ડોળાસાની સગીરાએ 181ની ટીમને બોલાવી પોતાના લગ્ન અટકાવ્યા


વેરાવળ તા.13
ગીર-સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામની સગીરાએ 181 ટીમને બોલાવી મહિલા અઘિકારીની મદદથી પોતાની મરજી વિરૂધ્ધ પરીવારના દબાણથી થતા લગ્ન અટકાવ્યાં અને ત્યારબાદ 181 ની ટીમે સગીરાને શીશુમંગલમાં મોકલવા તજવીજ હાથ ઘરેલ હતી.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર કોડીનાર નજીકના ડોળાસા ગામમાં રહેતા પરિવારે તેમની સગીર વયની દિકરીના લગ્ન તેની મરજી વિરૂધ્ધ નકકી કરી દીઘેલ હોવાથી સગીરાએ ગીર સોમનાથ જીલ્લાની 181 ટીમને ટેલીફોનીક જાણ કરતા સેવાના કાઉન્સીલર મનીષાબેન ધોળીયા, કોન્સ.સોનીબેન સહિતનો સ્ટાફ ડોળાસા પહોંચી જઇ સગીરાની પુછપરછ કરેલ જેમાં જાણવા મળેલ કે, સગીરના લગ્ન તેની ઇચ્છા વિરૂધ્ધ કરવાની પેરવી થઇ રહેલ હોય અને લગ્નની તારીખ પણ નજીકના સમયમાં જ આવતી હતી જેથી સગીરાએ પોતાના પરિવાર સાથે રહેવાની ના પાડી હતી તો બીજી તરફ તેના પરિવારના સભ્યો પણ સગીરાને ઘરમાં રાખવાનો ઇન્કાર કરી દીઘેલ હોવાથી 181 ની ટીમે કોડીનાર પોલીસ સ્ટાફને બોલાવી સગીરાને શીશુમંગલ સંસ્થામાં મોકલી દેવા તજવીજ હાથ ધરી હતી.