સફળ થવા નસીબનો સાથ ખુબ જરૂરી: તન્વી વ્યાસ

મિસ ઇન્ડીયા અર્થ તન્વી વ્યાસ સાથે                ‘ગુજરાત મિરર’ની એક્સક્લુુઝીવ મુલાકાત  ઐશ્ર્વર્યા રાય અને સુસ્મિતા સેને જે રીતે સૌંદર્ય સ્પર્ધા જીતી અને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નામ, દામ મેળવ્યા તે જોઇને અનેક યુવતીઓ આંખમાં ચમક દમકવાળી આ કેરીયરમાં સ્વપ્ના સજાવી સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લે છે. કેટલાકને સફળતા મળે છે તો કેટલાકને નિષ્ફળતા મળે છે. બહારથી ચકાચૌંધ કરી નાખતી આ દુનિયામાં મહેનત, નસીબ અને આવડતના કારણે સફળતા મળે છે. આવા જ અનેક સપના સજાવી ર008 ની સાલમાં વડોદરાની યુવતી તન્વી વ્યાસે મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને મીસ ઇન્ડીયા અર્થનો ખિતાબ પણ જીત્યો. તાજેતરમાં રાજકોટના ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન એન્ડ ટેકનોલોજીનાં ઉદ્દઘાટન સમારોહમાં આવેલ તન્વી વ્યાસે ગુજરાત મિરરને એકસકલુઝીવ મુલાકાત
આપી હતી.
ગુજરાત મિરર : આ ક્ષેત્રમાં આવવાનો વિચાર કઇ રીતે આવ્યો ?
તન્વી : ડોકટરની દીકરી છું અને પરીવારના અન્ય સભ્યો પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. ‘જસ્ટ ફોર ફન’ એક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને વિજેતા બનતા પરીવારમાં પણ આશ્ર્ચર્ય થયું. એક અલગ ફિલ્ડમાં જવા માટે થોડી આનાકાની કરી પરંતુ માતાના સપોર્ટના કારણે આગળ વધવાની પ્રેરણા મળી ફોમના મિસ ઇન્ડીયા અને વિશ્ર્વકક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ સફળતા પ્રાપ્ત કરી.
ગુજરાત મિરર : વિજેતા બન્યા પછીની લાઇફમાં શું બદલાવ આવ્યો ?
તન્વી વ્યાસ : મિસ ઇન્ડીયા અર્થનો ખિતાબ મેળવ્યા બાદ એક અલગ ઓળખ અને આત્મવિશ્ર્વાસ મળ્યા. મોડેલીંગ તેમજ તામીલ, તેલુગુ ફિલ્મ કરી અને ઘણી બધી ઓફર પણ મળી.
ગુજરાત મિરર : આટલી ઓફર પછી પણ હિંદી ફિલ્મમાં પોતાનું સ્થાન ન બનાવી શકવાનું શું કારણ ?
તન્વી વ્યાસ : ખિતાબ મળ્યા બાદ તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ મળ્યું પણ હિંદી ફિલ્મમાં કામ મળ્યું એ મારા માટે બીજા જેટલું સહેલુ નહોતું. મહેનત બધા જ લોકો કરે છે પણ તમારુ લક પણ તેમાં ખુબ મોટો ભાગ ભજવે છે. ચાહે તમે બીઝનેસમેન હો કે જર્નાલીસ્ટ હો, ડોકટર હો કે આર્ટીસ્ટ દરેક જગ્યાએ નસીબ ભાગ ભજવે છે.
ગુજરાત મિરર : અત્યારે તમે વેબસીરીઝમાં અભિનય કરી રહ્યા છો તો મોડેલીંગ, સિરીયલ અને ફિલ્મોમાં શું તફાવત છે ?
તન્વી વ્યાસ : એકટીંગમાં માનવ હૃદયની સંવેદના વ્યકત કરવામાં આવે છે. એક પ્લેટફોર્મ પર લાઇફના ઘણા બધા ઇમોશન્સ જોવા મળે છે. જ્યારે મોડેલીંગમાં તમારી પર્સનાલીટી વ્યકત થાય છે. મોડેલીંગમાં જે પ્રોડકટના હિસાબે પરફોર્મન્સ આપવાનું હોય છે. બંનેમાં ઘણો બધો તફાવત હોય છે.
ગુજરાત મિરર : મોડેલીંગમાં કેરીયર બનાવવા માંગતા યંગસ્ટર્સને શું શીખ આપશો ?
તન્વી વ્યાસ : આ ફિલ્ડમાં લોકો ગ્લેમરના કારણે આવે છે પરંતુ ફકત ગ્લેમર નથી હોતું તમારે મહેનત પણ કરવી જ પડે છે અને સૌથી મહત્વની બાબત છે કે તમારુ સ્ટડી કમ્પલીટ કરીને આવો લાઇફમાં કયારે કેવા સંજોગો આવશે તે ખબર નથી તેથી મહેનત અને સંઘર્ષ કરવાની તૈયારી સાથે આવો.
ગુજરાત મિરર : મહિલાઓ માટે મેસેજ ?
તન્વી : તમારે કાંઇપણ કરવું હોય તો હાર્ડ વર્ક જરૂરી છે. કાંઇપણ અચીવ કરવા માટે સ્ટ્રગલ કરવી જરૂરી છે. દરેક સ્ત્રીએ પોતાના પગ પર ઉભુ રહેવું જરૂરી છે. પોતાની જાત પર વિશ્ર્વાસ રાખો અને આગળ વધો.
ગુજરાત મિરર : ભવિષ્યનું સ્વપ્ન શું છે ?
તન્વી : હું ગ્રાફીક ડીઝાઇનર છું. પેઇન્ટીંગનો મને શોખ છે અને મિત્રો સાથે ફરવું ખુબ ગમે છે. મારા ઘણા બધા સ્વપ્નો છે. ઘણું બધું કરવા માગું છું. હાલ રામકપુર અને સાક્ષી તન્વર સાથે ‘કર લે તું ભી મુહોબ્બત’ વેબ સીરીઝ કરી રહી છું અને ભવિષ્ય માટે ખુબ પોઝીટીવ છું.
ગુજરાત મિરર : આભાર અને તમે જોયેલા દરેક સ્વપ્ન માટે ખુબ ખુબ શુભેચ્છા...
(તન્વી વ્યાસનો વિડીયો ઇન્ટરવ્યું જોવા અમારા Facebook પેજ
https://www.facebook.com/gujaratmirrornews પર વિઝીટ
કરો.) ઉડાન/મુલાકાત - ભાવના દોશી -