વંથલીના કણઝડીની મહિલા ખેડૂતનો કલેક્ટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ


જૂનાગઢ તા.13
જૂનાગઢના વંથલી તાલુકાના કણઝડી ગામની ખેડૂત મહિલાએ જમીન અંગે ન્યાય ન મળતા કલેકટર કચેરીમાં શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલા આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી અને શહેરના સી ડીવીઝન પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
જૂનાગઢના કણઝડી ગામના સોમીબેન વિનુભાઇ પરમારના ખેતરમાંથી રસ્તો કાઢવાના વિરોધમાં થોડા સમય પહેલા વંથલીનાં મામલતદાર કચેરીમાં રજૂઆત
કરી હતી.
જો કે મામલતદારને રજૂઆત કર્યા છતા પણ ખેતરમાંથી રસ્તો કાઢવાની કામગીરી અટકી ન હતી. જો કે તેમ છતા પણ કોઇ કાર્યવાહી ન થતા મહિલાએ ન્યાય મેળવવા માટે આત્મવિલોપનનો માર્ગ અપનાવ્યો હતો. મહિલા અને તેના પતિનો આક્ષેપ છે કે તેમના ખેતરમાં પેશકદમી કરી રસ્તો કાઢવામાં આવી રહ્યો છે. કાયદેસર રીતે ખેતરમાં કોઇ રસ્તો નીકળતો ન હોવા છતા ધરારથી જેસીબીથી રસ્તો કાઢવામાં આવી રહ્યો છે.
આ અંગે સોમીબેનનું કહેવું છે કે તેમના ખેતરમાંથી રસ્તો નીકળશે તો આજીવિકા રખાવાનો કોઇ વિકલ્પ તેમની પાસે ન હોવાથી તેમણે આત્મવિલોપન કરવાનો નિર્ણય લીધો હતો. સોમીબેન કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને પોતાના શરીરે કેરોસીન છાંટયા બાદ કચેરીમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને કલેકટરને મળવાની સતત આજીજી કરી હતી તેમ છતા કલેકટરે તેમને મળવાનો ઇન્કાર કરી દીધો હોવાનો પણ આક્ષેપ સોમીબેને કર્યો હતો.