ખખડધજ સ્કુટર

"લ્યો ફરી ચાલુ આ કાકાનું.. કાકી ને કાકાને આ
ઉમરે ય પ્રેમલા પ્રેમલીની માળા જપવામાં નવરાશ નથી.. રોજ સવારના કિક મારી મારીને આ ખખડધજ સ્કુટરને ચાલુ કરશે ને બાજુની વધારાની નખાવેલી બેઠકમાં કાકીને બેસાડીને બંને બહાર ઉપડી જશે..!!
દોશીવાડાની પોળમાં કુકડે કુથી નહિ પણ હસમુખકાકાના સ્કૂટરની કિકથી લોકોની સવાર પડતી. પોળના નાકે જ તેમની એક પાનની દુકાન. આખો દિવસ ત્યાં બેસે કંઇક પ્રવૃત્તિ રહે તે હેતુથી.. દીકરો ને દીકરી બેય વિદેશ રહેતા. દીકરો મહીને દસેક હજાર જેવા રૂપિયા કાકાના ખાતામાં જમા કરાવી દેતો ને પોતેય પાનની દુકાનમાંથી બાર-પંદર હજાર કમાઈ લેતા. કાકાને બબીકાકી માટે બહુ પ્રેમ. હોંશે હોંશે બંને દર રવિવારે ફરવા જાય. કાંકરિયાની પાળે બેસે ને કદીક વસ્ત્રાપુર જાય. વળી ક્યારેક તો નવા નવા જુવાનિયાની જેમ ગાંધીનગર હાઈવે પર પોતાના સ્કુટરમાં રખડવા ચાલ્યા જાય. આ બધું તો હતું જ સાથે કાકાએ છેલ્લા ત્રણેક મહિનાથી એક આદત બનાવી હતી.. રોજ સવારે વહેલા જાગીને બબીકાકીને લઈને પરિમલ ગાર્ડનમાં જાય.. ને ત્યાં બગીચામાં બેસે. ક્યારેક તો ભરતડકામાં બંને નીકળી પડે. હસમુખકાકા સફેદ રંગની ટોપી પહેરે અને બબીકાકીને પણ સરસ મજાની ટોપી પહેરાવે. તડકાથી બચવાનો એમનો એ સરળ રસ્તો. સિગ્નલ પર ઉભા રહે ત્યારે હસમુખકાકા સ્કુટરની આગળની ડીકીમાંથી પાણીની બોટલ કાઢીને બબીકાકીને પાણી પીવડાવે ને પછી પોતે બે ઘૂંટડા ભરે. મજાની જિંદગી જીવતા બંને.. સ્કુટર જાણે એ બંનેના દામ્પત્યજીવનનું પર્યાયવાચી બની ગયેલું.. પણ એ જ સ્કૂટરની રામાયણ ગજબ હતી.. વર્ષો જુનું કાકાનું એ સ્કુટર એક કલાકે ચાલુ થાય.. ને છ વાગ્યામાં સ્કુટરને કિક મારવાનું ચાલુ કરી દેતા કાકાથી ત્રણ મહિનામાં હવે આખી પોળ ત્રાસી ગઈ હતી. પહેલા દર રવિવારે જ આ ત્રાસ વેઠવો પડતો પણ હવે તો રોજનું થઇ ગયેલું.. છતાય તેમની ઉમરની શરમ રાખીને કોઈ ક્યારેય કંઇ ના બોલતું..
આજ તો વળી હસમુખકાકા કંઇક વધારે જ ઉતાવળમાં હતા. રવિવાર હતો ને બબીકાકીનો જન્મદિવસ પણ હતો. બંને સાથે મળીને પરિમલ ગાર્ડનથી
પછી બહાર પિકચરમાં જવાના હતા. પણ કેમેય કરીને હસમુખકાકાનું સ્કુટર જ નહોતું ચાલુ થતું. નિરાશ ચહેરે પચીસ મિનીટ સુધી સ્કુટર ચાલુ કરવાનો પ્રયાસ કરીને આખરે થાકીને ઉધરસ ખાતા ખાતા ને બબડતા બબડતા હસમુખકાકા અંદર ગયા..
"બબી.. હેડ ને. રીક્ષામાં જતા આઇએ.. આ સ્કુટર તો ચાલુ જ નથી થતું.
પોન્ડ્સ પાવડર ચોપડી રહેલા બબીકાકી સહેજ હસ્યાં. પછી પોતાની લુઝ સાડીના છેડાની પાટલી વાળીને ચણિયામાં ખોસીને તેઓ ધીમા ડગલે હસમુખકાકા તરફ ગયા..
"કેમ તું અહી આવે છે?
"કેમ એટલે તમારી સાથે વાત કરવા..
