા ભેજથી બફારો લોકોને ઝંપવા દેતો નથી.
તેવામાં હાલમાં જ ગયેલા રોહિણી નક્ષત્રમાં જો વરસાદ શરૂ થઈ ગયો હોત તો 72 દિવસ સુધી ચોમાસું સારૂ વરસત તેવી લોક વાયકા છે પરંતુ આ રોહિણી નક્ષત્રમાં વાયરો ફૂંકાયો હોય બોતેરૂ ફૂંકાવાની શકયતા જોવા મળતા ધરતીપુત્રોના શ્ર્વાસ અદ્ધર થઈ ગયા છે. હવામાન વિભાગ અને અંક જયોતિષ અને ખગોળ નિષ્ણાંતો દ્વારા ચોમાસુ સારૂ જવાનું અનુમાન અને આગાહી કરવામાં આવી રહી છે પરંતુ રોહિણી નક્ષત્રમાં ફૂંકાયેલા વાયરાને કારણે અનુભવીયોના કહેવા મુજબ 72 દિવસ માઠા રહેવાના સંજોગો પણ બની શકે છે જેને કારણે ખેડુતોના શ્ર્વાસ અદ્ધર થઈ ગયા છે. જેથી બફારાથી મુંજાતો માનવી અને કિસાનો આકાશ તરફ મીટ માંડી હવે મેહ રૂપી મહેર વરસાવવા કુદરતને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. ભીમ અગીયારસ અને અષાઢી બીજના વાતાવરણ પર નજર
ચાલુ વર્ષે પુરૂષોતમ માસ એટલે કે અધિક માસ આવ્યો છે. વાસ્તવમાં જેઠ મહિનાના અગીયારસથી વાવણી કાર્ય ખેડુતો શરૂ કરી દેતા હોય છે અને કુદરત પણ આ દિવસે અમી છાંટણા કરી ધરતીપુત્રોને આશીર્વાદ આપતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે અધીક માસમાં રોહિણ નક્ષત્ર પર વાયરૂ ફૂંકાતા ખેડુતોના શ્ર્વાસ અદ્ધર થઈ ગયા છે પરંતુ આવતી કાલથી ભારતીય શાસ્ત્ર મુજબનો જેઠ મહિનો શરૂ થઈ રહ્યો છે તેવામાં હવે આ જેઠ મહિનાની નીમી અગીયારસ એટલે કે ભીમ અગીયારસ ઉપર ખેડુતોએ હવે નજર માંડી છે સાથે જ જો અષાઢી બીજના દર્શન ન થાય તો ખુબજ સારો વરસાદ થાય તેવી માન્યતા હોવાને પગલે કિસાનોની અષાઢી બીજના વરતારા પર પણ નજર મંડાઈ રહેલી છે. (તસવીર: પ્રવીણ સેદાણી)