પસંદ કરેલા વિકલ્પ થકી સફળ થવાનો સંકલ્પ !

દિવસ દરમિયાન આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ અને અનેક પ્રકારના કાર્યો કરતા હોઇએ છીએ. આ પૈકીનું ઘણું એવું હોય છે. કે જે એકદમ અનિવાર્ય હોય છે એટલે ફરજિયાત પણે કરવાનું હોય છે. જયારે અમુક પ્રવૃતિ કે કાર્ય કરવાં કે ન કરવાં એ પસંદ કરવાનો વિકલ્પ આપણને ચોક્કસપણે ઉપલબ્ધ હોય છે. જયારે પણ પસંદગીની વાત આવે ત્યારે આપણામાં જે તે કાર્ય વિશેની કુનેહ, આવડત, ક્ષમતા, કાર્ડની મહત્તા, કાર્ય માટેનો રસ અને લગાવ તેમજ બીજા જે પણ કાર્ય કરી શકાય તેમ છે તેની જાણકારી, જાગૃતિ અને તે વિશેની સમજણ પણ ખુબ જ અગત્યના હોય છે. યોગ્ય વિકલ્પની પસંદગી હોય છે ખુબ જ મહત્વની, ઘણી વખત ખોટો વિકલ્પ પસંદ થાય તો કસોટીકાળ લંબાય એમ પણ બને! બેઉ સ્થિતિમાં નવું નવું શીખવાની અદ્ભુત તક તો આપણને મળે જ છે પણ જયારે ખોટો વિકલ્પ પસંદ થાય ત્યારે ઘણા પદાર્થ પાઠ એ થકી મળી શકતા હોય છે. આપણને શીખવા! એની પણ અનોખી જ મઝા! પસંદગીનો વિકલ્પ વિજય-પ્રદેશમાં આપણને લઇ જાય એવી અભિપ્સાને અનન્યપણે પરિપૂર્ણ કરવા માટે સમજદારી અને જાગૃતિ હોય છે. ખુબ જ મહત્વના! યોગ્ય વિકલ્પની પસંદગીને કારણે સૌથી મોટો જે ફાયદો થાય છે તે છે મનગમતા અને ખુબ જ ઉપયોગી નીવડે એવા પરિણામોની આપણને થતી પ્રાપ્તિ! દિવસ દરમિયાન કરવાના કાર્યોની જે યાદી કે સુચિ બનાવી લીધી હોય અગાઉથી જ તો કાર્યો કરવામાં સુગમતા રહે છે ને વળી બધા જ કામ સમયસર કરી શકવામાં પણ આપણને મળતી હોય છે સફળતા! ખૂબ જ મહત્વના કે અતિ અગત્યના કાર્યો કે પ્રવૃતિઓ અનિવાર્યપણે પૂર્ણ થઇ જ જાય એવો અભિગમ અને સંકલ્પ કેળવી જો કામ કરીએ તો દિવસના અંતે પ્રાપ્ત થતો પરિતોષ ખરેખર આગળના દિવસો માટે બનતો હોય છે. પ્રેરક અને ચાલકબળ! મારા મિત્ર વિજયની આ બાબતે મસ્ત મઝાની વાત પણ ખુબ રસ પડે તેવી! સાંજના સમયે ફિલ્મ જોવા જવું કે પુસ્તક ગોષ્ઠિમાં ભાગ લેવો- એવા બે વિકલ્પોમાંથી પુસ્તક પરના કાર્યક્રમમાં તેણે હાજરી આપવાનું એટલે પસંદ કર્યુ કે ફિલ્મ તો પછી પણ જોઇ શકાય પણ પેલી ગોષ્ઠી ફરીથી કયારે આયોજીત થાય એ પણ નક્કી નહી અને જે તે વકતા પુન: જે તે પુસ્તક પર બોલે કે નહીં એ પણ નક્કી નહી! આમ તેણે ક્રમશ: બેઉનો લાભ ઉઠાવી ખુશી મેળવી!