"તારા ગોઠણ દુખે છે ને. તું ત્યાં બેસ. હું આવું છું.
"અઠ્યોતેરના તમે ને પંચોતેરની હું. કોણ નાનુ?
"હાહા.. મોટું કોણ?
એમ કરતા જ હસમુખકાકા કાકીની નજીક પહોચ્યા અને હાંફી ગયેલા બંને ડોશા-ડોશી એકબીજાને પકડીને બેસી ગયા. ને પછી ખડખડાટ હસી પડ્યા. વર્ષો પહેલાનાં સમયમાં પહોચી ગયા.
"બા.. આવા બબુચકને મારે નથી પરણવું હો. એનું ઠોઠીયું સ્કુટર તો જો. એમાં પાછળ બેસીને હું જાવ તો કેવી લાગુ?? હું તો આ ગામની મહારાણી છું. મને લેવા તો ઓલી એમ્બેસેડરમાં મહારાજા જ આવશે.
"આવી મોટી મહારાણી વાળી.. આ તો નાનું ગામડું છે સૌરાષ્ટ્રનું. હસમુખકુમાર ઓલા સાબરમતી વાળા શહેરમાં રે છે. ને પોળમાં ત્યાં એનું પોતાનું ઘરે ય છે. બધુય બરોબર છે. તારા બાપુજીએ ઈમને હા કહી દીધી છે. આવતી પૂનમે ચુંદડી ઓઢાડી દેસુ..
હસમુખકાકા જેવા બબીતાને જોઇને ગયા કે બબીએ એની માંને કહેવાનું શરુ કર્યું હતું. પણ પરિવાર સામે તેનું કઈ ના ચાલ્યું ને આખરે બંનેના લગ્ન પણ થઇ ગયા. સાસરે આવ્યા બાદ બબી મહારાણીની જેમ જ રહેલી. હસમુખકાકા સાવ એકલા હતા. પાનની દુકાન હતી ને ઘરમાં એ બે જ. સુખેથી સંસાર ચાલતો. ધીમે ધીમે સમય જતા ખાઈ-પીને વધી રહેલા બબીકાકી માટે સ્કુટર પાછળ બેસવું અઘરું થઇ ગયેલું. તેના નિવારણ રૂપે હસમુખકાકાએ સ્કુટરમાં સાઈડ બેઠક નખાવી હતી.. પછી તો કાકી એ બેઠકમાં જ બેસતા. એય ને બેય માણસ દર રવિવારે કાંકરિયા જાય ને રસ્તામાં મકાઈ પણ ખાય. છોકરાઓનો જન્મ થયો પછી પણ હસમુખકાકા અને બબીકાકીનો આ સિલસિલો ચાલુ જ રહ્યો. છોકરાઓ ભણ્યા, ખુબ આગળ વધ્યા અને પોતાની રીતે વિદેશ પણ ગયા.. સતત હસમુખકાકા અને બબીકાકી ઉત્તમ માં-બાપ હોવાની ફરજ નિભાવી રહ્યા. દીકરાએ બે-ત્રણ વખત બંનેને તેડાવેલા પરંતુ તેઓ પોતાની પોળ ને પોતાનું સ્કુટર છોડીને ક્યાંય નહોતા જવા માગતાં..
"હેં તો બબી.. હવે આજ આપણે નહિ જઈ શકીએ? નેવું દિવસનો આ ક્રમ તૂટી જશે આપણો ફરવા જવાનો.. સ્કુટર નહિ ચાલુ થાય ને તો.. ચલ ને રીક્ષામાં જઈએ.. એમાય આજ તો તારો જન્મદિવસ છે.. આપણે ઓલું ગુજરાતી પિક્ચર પણ જોવાનું રહી જશે..
"હસુ.. ક્યારેક તો આ દિવસ આવવાનો જ હતો ને?સ્કુટરને હવે કેટલા વર્ષ થયાં... આજ નહિ તો કાલ.. ટેવ પાડી લેવી સારી..
"ના.. હું એમ કોઈ વસ્તુની આદત નહિ પાડું.. મારા બનતા પ્રયત્નો કરીશ..
"શું પ્રયત્ન કરશો હસુ?
ભીની આંખે હસમુખકાકાની સામે જોઇને બબીકાકી બોલ્યા..
"મારી અમાનતને બચાવવાનો..!
ને અચાનક જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.. બબીકાકી સતત હસમુખકાકાની પીઠને પસવારતા રહ્યાં..
થોડી વાર પછી ઊંઘમાં સરી પડેલા હસમુખકાકાને સહેજ અળગા કરી ધીમા ડગલે ચાલીને બબીકાકી ફોનની નજીક આવ્યા.
