ભય્યુજીના આપઘાતમાં પણ પતિ, પત્ની ઔર ‘વોહ’ કાંડ? । તંત્રી લેખ

ભારતમાં રાજકીય ક્ષેત્રે સક્રિય ના હોય છતાં રાજકારણમાં જેનો જોરદાર પ્રભાવ હોય એવાં જણ બહુ ઓછાં જોવા મળે. મધ્ય પ્રદેશમાં પોતાનો આશ્રમ ધરાવતા ભય્યૂજી મહારાજની ગણતરી આ ગણતરીનાં જણમાં કરવી જ પડે ને એટલે જ મંગળવારે તેમણે આપઘાત કરી લીધો તે સાંભળીને સૌને મોટો આંચકો લાગી ગયો. ઈન્દોરમાં સિલ્વર સ્પ્રિંગ પોશ વિસ્તાર ગણાય છે ને અહીં ભય્યૂજીનો આલિશાન બંગલો હતો. આ બંગલામાં જ ભય્યૂજીએ પોતાની રીવોલ્વરમાંથી ગોળી છોડીને જાતે જ પોતાનો જીવ લઈ લીધો.
ભય્યૂજીની આપઘાતની ઘટનાએ દેશનાં લોકોને મોટો આંચકો આપી દીધો છે ને એ સ્વાભાવિક પણ છે. ભય્યૂજી મહારાજની ઓળખ એક આધ્યાત્મિક ગુરૂ તરીકે અપાય છે પણ એ એકદમ હાઈ પ્રોફાઈલ આધ્યાત્મિક ગુરૂ હતા. ભય્યૂજી મહારાજે પોતાના ટ્રસ્ટના માધ્યમથી ગરીબોને શિક્ષણ ને આરોગ્ય સેવાઓ આપવા માટે ઘણું કામ કરેલું એવું કહેવાય છે. એ સિવાય સેક્સ વર્કર્સને દોઝખમાંથી બહાર કાઢવા ને તેમના સંતાનોને શિક્ષણ આપવા તેમણે ઘણું કામ કરેલું. એ રીતે સમાજસેવાના ક્ષેત્રે તેમનું યોગદાન છે પણ તેમની અસલી ઓળખ તો મોટા મોટા લોકો સાથે ઉઠકબેઠક ધરાવતા માણસ તરીકેની હતી.
ટૂંકમાં ભય્યૂજી મસ્ત મજાની લાઈફ જીવતા હતા ને સમાજમાં તેમનો રોલો પડતો હતો. આવો માણસ અચાનક શું કરવા જીવનલીલા સંકેલી લે ? આ માણસ પાસે બધું જ હતું તો પછી આવા માણસે શું કરવા આપઘાત કરવો પડે? લોકોને આ સવાલ થાય એ સ્વાભાવિક છે. ભય્યૂજીએ આપઘાત પહેલાં સ્યૂસાઇડ નોટ લખી હોવાનું બહાર આવ્યું છે. આ નોટમાં તેમણે જિંદગીથી કંટાળી ગયો છું તેથી આપઘાત કરું છું એવું લખ્યું હોવાનું કહેવાય છે. આ વાત ગળે ઊતરે એવી નથી. કેટલીક ચેનલોએ એવી વાત પણ
ચલાવી કે, ભય્યૂજી મહારાજ આર્થિક તંગીમાં હતા ને પોતાની મિલક્ત ગિરવે મૂકેલી તેથી પરેશાન હતા તેમાં આપઘાત કરી લીધો. આ વાત પણ પચાવવી અઘરી છે એ જોતાં તેમણે ખરેખર આપઘાત કેમ કર્યો એ મોટું રહસ્ય છે. વરસો પહેલાં પ્રમોદ મહાજનની તેમના સગા ભાઈએ હત્યા કરી નાંખેલી. મહાજનની હત્યા કેમ કરાઈ એ સવાલ મહિનાઓ લગી લોકો પૂછ્યા
કરતા હતા. ભય્યૂજી મહારાજનો આપઘાત પણ એવો જ રહસ્યમય છે.
