વોર્ડ નં.14 અને 3માં ગંદકીથી ખદબદતા વોંકળા

મનપા શાસકોના વાતુના વળા, વોંકળાની સાફ સફાઇ માત્ર કાગળ પર
વોંકળાની સાઇટ વિઝીટ કરવા મ્યુ.કમિશનરને કોંગ્રેસની રજૂઆત રાજકોટ,તા.12
રાજકોટ મહાનગરપાલિકાના શાસકો વોંકળાની સાફ સફાઇ બાબતે વાતુના વળા જ કરે છે અને માત્ર કાગળ પર જ સાફ-સફાઇ બતાવવામાં આવે છે ત્યારે ખુદ મેયરના વોર્ડનં.14 અને વોર્ડનં-3ના વોંકળાઓ ગંદકીથી ખદબદી રહ્યા છે આ બન્ને વોર્ડના વોકળાની સાઇટ વિઝિટ લેવા મ્યુ.કમિશ્ર્નરે કોંગ્રેસ આગેવાનો દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
તાજેતરમાં મહાનગરપાલિકાના પ્રિમોન્સુન કામગીરી કરનારા જવાબદાર અધિકારીઓએ મ્યુ. કમિર્નરને ઉંધા ચશ્મા પહેરાવી પ્રિમોન્સુન કામગીરીમાં 13000 ગટરના મેઇન હોલ અને વોંકળા તમામ સફાઇ થઇ ગયા છે.
આજરોજ વોર્ડનં.-3ના પ્રમુખ ગૌરવ પુજારાએ વોર્ડ-3ના વોંકળાની સફાઇ અને ગજુભાએ મેયર વોર્ડ-14માં જાત તપાસ કરતાં વોંકળા ગંદકીથી ખદબદતા જોવા મળ્યા હતા અને બેસુમાર ગંદકી યથાવત હતી. વોંકળાના દબાણો અને વોંકળાની સફાઇની તંત્રની પોલ ખુલી ગઇ હતી અને જે પગલે મ્યુ.કમિશ્ર્નરને કોર્પોરેટરોએ પત્ર પાઠવી વોર્ડ-3 અને વોર્ડ-14ના વોંકળાની સાફઇ વિઝિટ કરી ફ્કત કાગળ પર પ્રિમોન્સુન બતાવનારાં અધિકારી પણ પગલાં ભરવા પણ માંગ ઉઠાવી છે.
એક સમય રાજકોટમાં કુદરતી પાણીના નિકાલની આબેહુબ અને દર્શનીય વ્યવસ્થા હતી કારણકે તે સમયે શહેરમાં 21 વોંકળાઓ હતા જે 60 થી 70 ફૂટ પહોળા હતાં પરંતુ સમયાંતરે ભાજપના આગેવાનો દ્વારા વોંકળાઓ વેંચાતા ગયા અને બાંધકામ વેસ્ટ ઠલવી બુરાતા ગયા અને શાસકોએ સુપ્રિય કોર્ટનો જે નિયમ છે કે કુદરતી પાણીનો નિકાલ હોય તે અવરોધવો નહિં તેમ છતાં મહાનગરપાલિકાએ જે કુદરતી નિકાલની વ્યવસ્થા હતી તે સમયાંતરે બંધ કરી વોંકળા બંધ કરી દઇ પોતાની માનસિકતા છતી કરી હતી. હાલ રાજકોટમાં નજીવા વરસાદે ગોઠણભેર પાણી ભરાય છે રાજકોટના મુખ્ય રસ્તાઓ બેટમાં ફેરવાલ જાય છે સ્ટોર્મ વોટર સીસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી હોવાનું વોર્ડનં3ના કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આસવાણી અને ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે.