ગૂડ-બેડનો ભેદ રાખ્યા વિના આતંક ખતમ કરો: પાક.ને આદેશ


વોશિંગ્ટન તા.8
આતંકવાદીઓમાટે સુરક્ષિત આશરો બનેલા પાકિસ્તાનને અમેરિકાએ એક વખત ફરીથી ખખડાવ્યું છે. આ વખતે ખુદ અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર બાજવા સાથે ફોન પર વાત કરીને આતંકીઓની વિરૂદ્ધ એકશન લેવાનું કહ્યું છે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવકતા હીથર નોર્ટ એ કહ્યું કે પોમ્પિઓ એ બાજવાને ફોન પર વાતચીત દરમ્યાન કહ્યું કે પાકિસ્તાન કોઇપણ પ્રકારના ભેદભાવ વગર આતંકવાદી ગ્રૂપની વિરૂદ્ધ એકશન લે. ઉલ્લેખ કરવો રહ્યો કે, આતંકવાદના મુદ્દા પર જ બંને દેશોના મિત્રતાભર્યા સંબંધમાં ખટાશ આવી ગઇ છે.
પ્રવકતા હીથર નોર્ટ એ કહ્યું કે તેમણે અમેરિકા-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોને આગળ વધરાવાની રીતો, અફઘાનિસ્તાનમાં રાજકીય સુલેહની જરૂરિયાત અને કોઇપણ પ્રકારના ભેદભાવ વગર દક્ષિણ એશિયામાં તમામ આતંકવાદીઓ અને આતંકવાદી ગ્રૂપને નિશાન બનાવાની મહત્તા પર ચર્ચા કરી હતી.
જિયો ન્યૂઝના મતે જ્યારે બંને દેશોએ સંબંધિત દૂતાવાસોમાં કામ કરી રહેલા એક બીજાના ડિપ્લોમેટની યાત્રા પર પ્રિતબંધ મૂકયો હતો ત્યારે મે બાદથી પહેલી વખત એવું બન્યું છે કે અમેરિકન અને પાકિસ્તાની અધિકારીઓની વચ્ચે ઉચ્ચ સ્તરીય વાર્તા થઇ છે. છેલ્લાં કેટલાંક સમયથી બંને દેશોની વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ આરોપ લગાવ્યા કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને સુરક્ષિત આશરો આપી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનને આપેલ 2 અબજ ડોલરની સહાયતાની રકમ રોકી દીધી હતી. અમેરિકાએ પાકિસ્તાનને હક્કાની નેટવર્ક અને આતંકવાદી સંગઠન તાલિબાનની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી. જો કે પાકિસ્તાને આ તમામ આરોપોને નકારી દીધા હતા અને કહ્યું કે તેઓ આતંકવાદની વિરૂદ્ધ યુદ્ધ ચાલુ રાખશે.