કાલથી ફૂટબોલ વર્લ્ડકપ ‘કિક સ્ટાર્ટ’

પાંચ દેશોની ટીમોએ કર્યો ચેમ્પિયન બનવાનો દાવો
મોસ્કો તા,13
રશિયામાં આવતીકાલ તા.14ને ગુરુવારથી વિશ્ર્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલના વિશ્ર્વકપનો પ્રારંભ થઇ રહ્યો છે. પાટનગર મોસ્કોના લ્યુઝનિકી સ્ટેડિયમમાં સાંજે 6.30 વાગ્યે ફિફા વર્લ્ડકપનો ભવ્ય ઉદઘાટન સમારોહ શરૂ થશે. આશરે 81 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં ઉદઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ રાત્રે 8:30 વાગ્યે વર્લ્ડકપનો પ્રથમ મેચ રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમાશે.આ વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા માટે પાંચ દેશોની ટીમોએ દાવો કરી પોતાનો અડગ આત્મવિશ્ર્વાસ પ્રદર્શિત કર્યો છે.
ક્ષ બ્રાઝિલ: 2014ની સ્પર્ધામાં બ્રાઝિલના ઘરઆંગણે વિજયની ઘણી આશા રખાઈ હતી, પણ સેમી-ફાઈનલ તબક્કામાં તેનો છેવટે ચેમ્પિયન બનેલ જર્મની સામે 7-1થી પરાજય થયો હતો. હવે, પાંચ વાર વિજેતા બની ચૂકેલ બ્રાઝિલની સફળતાની ફરી આશા કરવામાં આવે છે અને કોચ ટિટેએ તેમના ખેલાડીઓમાં આત્મવિશ્ર્વાસ ઊભો કર્યો છે. રાઈટ-બેકના સ્થાને ડેની એલ્વેસની ગેરહાજરીમાં બ્રાઝિલને ધક્કો પહોંચ્યો છે, પણ નેયમારે તાજેતરમાં રમેલી મૈત્રીભરી મેચોમાં તેની ફિટનેસ પુરવાર કરી છે તથા ક્રોએશિયા અને ઓસ્ટ્રિયા સામેની મેચોમાં તેણે ગોલ નોંધાવ્યા હતા. ત્રણ મહિના અગાઉ તેના પગમાં થયેલી ઈજા પર તેણે કરાવેલી શસ્ત્રક્રિયા બાદ ફરી પ્રથમ વાર રમતા તેણે વિયેનામાં ભવ્ય ગોલ કરી દેખાડ્યો હતો.ટિટેના સમયમાં માન્ચેસ્ટર સિટીનો ગેબ્રિયલ જીસસ સૌથી વધુ ગોલકર્તા ખેલાડ રહ્યો છે કે જે સમયમાં બ્રાઝિલે 21 મેચમાંથી 17 જીતી છે. અમારા માટે આ વર્લ્ડ કપ નવો તખ્તો છે, એમ ટિટેએ કહ્યું હતું.
ક્ષ જર્મની: જર્મનીની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને મોટા તખ્તા પર તે હંમેશાં સારો દેખાવ કરવાની પ્રતિષ્ઠા ધરાવે છે, પણ તાજેતરમાંની મૈત્રીભરી મેચોમાં તેનો દેખાવ બહુ પ્રભાવશાળી રહ્યો નથી. જોચિમ લોવની ટીમ પાંચ મેચ સુધી એકેય વિજય મેળવી શકી ન હતી અને ગયા શુક્રવારે સાઉદી અરેબિયા સામેની આખરી પ્રેક્ટિસ મેચમાં તે 2-1થી સફળ બની હતી. જર્મનીનો પ્રથમ પસંદગીનો ગોલકીપર મેન્યુલ ન્યુઅર ગયા સપ્ટેમ્બરમાં તેને થયેલી ઈજા પછી બહુ રમ્યો નથી, પણ જર્મનીની ટીમે છેલ્લા ચાર વર્લ્ડ કપમાં ઓછામાં ઓછા સેમી-ફાઈનલ તબક્કા સુધી આગેકૂચ કરી છે અને રશિયામાં પણ તેની ત્યાં સુધી પહોંચવાની આશા રખાય છે. કોચ લોવે કહ્યું હતું કે મૈત્રીભરી મેચોમાં પરિણામ પર બહુ મહત્ત્વ અપાતું નથી.