"હેલો. બબી બોલું છું..
"હા બહેન બોલો..
"કેટલો સમય છે હવે?
"બહેન.. આપણે ત્રણ મહિના પહેલા વાત થઇ ત્યારે જ મેં કહેલું ને વધીને ત્રણ મહિના..
"ગઈકાલે રાત્રે ઉલટી થઇ હતી. હાંફ પણ બહુ ચડે છે હમણાથી.. ઈ તો ઊંઘમાં હતા એટલે વાંધો ના આવ્યો.. એમને ખબર ના પડી.. તમે કઈ કહ્યું તો નથી ને સાહેબ?
સામેથી થોડી ક્ષણની ચુપકીદી પછી અવાજ આવ્યો..
"ના.. અને બહેન બને એટલો આરામ જ કરવો પડે હવે તો.. બીજો કોઈ ઉપાય નથી. લાસ્ટ સ્ટેજ છે એટલે કઈ ના કહી શકાય ક્યારે શું થઇ જાય..
"સારું સાહેબ. આભાર. આવજો. કહીને બબીકાકીએ ફોન મૂકી દીધો.. ને પછી તરત જ તેમના દીકરા ને દીકરીને ફોન લગાડીને તેમની સાથે પણ ઘણીવાર સુધી વાત કરી.. જાણે હવે કદી વાત ના કરી શકવાના હોય.. પછી રસોડામાં ગયા અને દાળ-ભાતનું કુકર મુક્યું. બંને પતિ-પત્ની રોજ બપોરે દાળ-ભાત જ જમતા. વણવાનું બબીકાકી હવે ના કરી શકતા એટલે દાળ-ભાત ને રાત્રે ખીચડી ખાઈને દિવસ પસાર કરતા..
"એ બબી.. હું શું કહું છું.. અત્યારે આ સ્કુટરને રીપેરીંગમાં આપી આવું તો કદાચ સાંજ સુધી ઠીક થઇ જશે.. પછી આપણો ફરવા જવાનો નિયમ નહિ તૂટે..
ઊંઘમાંથી જાગી ગયેલા હસમુખકાકા અચાનક બોલ્યા.
રસોડામાંથી કુકરનો ગેસ બંધ કરીને બબીકાકી હસમુખકાકાની પાસે ગયા..
"હસુ.. એક વાત કહેવાની છે..
"હા બબી.. હું જાણું છું તને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને કદાચ કાલ....
વાત અધુરી મુકીને હસમુખકાકા રડી પડ્યા..
"બબી.. બસ આ છેલ્લી ક્ષણો છે.. આપણી પાસે હવે સમય નથી. એટલે જ પ્લીઝ આપણે જઈએ?
બબીકાકીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા..
"હસુ અમુક વસ્તુઓ રીપેરીંગ પછી પણ સાજી નથી થઇ શકતી. ડોક્ટર સાથે હમણાં જ વાત કરી અને કદાચ હવે ગમે ત્યારે મને..
બબીકાકીના મોં પર આંગળી મુકીને હસુકાકાએ તેમને બોલતા બંધ કરી દીધા..
"બબી.. તે તો મને ના કહ્યું પરંતુ હું જાતે જ એ ડોક્ટરને મળીને તપાસ કરી આવ્યો હતો. છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને કઈ નહિ થઇ શકે એ પણ જાણતો હતો. તે તો સામાન્ય બીમારીમાં ખપાવી દીધેલી આ ઉધરસને.. હું છોકરાઓને કહીને પરેશાનીમાં નોહ્તો મુકવા ઈચ્છતો. એટલે તો જ્યારથી ખબર પડી ત્યારથી દર રવિવારની જગ્યાએ રોજ તને લઇ જવાનું શરુ કર્યું હતું બગીચામાં તારી સાથે બને એટલો સમય વધુ વિતાવવા... બિચારા આ પાડોશીઓ પણ ત્રાસી ગયેલા. પહેલા તો દર રવિવારે જ સહન કરવું પડતું. હવે
તો આ કિકનો ત્રાસ રોજનો થઇ
ગયેલો ને..
ને એટલે જ પ્લીઝ એક છેલ્લી કોશિશ? તું બેસ. હું હમણાં આવું છું..
કહીને સ્કૂટરની ચાવી હાથમાં લઈને હસમુખકાકા નીકળી ગયા. ગલીના નાકે જ એમની પાનની દુકાનની બાજુમાં ગેરાજ હતું. ચલાવીને ત્યાં સુધી સ્કુટર લઇ જવામાં તેમને હાંફ ચડી ગયો.. સ્કુટર સરખું થાય પછી લઈને જ ઘરે જાય તેવું વિચારીને વીસેક મિનીટ તો ત્યાં જ પોતાની દુકાનના ઓટલે જ બેઠા પરંતુ મિકેનિકે વાર લાગશે ને પોતે જ આપી જશે એમ કહેતા તેઓ નીકળી ગયા. સવારથી આજ તો દુકાન પણ બંધ રાખી હતી એટલે તે ખોલીને બેસવાનો અર્થ નહોતો..
