‘સંગ પ્રથમ વરસાદ પલળ્યા ને’ પછી, જીવનભર સ્મૃતિના સરવડે ભીંજાયા

‘આ જીંદગી તો એક ઘડી થોભતી નથી,
કોને ખબર કયારે તને યાદ આવશું ?’
- આસીમ રાંદેરી
સરકતા સમયને જગતની કોઇ સત્તા રોકી શકતી નથી. પળ ઘડી, કલાકો, દિવસો, મહિના, વર્ષ આમ વખત એકધારો ચાલતો જ રહે છે. ભલે વહેતા સમયને કદાચ આપણે અટકાવી નથી શકતા કે પસાર થઇ ગયેલી ક્ષણને પાછી નથી બોલાવી શકાતી પરંતુ સ્મૃતિ દ્વારા એ પસાર થઇ ગયેલા સારા કે ખરાબ સમયની અનુભૂતિ જરૂર કરી શકાય છે. એટલે જ માણસ જ્યારે એકલો પડે ત્યારે પોતાના ભવ્ય ભૂતકાળને માનસપટ ઉપર ઉતારી ફરી એકડે એકથી વધુ યાદ કરીને રાજી થતો હોય છે.
આમ તો એવું કહેવાય છે કે ગઇ તિથિ કોઇ ન વાંચે છતા એ વાત સ્વીકારવી પડશે કે વીતેલી સુખદ ક્ષણો સ્મરવી સૌને ગમે છે, હા એ વાત ખરી કે, આજે એકવીસમી સદીમાં માનવીની સમુળગી લાઇફ સ્ટાઇલ સાવ બદલાઇ ગઇ છે. વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજીની બદૌલત જીવન જીવવા જેવું તો બની જ ગયું છે પણ સાથોસાથ એકદમ ઝડપી બની ગયું છે. કોમ્યુનિકેશન ક્રાંતિને કારણે ઘડીના છઠ્ઠા ભાગમાં દેશવિદેશ સાથે સંપર્ક થઇ શકે છે પરંતુ પહેલા જેવી શાંતિ નથી કોઇને પળભર પણ નિરાંત નથી રહી.
પતિ-પત્ની કે બાપ દીકરો એક જ વિશાળ ઘરમાં રહેતા હોવા છતા મોટાભાગે મોબાઇલના માધ્યમથી વાત થતી હોય છે. આવા સમયમાં માણસ એવું વિચારતો હોય કે આવા ઝડપી યુગમાં તને હું કયારે યાદ આવીશ ? તો એ કલ્પના અસ્થાને તો નથી જ.
જીંદગીમાં જોઇએ શું એ પછી ?
એક તારી યાદનો પડઘો મળે !
- કિરીટ ગોસ્વામી
સ્મૃતિના સરવડામાં ભીંજાવાની પણ એક મજા હોય છે. સંધ્યાકાળે શ્રાવણની ઝરમર વર્ષામાં પ્રિયાની સંગાથે પલળતા પલળતા ચાલ્યા હોય ત્યારે બેશક હૃદય ખુશીથી છલકાઇ જાય પરંતુ વર્ષાઋતુ પુરી થઇ જાય, ભરઉનાળે પણ આ વાતનું સ્મરણ થઇ આવે ત્યારે પણ હૈયુ હરખથી છલકાઇ જાય છે. કારણ કે એ સ્મૃતિની શકિત છે, એટલે જ કવિ કહેતા હશે કે બસ એક તારી યાદનો પડઘો મળે તો બસ, બાકી જીવનમાં બીજુ જોઇએ પણ શું ?
નશો તારા સ્મરણનો એકપણ ક્ષણ દુર ના થાતો,
મળે જે મસ્તી એમાંથી તે પીવામાં નથી હોતી
- ચંદ્રા જાડેજા ‘શમા’
અતીતનો ઓરડો ખોલી તેમાં વેરવિખેર પડેલી સ્મૃતિઓના પટારા સમયાંતરે એક પછી એક ખુલતા રહેતા હોય છે. એ સમય યાદ કરતા જાણે એક અનોખો આનંદ મળતો હોય છે. તેમાં પણ પ્રિય વ્યકિત સાથેના સંસ્મરણો હોય તો તે હૃદય સાથે લાકડામાં ઉધઇ જેમ જોડાઇ જાય છે. પરીણામે તે એક ક્ષણ પણ ભુલી શકાતા નથી એટલું જ નહી તેમાંથી એવો નશો મળે છે કે શરાબ પીવાવાળાને શરાબમાંથી પણ નહી મળતો હોય ! સ્મરણ એ જાણે રણને પણ નંદનવન બનાવવાની તાકાત ધરાવે છે.
ઉત્સવ સમુ આ શું હશે તારા અભાવમાં ?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
- જવાહર બક્ષી
જ્યારે સ્મૃતિની વાત ચાલી રહી છે ત્યારે જવાહર બક્ષીનો આ શેર જરૂર યાદ આવી જાય છે. પ્રિયા જ્યારે હાજર નથી ત્યારે આંખમાં ઉત્સવ જેવું, મતલબ કે તેની સાથે પસાર કરેલ સમયની સ્મૃતિઓ એક પછી એક ઉમટી આવી જાણે મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જે છે, મેળો એટલે ઉત્સવ ખરૂને ? તેમાં આનંદની છોળો ઉડતી હોય છે તેમ અહીં કવિ સંસ્મરણોની સરાહના કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
(શિર્ષક પંકિત: ખુદ લેખક) આસ્વાદ બાલેન્દુ શેખર જાની