કાશ્મીરની કાયાપલટ કરવા કેન્દ્ર હવે ‘ખેલ’ નાખશે

ખેલકૂદમાં પ્રતિભા સંપન્ન યુવાનોને સાંકળતા કાર્યક્રમોનું મોટાપાયે આયોજન કરશે: 200 કરોડનું બજેટ ફાળવાયું રાજયના 143 બ્લોકમાં ઈન્ફ્રાસ્ટ્રકચર માટે પ્રતિ બ્લોક 10 લાખ રૂપિયા ફાળવાશે: રાજનાથ
શ્રીનગર તા,8
જમ્મુ-કાશ્મીરના યુવાનોને શિક્ષણથી સંપન્ન કરીને તેમ જ ખેલકૂદ ક્ષેત્રમાં પ્રતિભા પાંગરે તેવા કાર્યક્રમો દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકાર જમ્મુ-કાશ્મીરનું ભાગ્ય પલટીને કાયાપલટ કરશે. જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં યોગ્ય અને ખરી વિચારસરણી ધરાવતા લોકો સાથે મંત્રણા કરવા ભારતની કેન્દ્ર સરકાર સુસજ્જ છે પરંતુ પાકિસ્તાને તેમની ભુમિ પરથી ઉદ્ભવતા આતંકવાદને બંધ કરવો જ જોઈએ. પાકિસ્તાન આપમેળે જો તેમની ધરતી પરથી સંચાલિત આતંકવાદને રોકવા અસમર્થ હોય તો ભારતની સહાય લેવી જોઈએ.
જમ્મુ-કાશ્મીરમાં સલામતીની પરિસ્થિતિની પુન:સમીક્ષા કરવા માટે રાજનાથ સિંહ બે દિવસ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા છે. તેમણે કાશ્મીરના વિભાજનવાદીઓ સમક્ષ શાંતિ અને મૈત્રીનો હાથ લંબાવતા કહ્યું કે દરેકેદરેક સાથે સંવાદ સાધી શકાય છે. મંત્રણા યોજવા માટે સમાન વિચારધારા ધરાવનારાઓ જ હોવા જોઈએ, એ બિલકુલ આવશ્યક નથી પણ યોગ્ય અને ખરી વિચારસરણી હોય એ આવશ્યક છે.
તેમણે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું કે અહીંના યુવાનોના ભાવિની ચિંતા કેન્દ્ર સરકારને કોરી ખાય છે. આથી જ ભારતના જાંબાઝ સુરક્ષા દળો પર પથરા ફેંકવામાં ભાગ લેતા ગેરમાર્ગે દોરાયેલા તરુણો અને યુવકો સામેના કેસ પાછા ખેંચી લેવાનું નક્કી કર્યું છે. બાળકોથી ભૂલ થાય જ. આ અવસરે રાજ્યના કેટલાક ખેલવીરનું સન્માન કરાયું હતું. આ રાજ્યમાં ખેલકૂદની માળખાકીય સવલતો વિકસાવવા માટે 200 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. મુખ્યત્વે મન્સાર અને પહેલગામમાં જળક્રીડા ક્ષેત્રે માળખાકીય સુવિધા વિકસાવવામાં આવશે. આ મનોહર રાજ્યના 143 બ્લોકને રમતગમત ક્ષેત્રે માળખાકીય સવલતોનો વિકાસ કરવા પ્રત્યેક બ્લોકમાં 10 લાખ રૂપિયા પૂરા પડાશે.
રાજનાથ સિંહે ગુરુવારે અત્રે પત્રકારોને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કંઈ સાઈટ સિઈંગ કરવા માટે ખાસ પ્રતિનિધિની નિયુક્તિ કરવામાં આવી નથી. ગયા વર્ષે દિનેશેશ્ર્વર શર્માની જમ્મુ-કાશ્મીરના ખાસ પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી તે સંદર્ભે બોલતા તેમણે ઉક્ત બાબત જણાવી હતી.
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામના પવિત્ર રમજાન માસમાં મૂકેલા શસ્ત્રવિરામની મુદત રમજાન પૂરો થયા બાદ પણ વધારવામાં આવશે કે કેમ? તે સવાલના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે પરિસ્થિતિની પુન:સમીક્ષા કરવામાં આવ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
જોકે આતંકવાદી હુમલાઓને વખોડી કાઢતા રાજનાથ સિંહે કહ્યું કે ઈસ્લામમાં જે મહિનામાં રોજા રાખવાના હોય છે તેમાં પણ આતંકવાદીઓ કરતૂતો ત્યજતા નથી. તો પવિત્ર ધાર્મિક મહિનામાં ત્રાસવાદી કરતૂતોને અપવિત્ર ન લેખાવી શકાય?
સઘળા મહત્ત્વના ધર્મોનું પાલન થતું હોય અને ઉત્સવો મનાવવામાં આવતા હોય એવો એક માત્ર દેશ ભારત જ છે. વિશ્ર્વમાં એવો કોઈ જ ઈસ્લામિક દેશ નથી કે જેના સઘળા એટલે કે 72 ફીરકા (સંપ્રદાય)ના અનુયાયી મોજૂદ હોય. એકમાત્ર ભારતમાં જ આ તમામ સંપ્રદાય છે. તો પછી ભારત પ્રતિ આટલી બધી ઘૃણા અને ખુન્નસ શા માટે?
અટલબિહારી વાજપેયીજીએ જમ્હૂરિયત (લોકશાહી), કાશ્મીરિયત તેમ જ ઈન્સાનિયતનું સૂત્ર આપીને એ અંગે વાતચીત કરી હતી, તે વાત બિલકુલ વીસરતા નહીં.
વડા પ્રધાને લાલ કિલ્લા પરથી વકતવ્ય આપતા કહ્યું હતું કે ગોળીઓથી નહીં પણ આલિંગનથી કાશ્મીર સમસ્યાનો નિવેડો લાવીશું. અમે જ્યારે કશ્મીરિયતની વાત કરીએ છીએ ત્યારે તેમાં હઝરતબલ તથા અમરનાથ બંનેનો સમાવેશ થાય છે, એમ ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ઉમેર્યું હતું.
----------