ઘરે પહોચ્યા ને દરવાજો ખોલીને "બબી સાંજ સુધીમાં તો જોજે ને રીપેર થઇ જશે. હું મારી અમાનતને બચાવીને જ રહું.. એમ બોલતા બોલતા આગળ વધ્યા ને ઓરડામાં જઈને જોયું તો બબીકાકી જમીન પર પડેલા હતા. આજુબાજુ લોહીનો ઢગલો થઇ ગયેલો.. લોહીની ઉલટીના ખાબોચિયામાં નિશ્ચેતન પડેલા બબીકાકીને જોઇને હસમુખકાકાથી રાડ નીકળી ગઈ.. દોડીને એમની પાસે ગયા અને હલબલાવી નાખ્યા.. કઈ જ જવાબ ના મળતા ધ્રુસકે ને ધુર્સકે રડી પડ્યા..
"બબી છેલ્લી વાર સ્કુટરમાં બેસીને જવાનો મોકો પણ ના આપ્યો તે
મને? હમણાં સ્કુટર સરખું થઈને આવી જશે.. આપણે છેલ્લી વાર કાંકરિયા જવાનું હતું બબી.. એ બબી.. ઉભી થા ને..
સતત તેમને હલબલાવતા રહ્યાં..
સાંજના સમયે મિકેનિક સ્કુટર લઈને તેમના ઘરના દરવાજે આવ્યો ને કેટલીય વાર સુધી ખખડાવ્યું છતાય દરવાજો ના ખુલ્યો એટલે આજુબાજુ વાળાને બોલાવ્યા.. બાજુમાં રહેતી સુનીતા બોલી..
"બોલો ભાઈ.. આ ઠોઠીયું તમારી કને કેમ છે?
"બેન એ તો હું આ પાછુ આપવા આવ્યો હતો. હવે સ્કુટર સરખું નહિ થાય. ભંગારમાં વેચી દેવાનું..
આ સાંભળતા સુનીતા ને બીજા પાડોશીઓના ચહેરા પર મુસ્કાન આવી ગઈ..
"હાશ.. હવે શાંતિ.. રોજ સવાર સવારમાં કાકાના સ્કૂટરની કિક નહિ સાંભળવી પડે.. પણ ભાઈ તો જાવ ને અંદર જઈને કહી દો.. અહી બહાર કેમ ઉભા છો?
"એ જ તો તમને કહ્યું કે કોઈ દરવાજો નથી ખોલતું..
સુનીતાને સહેજ ફાળ પડી.. તેના પતિએ અને બીજા બે પુરુષોએ ભેગા મળીને દરવાજાને ધક્કો માર્યો અને અંદરનું દ્રશ્ય જોઇને અવાક થઇ ગયા..
સુકાઈ ગયેલા લોહીની વચ્ચે બબીકાકીનો નિષ્પ્રાણ દેહ પડ્યો હતો અને એની બાજુમાં એમના હાથને પકડીને નિશ્ચેતન હસમુખકાકા પડ્યા હતા..
કદાચ બબીકાકીની આ હાલત જોઇને એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો..
બીજા દિવસે બંનેનો દાહ એકસાથે દેવાયો.. વિદેશમાં રહેતા છોકરાઓ આવી શકે એમ ના હતા.. પાડોશીઓએ સાથે મળીને બંનેને દાહ આપ્યો..
એક બાજુ ભડભડ ચિતા
બળતી હતી ને અને બીજી બાજુ હસમુખકાકાનું સ્કુટર ભંગાર ભેગું થઇ રહ્યું હતું..!! ગજબ ઋણાનુબંધ હતાં, તેમના અને સ્કુટરના..!! બંને પતિ-પત્ની રોજ બપોરે દાળ-ભાત જ જમતા. વણવાનું બબીકાકી હવે ના કરી શકતા એટલે દાળ-ભાત ને રાત્રે ખીચડી ખાઈને દિવસ પસાર કરતા... એક બાજુ ભડભડ ચિતા
બળતી હતી ને અને બીજી બાજુ હસમુખકાકાનું
સ્કુટર ભંગાર ભેગું થઇ રહ્યું હતું..!! ગજબ ઋણાનુબંધ હતાં, તેમના અને સ્કુટરના..!! વાર્તા । આયુષી સેલાણી