ભારતીય હોકી ટીમના ભોજનમાં કીડા અને વાળ: કોચ નારાજ

બેંગ્લુરૂ તા,13
એક તરફ ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠૌર રમતને પ્રોત્સાહન આપવા અને ભારતમાં સ્પોર્ટ્સનું સ્તર સુધારવા માટેની વાત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભારતીય હોકી ટીમનાં ખેલાડીઓને સારું જમવાનું પણ નથી મળી રહ્યું.
ભારતીય હોકી ટીમનાં ખેલાડીઓને નેશનલ કેમ્પ દરમિયાન ખરાબ ક્વોલિટીનું જમવાનું પીરસવામાં આવ્યું હતુ, જેનાથી નારાજ કોચ હરેન્દ્ર સિંહે ફરિયાદ કરી હતી. ભારતની સીનિયર પુરુષ હોકી ટીમનાં મુખ્ય કોચ હરેન્દ્ર સિંહે બેંગલુરુનાં સાઈમાં ચાલી રહેલી શિબિર દરમિયાન પીરસવામાં આવેલા હલકી ગુણવત્તાવાળા ભોજનને કારણે 9 જૂનનાં રોજ હોકી ઇન્ડિયામાં ફરિયાદ કરી હતી.
કોચ હરેન્દ્ર સિંહનું કહેવુ હતુ કે, જમવાનું તદ્દન ખરાબ ક્વોલિટીનું છે અને હાઇજીનનું પણ ધ્યાન રાખવામાં આવતુ નથી. જમવામાં કીડા અને વાળ પણ મળી આવ્યા હતા. હોકી ખેલાડીઓ માટે જમાવામાં નોનવેજ પણ નથી. હરેન્દ્ર સિંહે પત્ર લખીને જે ફરિયાદ કરી હતી તેમાં લખ્યું હતુ કે, સ્પોર્ટસ એથોરિટીના બેંગલુરૂ સ્થિત કેન્દ્રમાં ખેલાડીઓને પીરસવામાં આવતુ જમાવાનું તદ્દન ખરાબ ગુણવત્તાનું છે.
જમવામાં વધારે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. સાફ-સફાઇનું પણ ધ્યાન રાખવામાં આવતુ નથી. જમવાનું પૌષ્ટિક હોય તેનું પણ ધ્યાન રખાતું નથી.
હરેન્દ્ર સિંહે કહ્યું કે, ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ ખેલ પહેલા ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠૌરે પણ સાઈ સેન્ટરની મુલાકાત કરી 48 કલાકમાં દરેક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી, પરંતુ તેની પણ કોઇ જ અસર થઇ નથી.