ક્ષ સ્પેન: બ્રાઝિલની જેમ સ્પેનની ટીમ પણ 2014માં પોતાના નબળા દેખાવ પછી પોતાની રમત પુરવાર કરવા રશિયા આવી છે. 2014ની સ્પર્ધામાં તે વિભાગીય તબકકામાં જ હારી ગઈ હતી. પણ, જુલેન લોપેટેગુઈ હેઠળ તે બે વર્ષમાં એકેય મેચ હારી નથી અને ગયા શનિવારે ટુનેશિયા સામે 1-0થી વિજય પ્રાપ્ત કરી તેણે વર્લ્ડ કપ માટે પોતાની તૈયારી પૂરી કરી છે. વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ પોર્ટુગલ સામે બી-વિભાગમાં શુક્રવારે રમશે.અમારે સ્પર્ધામાં પહેલી ત્રણ મેચ રમવાની રહે છે અને ત્યાર પછી બધો આધાર અમારા દેખાવ પર રહે છે, એમ લોપેટુગુઈએ કહ્યું હતું.
ક્ષ ફ્રાન્સ: ફ્રાન્સના વર્લ્ડ કપ વિજય માટે ઘણી આશા રહે છે, પણ ગયા શનિવારે અમેરિકા સામે 1-1થી ડ્રો ગયેલી મેચ બાદ તેને સમયસર ચેતવણી મળી છે કે દિદિયર ડેસચેમ્પ્સની ટીમે હજી ઘણો સુધારો કરવાનો બાકી છે. આઈસલેન્ડ અને ઈટલી સામે વિજય પ્રાપ્ત કર્યા બાદ પોતાની આખરી પ્રેક્ટિસ મેચ ફ્રાન્સે કીલિયન મેપે કરેલા ગોલથી ડ્રો કરી હતી. પોલ પોગ્બાનો તે મેચમાં દેખાવે ફ્રાન્સની ટીમનો જુસ્સો વધાર્યો હતો. જોકે, ફ્રાન્સની ટીમ સેમી-ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચવા કાબેલ છે.
ક્ષ આર્જેન્ટિના: ક્વોલિફાઈંગ તબક્કાની મેચોમાં બહુ પ્રભાવશાળી દેખાવ ન કર્યા બાદ, આર્જેન્ટિનાની ટીમ રશિયા આવવામાં નસીબદાર બની છે અને વર્લ્ડ કપ માટે તેની તૈયારી બહુ સરળ રહી નથી. ગયા અઠવાડિયે જેરુસલેમમાં ઈઝરાયલ સામેની મૈત્રીભરી મેચ રદ થવામાં ખરાબ પ્રસિદ્ધિ થઈ હતી અને જ્યોર્જ સેમપાઓલીની ટીમ જરૂરી રહેતી મેચ પ્રેક્ટિસથી વંચિત રહી હતી.2014ની સ્પર્ધામાં ક્વાર્ટર-ફાઈનલ સુધી પહોંચેલી આર્જેન્ટિના ટીમની વર્લ્ડ કપ માટેની તૈયારીમાં મેન્યુલ લેનઝિનીને થયેલી ઈજાથી પણ ભંગ પડ્યો હતો અને ટીકાકારોનું કહેવું છે કે આર્જેન્ટિનાની ટીમ સફળતા માટે લિયોનેલ મેસ્સી પર આધાર રાખે છે. જોકે, આવી ટીકા ગેરવાજબી છે કારણ કે સેમપાઓલીની ટીમમાં મિડફિલ્ડર જિઓવેની લો સેલ્સો સાથે ફૂટબોલનો કસબ રહે છે અને તેના ફોરવર્ડ ખેલાડીઓમાં ગોનઝેલો હિગુએન, સર્જિયો એગુરો, પાઉલો ડીબાલા અને એન્જેલ ડિ મારિયાનો સમાવેશ છે. પણ, આર્જેન્ટિનાની ટીમ તેના માટે પડકારરૂપ સમાન રહેતી વિભાગીય મેચોમાં સફળ બનવા છતાં, ક્વાર્ટર-ફાઈનલ તબક્કામાં તેનો મુકાબલો સ્પેન સામે થઈ શકે છે.