કોઇપણ વ્યક્તિને તમે જયારે સાંભળો છો ત્યારે પણ અનાયાસે બે વિકલ્પ તમારી પાસે હંમેશા હોય જ છે. એક તો એ કે જે તે વ્યક્તિને ઉતાવળે, પોતાને અનુકૂળ હોય એમ ઝડપથી સાંભળી લેવી, પુરેપુરુ સાંભળ્યા વિના પોતાની વાત પણ વચ્ચે મુકયા કરવી! ને બીજો વિકલ્પ કે જે ખુબ જ ફળદાયી નીવડે એવો છે અને એ છે સામેવાળી વ્યક્તિને ખુબ નિરાંતે, રસપૂર્વક અને ખુબ જ ધ્યાનપૂર્વક સાંભળવી! આમ કરવાથી આપણને પણ ઘણું નવું શીખવા મળે છે અને સામેવાળી વ્યક્તિને કાન આપી અને હૃદયપૂર્વક સાંભળવાથી તેના હૃદયમાં આપણું સ્થાન પણ આપણે ખુબ જ સુરક્ષિતપણે સ્થિત રહી શકીએ એમ બને! ઉપરાંત નિંરાતે સાંભળી લીધા પછી આપણે જે પણ કહેવાનું હોય તે વધુ સારી રીતે, અસરકારક રીતે અને લાભદાયી રીતે અભિવ્યક્ત કરવામાં પણ આપણને રહે છે સુગમતા! જે બેઉ પક્ષને ખુબ જ ઉપયોગી નિવડે એ પ્રકારની!
વિકલ્પની સાથે જોડાયેલો એક મસ્ત મઝાનો સરસ શબ્દ છે સંકલ્પ! આપણને ઉપલબ્ધ વિકલ્પ પર વિચાર કર્યા પછી એ પૈકીનો અનુકૂળ લાગતો વિકલ્પ પસંદ કરી લીધા પછી તેનો પૂર્ણ કરવા માટે પ્રતિબધ્ધ બનવાનો કરવાનો હોય છે. સંકલ્પ! કામ હાથ પર લીધુ પછી એ પૂર્ણ ન થાય ત્યાં સુધી એને મુકવું જ નહીં! ઘણી વખત અમુક લાંબા ચાલનારા કાર્યોમાં વચ્ચે ઘણાં પ્રકારના વિઘ્નો પણ આવતા હોય છે તેનો કરવો પડે હિંમત અને દૃઢતાથી સામનો! સક્ષમતા વિકસાવવામાં એ પણ થાય ખુબ જ ઉપયોગી. એન્જીનીયરીંગમાં ભણતા એક વિદ્યાર્થીએ અચાનક પોતાના મમ્મી-પપ્પાને અકસ્માત નડતા ગુમાવ્યા! ખુબ દુ:ખ થયું તેને, પણ સધિયારો આપનારાં પણ મળી ગયા, ભણવાનું ચાલુ રાખીને તેણે અભ્યાસપૂર્ણ કર્યો. ભણતાં ભણતાં થોડુ આર્થિક ઉપાર્જન પણ તેણે કરી લીધું! ભણવાનું છોડી દેવાનો વિકલ્પ તેણે ન અપનાવ્યો. તેણે પસંદ કર્યુ. અભ્યાસ પૂરો કરવાનું! એ સંકલ્પ તેણે સિધ્ધ કર્યો! એન્જીનીયરીંગનું ભણવાનું રસપૂર્વક પૂર્ણ કરીને તેણે નોકરી પણ મેળવી. તેમાં પણ એ દૃઢ સંકલ્પથી ખુબ આગળ વધ્યો. હવે એ જરૂરતમંદ વિદ્યાર્થીઓને તમામ રીતે મદદ કરી ખુશી મેળવે છે!
