ખંભાળા ડેમ પાસે ઘરમાંથી દારૂ મળ્યો, આરોપી ફરાર

પોરબંદર તા.4
ખંભાળા નજીક મકાનમાંથી દેશી-વિદેશી દારૂ મળ્યો હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે. રાણાવાવ નજીક ખંભાળા ડેમ પાસે બંધના નેશ વિસ્તારમાં રહેતા લાખા લખમણ ઘરમાં હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના મકાનમાંથી વિદેશી દારૂની 3600 ની કિંમતની 9 બોટલ તથા દારૂની 15 કોથળી સહિત 3,900 નો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો હતો. તે ઉપરાંત એ જ વિસ્તારના રાજુ લખમણ મોરીને તેના મકાનમાં 100 રૂપીયાના દારૂ સાથે પકડી લેવાયો હતો. માધવપુરના પાંચા ભુરા ભરડાને પણ દારૂ સાથે પકડી લેવાયો છે.
પોરબંદરના જ્યુબેલીમાં ચા બનાવતા દાઝી ગયેલ વૃદ્ધાનું મોત
પોરબંદરના જ્યુબેલીમાં ચા બનાવતા દાઝી ગયેલ વૃદ્ધાનું મોત નિપજ્યું છે.
બનાવની વિગત એવી છે કે જ્યુબેલી હાથી કેમીકલ્સ વિસ્તારમાં રહેતા બુધીબેન મેરામણભાઈ મારૂ ચા બનાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે પ્રાયમસમાં ભડકો થતા તેઓ દાઝી ગયા હતા. અને સારવાર માટે તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું છે.
પોરબંદરના ખાપટની યુવતી લાપતા
પોરબંદરના ખાપટની યુવતી લાપતા થતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદર તાલુકાના ખાપટ ગામના રવિનાબેન ગઈ તા. 22 મે 2018 ના રોજ લાપતા થયા છે. તેમની ઉંચાઈ સાડા પાંચ ફૂટ છે. 21 વર્ષની ઉંમરના રવિનાબેન ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. તેઓએ હાથમાં રવિના એવું નામ ત્રોફાવેલ છે. આ અંગે મનિષભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.