ઉ.કોરિયા સાથે યુએસનું સમાધાન; શરતો લાગુ!

ઉ.કોરિયાએ તેના તમામ પરમાણુ શસ્ત્રોનો નાશ કરવો પડશે: ટ્રમ્પની સ્પષ્ટ વાત
સંહારક શસ્ત્રો નાબૂદી અને શાંતિ સ્થાપવા કિમ જોંગે સહમતિ દર્શાવી
સિંગાપુર તા.13
નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉન સાથે મુલાકાત અને દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઉત્તર કોરિયા પોતાની મોટા ભાગની મિસાઈલ ટેસ્ટિંગ સાઈટ બંધ કરશે. કિમ જોંગ ઉને સંપૂર્ણ પરમાણું નિ:શસ્ત્રીકરણનો દાવો કર્યો છે અને બંને નેતાઓને એકબીજા પર વિશ્વાસ છે. જોકે ટ્રમ્પે એક વાત સ્પષ્ટ કરી છે કે, નોર્થ કોરિયા પર પ્રતિબંધ યથાવત રહેશે. સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, કોરિયાઈ પ્રાયદ્વીપમાં તૈનાત અમેરિકાના સૈનિકોને હજી પાછા નહીં બોલાવવામાં આવે
જોકે ટ્રમ્પે કહ્યું છે કે, ઉત્તર કોરિયા સાથેની વાતચીત બાદ હવે અમેરિકા કોરિયાઈ પ્રાયદ્વીપમાં સૈન્ય અભ્યાસ નહીં કરે. નોર્થ કોરિયામાં અમેરિકી વિદ્યાર્થી ઓટ્ટો વાર્મબાયરના સંદર્ભમાં નોર્થ કોરિયા દ્વારા માનવાધિકારોનું ઉલ્લંઘન પર પણ વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઓટ્ટોનું મોત વ્યર્થ નથી ગયું. ઓટ્ટો વગર આ બધું સ્પષ્ટ ના થઈ શકત. યુદ્ધ કેદીઓ અને માનવાધિકારના પ્રશ્ન પર કિમે કહ્યું હતું કે, હ્યૂમન રાઈટ્સને લઈને પણ કિમ સાથે વાતચીત થઈ છે.
આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે ઐતિહાસીક મુલાકાત યોજાઈ હતી. મુલાકાતમાં કેટલાક દસ્તાવેજ પર હસ્તાક્ષર થયા હતાં. અમેરિકા સાથેની મુલાકાત બાદ ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. પરંતુ આમ થતું દેખાઈ નથી રહ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી અમે એ નિશ્ચિત ના કરી લઈએ કે નોર્થ કોરિયાએ પરમાણું હથિયારોનો સંપૂર્ણપણે નાશ કરી દીધો છે, ત્યાં સુધી પ્રતિબંધો યથાવત રહેશે.
ટ્રમ્પે કહ્યું છે કે, કિમ સાથેની તેમની વાતચીતમાં નિરસ્ત્રીકરણની ખાતરીને લઈને પણ ચર્ચા થઈ. નોર્થ કોરિયાના પૂર્ણ નિરસ્ત્રીકરણના પ્રયાસોની ખરાઈ માટે એક ટીમ બનાવવામાં આવશે જેમાં અમેરિકા અને આંતરરાષ્ટ્રિય અધિકારીઓ સામેલ થશે. ટ્રમ્પે કહ્યું હતું કે, દસ્તાવેજો પર સહી કર્યા બાદ કિમે મૌખિક રૂપે નોર્થ કોરિયાની તમામ મોટી મિસાઈલ એન્જીન ટેસ્ટિંગ સાઈટ ધ્વસ્ત કરવાને લઈને સહમતી વ્યક્ત કરી છે.
ટ્રમ્પે કહ્યું છે કે, પોતાના દેશના નાગરિકોના સારા ભવિષ્ય માટે કિમે અત્યંત મહત્વનું પગલું ભર્યું છે. આ બદલ તેઓ કિમનો ધન્યવાદ કરવા માંગે છે. લગભગ 70 વર્ષ પહેલા કોરિયાઈ યુદ્ધમાં લોહીયાળ સંઘર્ષ થયો હતો. હજારો અમેરિકી સૈનિકોની શહીદીને યાદ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, હવે આ યુદ્ધનો અંત આવશે. તેઓ કોરિયાઈ પ્રાયદ્વીપમાંથી અમેરિકાના સૈનિકોને પરત લાવવા માંગે છે પરંતુ હાલ આ મુદ્દે વાતચીત થઈ નથી પરંતુ હવે અમે અહીં યુદ્ધનો ખેલ બંધ કરીશું.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ઉત્તર કોરિયાનું ભવિષ્ય ઉજ્વળ નજરે પડી રહ્યું છે. આશા છે કે, કિમ તેમણે કરેલા વાયદાઓ પર યથાવત રહેશે. અમે જલ્દીથી જ શાંતિ સ્થાપય તેવી આશા રાખીએ છીએ. યુદ્ધ કોઈ પણ કરી શકે છે પરંતુ શાંતિ સ્થાપિત કરવા માટે સાહસની જરૂર પડે છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે આગામી સપ્તાહે પણ વાતચીત થશે તેમ ટ્રમ્પે કહ્યું હતું.