કોઇપણ ક્ષેત્રમાં ભવ્ય, ઝળહળતી, ટકાઉ સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિના જીવન તરફ દૃષ્ટિપાત કરીએ એટલે તરત જ ખ્યાલ આવે છે કે તેઓએ ઉપલબ્ધ વિકલ્પોમાંથી એવા વિકલ્પની પસંદગી કરી હોય છે કે જેને કારણે તેઓનું જીવન વધુ મહેનત કરાવનારું, સંઘર્ષમય તેમજ ઉચ્ચતમ સફળતા તરફ દોરી જનારું બન્યું હોય છે! વિકલ્પની પસંદગીમાં નિર્ણય શક્તિ ભજવતી હોય ખુબ જ અગત્યનો ભાગ! આ શક્તિનો વિકાસ ઘણા ખોટા વિકલ્પોની પસંદગીને કારણે કે ખોટા નિર્ણયોને લીધે થયો હોય એમ પણ બને! ઘણા પદાર્થ પાઠ આ રીતે જ શીખાતા હોય છે અને એ થકી વ્યક્તિ બને છે વધુ પરિપક્વ, દક્ષ અને સમજદાર!
ઘરકામ અને મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી કવિતાએ પોતાની દિકરીને ભણાવવા માટેનો સંકલ્પ સિધ્ધ કરવા બધુ જ કરી છુટવાનું નક્કી કર્યુ. દિકરી ભણી ગણીને ખુબ આગળ વધે એ જ કવિતાનું સપનું. દસમાં ધોરણમાં પરીક્ષા પૂર્વે જ દિકરી માંદી પડીને સારવાર કામ ન આવી અને આ જગત છોડીને, કવિતાનું વિશ્ર્વ ખંડિત કરીને અનંત યાત્રાએ ચાલી! કવિતા ભાંગી પડી! પણ પછી સંકલ્પ કર્યો કે અન્ય ગરીબ દિકરી હોય કોઇની તેને એ મદદ કરશે! કવિતાને જીવનનો ઉદેશ મળી ગયો. પોતાની બચત હવે તેણે અન્ય દિકરીઓ માટે વાપરવી શરુ કરી. પુસ્તક, નોટ, ફી વિગેરેમાં કવિતા હવે અન્ય કુટુંબો કે જે ગરીબ હોય તેની દિકરીઓને મદદ કરી ખુબ ખુબ ખુશ થાય! ભાંગી જઇને બેસી રહેવાને બદલે અન્યોને જેટલી પણ મદદ કરી શકાય તે કરીને કવિતાએ પોતાનો સરસ જીવન નિખારવાનો સંકલ્પ કર્યો સિધ્ધ!
ઘણા પુસ્તકોમાં હોય છે ક્ષમતા આપણને એકદમ અનન્ય અને અનોખી રીતે વિચારતા કરીને વધુ હેતુલક્ષી બનાવી દેવાની! આવું જ અનેક પુસ્તક છે રીચાર્ડ રીયાન અને એડવર્ડ ડેસીનું સેલ્ફ ડિટરમીનેશન એ વાંચીને ઉદ્ભવેલો એ રીતે સંવેદેલા અમુક વિચારો અને અનુભવો અત્યારે મેં તમારી સમક્ષ મુકયા! વિકલ્પ પર અનોખી રીતે વિચારજો અને કંઇક અનોખું કરવાનો પણ તમે કરજો સંકલ્પ! અટકીએ આ મુકામ પર! કોઇપણ ક્ષેત્રમાં ભવ્ય, ઝળહળતી, ટકાઉ સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિના જીવન તરફ દૃષ્ટિપાત કરીએ એટલે તરત જ ખ્યાલ આવે છે કે તેઓએ ઉપલબ્ધ વિકલ્પોમાંથી એવા વિકલ્પની પસંદગી કરી હોય છે કે જેને કારણે તેઓનું જીવન વધુ મહેનત કરાવનારું, સંઘર્ષમય તેમજ ઉચ્ચતમ સફળતા તરફ દોરી જનારું બન્યું હોય છે ! બુક ટોક । સલીમ સોમાણી