ભય્યૂજી જ્યારે બહુ જાણીતા નહોતા બન્યા ત્યારે 2005માં એક વિવાદ પેદા થયેલો. એ વખતે સીમા વાનખેડે નામની તેમની અનુયાયી યુવતીએ ધડાકો કરેલો કે, ભય્યૂજી મહારાજે મારી સાથે લગ્ન કરેલાં ને પોતાના દીકરા ચૈતન્યના પિતા પણ ભય્યૂજી જ છે. સીમા વાનખેડેએ ભય્યૂજી સામે પેટરનિટીનો કેસ પણ કરેલો. ભય્યૂજી એ વખતે જાણીતા નહોતા તેથી આ સમાચારને બહુ મહત્ત્વ નહોતું મળ્યું. જો કે એ વખતે પણ ભય્યૂજી પાવરફુલ તો હતા જ તેથી આખો મામલો રફેદફે થઈ ગયેલો ને ભીનું સંકેલાઈ ગયેલું. આવો જ બીજો વિવાદ ગયા વરસે થયેલો. ભય્યૂજીને ઢળતી ઉંમરે ઘોડીએ ચડવાના ઓરતા જાગ્યા એટલે ગયા વરસે તેમણે ડો. આયુષી નામની પોતાનાથી 20 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરેલાં. એ વખતે તેમની ઉંમર 49 વર્ષ હતી. તેમનાં પહેલા પત્ની માધવી 2015માં ગુજરી ગયાં પછી મહારાજ એકલા જ હતા ને પરિવારનો આગ્રહ હતો કે, એકલા દાડા કાઢવા કરતાં બેકલા થઈ જાઓ એટલે પોતે પરણી ગયા એવું મહારાજનું કહેવું હતું. લગ્ન મહારાજની અંગત વાત છે તેથી તેમાં આપણાથી કંઈ ના બોલાય પણ એ વખતે પાછું એક લફરું થઈ ગયેલું ને તેની વાત કરવી જરૂરી છે. મહારાજને મલ્લિકા રાજપૂત નામની એક્ટ્રેસ સાથે પરિચય હતો. આ મલ્લિકાએ એક્ટિંગના નામે શું કામ કરેલું એ આપણને ખબર નથી પણ એ પોતાને એક્ટ્રેસ તરીકે ઓળખાવે છે. મલ્લિકાએ મહારાજનાં બીજાં લગ્ન વખતે મોટો રાડો કરેલો ને આક્ષેપ મૂકેલો કે ભય્યૂજી મહારાજે તેને મોહજાળમાં ફસાવીને તેની સાથે સંબંધો રાખેલા ને પછી તેને તરછોડી દીધી. ભય્યૂજીને તેણે લબાડ ને કરુબાજ તરીકે ઓળખાવેલા. આ ધડાકો કર્યા પછી ભય્યૂજી જુદા જુદા નંબરથી તેને ફોન કરતા ને પરેશાન કરતા તેવો આક્ષેપ પણ તેણે પછીથી કરેલો. મલ્લિકા સતી સાવિત્રી છે નહીં ને એ સાચું જ બોલતી હોય એ જરૂરી નથી પણ તેના આક્ષેપોના કારણે મોટો બખેડો થઈ ગયેલો ને ભય્યૂજી મીડિયામાં બરાબરના ચમકી ગયેલા.
જો કે ભય્યૂજીના કિસ્સામાં એક વાતની નોંધ એ પણ લેવી પડે કે તેમણે બે મહિના પહેલાં મધ્ય પ્રદેશ સરકારે આપેલી સવલતો ફગાવી દીઘેલી ને એક સારું ઉદાહરણ રજૂ કરેલું. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ મધ્ય પ્રદેશના પાંચ સાધુઓ પર ઓળઘોળ થઈ ગયા ને તેમને રાજય કક્ષાના પ્રધાનનો દરજ્જો આપ્યો તેમાં ભય્યૂજી પાછા ચમકેલા. તેનું કારણ એ કે, આ પાંચ સાધુઓમાં એક ભય્યૂજી મહારાજ પણ હતા. શિવરાજે નર્મદા નદીના સંરક્ષણ માટે કમિટીનું તૂત ઊભું કરીને આ પાંચેય સાધુઓને તેમાં બેસાડી દીધા હતા. શિવરાજ મહેરબાન થયા તેમાં નર્મદાનંદ, હરિહરાનંદ, કોમ્પ્યુટર બાબા, ભય્યૂ મહારાજ, અને પંડિત યોગેન્દ્ર મહંત એ પાંચ સાધુઓને રાતોરાત સરકારી ગાડીઓ આપી દેવાઈ હતી. એક પ્રધાનને મળે એ બધી સગવડો પણ આ સાધુઓને મળે એવો બંદોબસ્ત શિવરાજે કરી દીધો હતો.
એ વખતે ભય્યૂજી સિવાયના સાધુઓએ પણ જે મળ્યું એ સોનાનું સમજીને વધાવી લીધું હતું પણ ભય્યૂજીએ આ હોદ્દો સ્વીકારવાની ના પાડેલી. એ વખતે તેમણે એવો સવાલ ઊભો કરેલો કે, જે માણસ સમાજ સેવા કરવા માગે છે, જે માણસ અધ્યાત્મના રસ્તે વળેલો છે તેને આ બધાં વળગણોની શું જરૂર? મને આ બધાની જરૂર નથી ને હું એમ પણ સમાજ સેવા કરું જ છું. બહુ ઓછા લોકો આ રીતે મફતમાં મળતી સગવડો છોડી શકે છે. ભય્યૂજીએ એ કરી બતાવેલું ને તેને માટે તેમને સલામ મારવી પડે.
જો કે ભય્યૂજી મહારાજના આપઘાતે સૌથી મોટો સવાલ તો આધ્યાત્મિકતાના નામે અપાતા ઉપદેશ સામે ઊભો કર્યો છે. ભય્યૂજી પોતાને આધ્યાત્મિક ગુરૂ ગણાવતા ને બીજાંને જિંદગીમાં હાર્યા વિના કઈ રીતે ઝઝૂમવું તેનો ઉપદેશ આપતા. હવે તેમણે પોતે જ જિંદગી સામે લડવાના બદલે હાર માની લીધી ને આપઘાત કરી લીધો. સવાલ એ છે કે, તેમની આધ્યાત્મિકતાએ તેમને જ કેમ એ તાકાત ના આપી કે જેના જોરે એ સ્થિતપ્રજ્ઞ થઈને જીવી શકે ? જિંદગીથી કંટાળી ના જાય ને કર્મ કર્યા કરે ? આ સવાલનો જવાબ આપવા ભય્યૂજી આપણી વચ્ચે નથી ત્યારે આ સવાલ સવાલ જ બનીને રહેશે.